Mon May 25 2026

Logo

આજે છે 'કેસર કેરી'નો હેપ્પી બર્થડે! જાણો જૂનાગઢના વજીરની દાઢે વળગેલા સ્વાદની 92 વર્ષ જૂની રોયલ સ્ટોરી...

3 hours ago
Author: Darshana Visaria
Article Image

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જો ગિરનારની મધમીઠી 'કેસર કેરી'નો રસ થાળીમાં પીરસાય, તો ગરમીનો બધો જ કંટાળો ચપટીમાં ગાયબ થઈ જાય છે. દુનિયાભરમાં જેનો શાહી સ્વાદ પ્રખ્યાત છે તેવી ગીરની ઓળખ સમાન કેસર કેરીનો ઈતિહાસ એટલો જ રસપ્રદ અને શાહી વૈભવથી ભરેલો છે. શું તમે જાણો છો કે આ કેસર કેરીને તેનું નામ કઈ રીતે મળ્યું, તેને આ નામ કોણે આપ્યું અને આ પાછળની સ્ટોરી શું છે? તમારા આ તમામ સવાલોના જવાબ મેળવવા આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે... 

આજે 25મી મે, 2026ના રોજ આ જગપ્રસિદ્ધ કેરીના સત્તાવાર નામકરણને બરાબર 92 વર્ષ પૂરાં થયાં છે. વર્ષ 1934ના આજના જ ઐતિહાસિક દિવસે વંથલીની એક દેશી આંબડીને 'કેસર' જેવું રોયલ નામ મળ્યું હતું. સોરઠની આ વિરાસત અને નવાબી કાળના ઈતિહાસ વિશેની રસપ્રદ માહિતીથી માહિતગાર થઈશું. 

ભારતમાં કેરીની 1000 કરતાંય વધુ પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ જે વટ અને સ્વાદ ગીરની કેસર કેરીનો છે તેની કોઈ સરખામણી નથી. જોકે, વર્ષ 1934માં પહેલાં આ કેરી અસ્તિત્વમાં હોવા છતાં તેનું કોઈ સત્તાવાર નામ નહોતું. તેના નામ પાછળ જૂનાગઢ અને માંગરોળ સ્ટેટની એક અનોખી મૈત્રીનો ઇતિહાસ જોડાયેલો છે.

વાત છે વર્ષ 1934ની. વંથલીના વેણુ રેવન્યુ સર્કલ ખાતે 'ચમસી' અને 'રબારી' જાતની દેશી કેરીઓના આલીશાન બગીચાઓ લહેરાતા હતા. જૂનાગઢ સ્ટેટના વજીર સાલેભાઈ ઈદ્દુ અવારનવાર આ બગીચાઓની મુલાકાતે જતા હતા. એક દિવસ કેરીની લણણી ચાલી રહી હતી ત્યારે વજીર સાહેબે કુદરતી રીતે ઝાડ પર પાકેલી એક અનોખી કેરીનો સ્વાદ ચાખ્યો. આ કેરીનો સ્વાદ એટલો તો અમૃત જેવો મીઠો હતો કે વજીર સાહેબ ખુશ-ખુશ થઈ ગયા. 

વજીર સાહેબે  આ અનોખી કેરીના થોડાક નંગ પોતાના પરમ મિત્ર એવા માંગરોળ સ્ટેટના નવાબ શેખ જહાંજીરમિયાં માટે ખાસ ભેટ તરીકે લઈ ગયા. જ્યારે માંગરોળના નવાબે આ કેરી ખાધી, ત્યારે તેઓ તેના સ્વાદને કારણે આ કેરી પર મોહી પડ્યા હતા. તેમણે ખુશ થઈને પહેલાં તો આ ખાસ ઝાડને પોતાના મિત્રના નામ પરથી 'સાલેભાઈની આંબડી' નામ આપ્યું અને વજીર સાલેભાઈને 'સાલે હિન્દ'નો મોટો ખિતાબ આપ્યો હતો.

પરંતુ, 25મી મે, 1934ના એ ઐતિહાસિક દિવસે જ્યારે નવાબે આ કેરીની વિશેષતાઓ પર બારીકાઈથી નજર નાખી, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ કેરીમાં આખા ભારતમાં ક્યાંય ન હોય તેવા તદ્દન 'ઝીરો રેસા' જોવા મળ્યા હતા, એનો સ્વાદ સાકર અને મધને પણ ટક્કર મારે તેવો અદભુત હતો. લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી કેસર કેરી સુગંધ આખા ઓરડાને મહેકાવી દે તેવી તીવ્ર હતી.

સૌથી ક્રેઝી બાબત તેનો રંગ હતો, જે બિલકુલ શુદ્ધ 'કેસર' (Saffron) જેવો લાલ-પીળો ચમકતો હતો. બસ, કેરીના આ ભવ્ય ગુણો અને કેસરી રંગને જોઈને માંગરોળના નવાબે તેને શાહી નામ આપ્યું 'કેસર'. બસ એ દિવસથી આ દેશી આંબડી વૈશ્વિક સ્તરે 'કેસર કેરી' તરીકે અમર થઈ ગઈ. બાદમાં ગિરનારની તળેટીમાં આવેલા લાલધેરીના જંગલને સાફ કરાવીને વૈજ્ઞાનિક પદ્ધતિથી આ કેસર કેરીની કલમોનો મોટો ઉછેર શરૂ કરવામાં આવ્યો હતો.

કેસર કેરીઓની ખાસિયત...

કેસર કેરીનો પાક દર વર્ષે એપ્રિલ અને મે મહિના દરમિયાન બજારમાં ધૂમ મચાવે છે. તેના આંબાની ઊંચાઈ 50 ફૂટ સુધી પહોંચી શકે છે અને કલમ રોપ્યા પછી ફળ આવતા ત્રણથી ચાર વર્ષનો સમય લાગે છે. એક પુખ્ત આંબો વર્ષમાં આશરે 150થા 200 કિલોગ્રામ કેરીનો બમ્પર પાક આપે છે, એવો અંદાજ છે. 

વાત કરીએ કેસર કેરીના વજનની તો એક પ્રોપર ગુણવત્તાવાળી કેસર કેરીનું વજન 200થી 300 ગ્રામની વચ્ચે હોય છે. જો આપણે એક કેરીનું ટકાવારી મુજબ વિશ્લેષણ કરીએ, તો તેમાં  69 ટકા પલ્પ, 18 ટકા, 13 ટકા ઉપરની પાતળી છાલ હોય છે.

પોષક તત્વોનો ખજાનો: 

કેસર કેરી માત્ર સ્વાદમાં જ બેસ્ટ નથી, પરંતુ તેમાં વિટામિન-એ, વિટામિન-સી, નેચરલ સુગર, ટીએસએસ અને શરીર માટે જરૂરી એસિડિટીનું અદભુત સંતુલન હોય છે, જે હેલ્થ માટે પણ બેસ્ટ માનવામાં આવે છે.