Tue May 26 2026

Logo

સૂર્યવંશીએ 50 બોલમાં સદીની ચેલેન્જ ઉઠાવીને 25 બોલમાં જ ઠોકી દીધા 100 રન પણ કોનો વર્લ્ડ રેકોર્ડ નો તોડી શક્યો ?

53 minutes ago
Author: Mayur Patel
Article Image

The Switch | Kevin Pietersen


નવી દિલ્હીઃ રાજસ્થાન રૉયલ્સનો ટીનેજર ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી તેની વિસ્ફોટક બેટિંગના કારણે આજકાલ ચર્ચામાં છે. તેણે 50 બોલમાં સદીની ચેલેન્જ ઉઠાવીને 25 બોલમાં જ 100 રન ઠોકી દીધા હતા. જોકે તેમ છતાં શ્રેયસ અય્યરનો વર્લ્ડ રેકોર્ડ તોડી શક્યો નહોતો. શ્રેયસે 22 બોલમાં જ સદી ફટકારી હતી.

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન સાથે વાતચીતમાં વૈભવ સૂર્યવંશીએ કહ્યું કે તેને ફિફ્ટી કે સેન્ચુરીથી સંતોષ નથી થતો. તેનું ખરું સપનું ટી-20માં બેવડી ફટકારવાનું છે. પીટરસન દ્વારા સૂર્યવંશીને અય્યરનો રેકોર્ડ તોડવા અંગે પૂછવામાં આવ્યું હતું. સૂર્યવંશીએ એવું નિવેદન આપ્યું હતું કે તે પંજાબ કિંગ્સના કેપ્ટનને પાછળ છોડી દેશે, પરંતુ આખરે તે તેમ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

પીટરસનના શોમાં સૌથી ઝડપી સદી ફટકારનારાઓની યાદીમાં સૂર્યવંશી બીજા સ્થાને છે. તેના પછી વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પૂરન છે, જેણે 28 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. એબી ડી વિલિયર્સ,  પણ પીટરસનના શોમાં દેખાયો હતો, તેણે 30 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. બીજી તરફ, રાજસ્થાન રૉયલ્સમાં સૂર્યવંશીના સાથી ખેલાડી યશસ્વી જયસ્વાલે પોતાની સદી પૂરી કરવા માટે 47 બોલ લીધા હતા.

સૂર્યવંશીએ T20 ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાની પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. હાલમાં ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં  વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, જેમણે IPL 2013ની સીઝન દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે 175 રનની ઈનિંગ રમી હતી.

સૂર્યવંશીએ પીટરસનને કહ્યું,  હું T20માં 200 રન બનાવવા માંગુ છું. પીટરસને કહ્યું કે, ક્રિસ ગેલના 175 રન છે, ત્યારે સૂર્યવંશીએ જવાબ આપ્યો કે તે વેસ્ટ ઈન્ડિઝના આ વિસ્ફોટક બેટ્સમેનનો રેકોર્ડ તોડવા માંગે છે.  હું તેમનો રેકોર્ડ તોડીને 200 રન બનાવવા માંગુ છું. જો હું કોઈપણ મેચમાં પૂરેપૂરી 20 ઓવર બેટિંગ કરીશ, તો હું ચોક્કસપણે એ રેકોર્ડ તોડી નાખીશ.