Tue May 26 2026

Logo

મોદી સરકારે કોક્રોચ પાર્ટીના પ્રમુખ અભિજીતને સોંપવાની અમેરિકાને વિનંતી કરી ? સરકારે શું કહ્યું ?

1 hour ago
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકારે અમેરિકા પાસે ‘કોક્રોચ જનતા પાર્ટી’ (CJP) ના પ્રમુખને ભારતને સોંપવાની માંગ કરી છે. જોકે, ભારત સરકારે આ વાયરલ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ની ફેક્ટ ચેક ટીમે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર ફરતો આ વીડિયો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા બનાવવામાં આવેલો છે અને તે તદ્દન ખોટો છે. પીઆઈબીએ અસલ વીડિયો શેર કરીને સ્પષ્ટતા કરી છે કે વિદેશ પ્રધાન એસ. જયશંકરે આવું કોઈ નિવેદન આપ્યું નથી.

આ એડિટેડ વીડિયોમાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરને કથિત રીતે એવું કહેતા દર્શાવવામાં આવ્યા હતા કે અમેરિકામાં કેટલાક 'નોન-સ્ટેટ એક્ટર્સ' ભારત વિરોધી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે અને તેમના દ્વારા ‘કોક્રોચ જનતા પાર્ટી’ ઓપરેટ થઈ રહી છે. સાથે જ તેમાં એવો પણ ખોટો દાવો કરાયો હતો કે ભારતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ CJP નેતૃત્વને સોંપવાની માંગ કરી છે. પરંતુ વાસ્તવમાં, અસલ વીડિયોમાં વિદેશ પ્રધાન ભારત-અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારી અને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથેની તેમની વાતચીત અંગે નિવેદન આપી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ‘કોક્રોચ જનતા પાર્ટી’ હાલમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. વાસ્તવમાં આ કોઈ રાજકીય પક્ષ નથી, પરંતુ તેને એક વ્યંગાત્મક (satirical) ઓનલાઈન આંદોલન અથવા કેમ્પેઈન તરીકે જોવામાં આવે છે. આ ઝુંબેશ મુખ્યત્વે બેરોજગારી, મોંઘવારી અને યુવાનોને લગતા અન્ય મહત્વના મુદ્દાઓ ઉઠાવવાને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી છે અને મોટી સંખ્યામાં યુવાનો સોશિયલ મીડિયા પર આ ઓનલાઈન કેમ્પેઈન સાથે જોડાઈ રહ્યા છે.