Mon May 25 2026

Logo

વિરાટ-અનુષ્કાની દરેક ટ્રિપમાં સામેલ હોય છે આ બે ધાર્મિક સ્થાન, જ્યાં તેમને મળે છે માનસિક શાંતિ

1 hour ago
Author: Ajay Motiwala
Article Image

બેંગ્લૂરુઃ 37 વર્ષના વિરાટ કોહલીએ 163.82ના સ્ટ્રાઇક-રેટથી કુલ 557 રન બનાવીને રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)ને આઇપીએલ-2026ની પ્લે-ઑફમાં પહોંચાડવામાં મોટું યોગદાન આપ્યું એટલે તેમ જ ખાસ કરીને બાવીસમી મેએ હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદના ઑસ્ટ્રેલિયન ઓપનર ટ્રૅવિસ હેડ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરીને હાલમાં ખૂબ ચર્ચામાં છે ત્યારે કોહલીની એક અંગત વાત વિશેનો એક અહેવાલ જાણવા મળ્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિરાટ (Virat) અને ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા (Anushka) વર્ષ દરમ્યાનની યાત્રાઓમાં આધ્યાત્મિક સ્થાનોને ખાસ મહત્ત્વ આપતા હોય છે.

ઉત્તરાખંડમાં હરિદ્વાર નજીક નીમ કરોલી બાબાનું કૈંચી ધામ અને વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજનું આશ્રમ (Ashram) વિરાટ-અનુષ્કાના બે ફેવરિટ સ્થાનો છે જ્યાં આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને તેમને ખૂબ માનસિક શાંતિનો અનુભવ થાય છે.

આજના સમયમાં ઘણા લોકો જ્યારે હરવા-ફરવા માટે જાહેરખબરોમાં, ઇન્ટરનેટ પર કે સોશ્યલ મીડિયામાં જોવા મળતા સ્થળે પહોંચી જતા હોય છે ત્યારે વિરુષ્કા તરીકે જાણીતાં વિરાટ-અનુષ્કા આ ટ્રેન્ડ મુજબ નહીં, પણ આધ્યાત્મિકતાને કેન્દ્રમાં રાખીને પ્રવાસ શરૂ કરતા હોય છે. તેમના માટે ટ્રાવેલ એટલે માત્ર હરવું-ફરવું જ નહીં, પરંતુ દિલોદિમાગને શાંતિ મળે તેમ જ આસ્થા સાથે પણ જોડાયેલા રહેવાય એવા સ્થળે તો ખાસ જવું. છેલ્લા થોડા વર્ષોમાં વિરુષ્કાના પ્રવાસોમાં હરિદ્વાર અને વૃંદાવનના બન્ને આધ્યાત્મિક સ્થળ અથવા બેમાંથી એક સ્થળ તો હોય છે જ. આ બે સ્થળોમાં શું ખાસ છે એના પર એક નજર કરીએઃ

Neem Karoli Baba & Miracles of Kainchi Dham

નીમ કરોલી બાબા આશ્રમ, કૈંચી ધામ

ઉત્તરાખંડમાં હરિદ્વાર નજીક કુમાઉ પહાડોની વચ્ચે આવેલું આ આશ્રમ જાણીતું તો હતું જ, વિરુષ્કાને કારણે આ સ્થળે થોડા વર્ષોથી વધુ લોકો આવતા થયા છે. વિરુષ્કાની અગાઉ આ સ્થળે સ્ટીવ જૉબ્સ અને માર્ક ઝકરબર્ગ પણ આવી ચૂક્યા હતા. આ સુંદર સ્થળમાં નીમ કરોલી બાબા કેન્દ્રમાં હોય છે અને તેમના ભક્ત વિશ્વભરમાં ફેલાયેલા છે. આ સ્થળ નૈનીતાલથી લગભગ 40 કિલોમીટર દૂર છે. કોસી નદીને કિનારે આવેલા આ ધામની આસપાસ દેવદારના અસંખ્ય વૃક્ષો છે.

આજના સમયમાં આ બહુ મોટું આધ્યાત્મિક સ્થળ મનાય છે. અહીં દર વર્ષે હજારો લોકો દર્શનાર્થે આવે છે. આ સ્થળની સ્થાપના 1962માં નીમ કરોલી બાબાએ કરી હતી. આ સ્થળે સૌથી પહેલાં પ્રેમી બાબા અને સોમબારી મહારાજ યજ્ઞ કરતા હતા. શરૂઆતમાં અહીં હનુમાનનું મંદિર બનાવવામાં આવ્યું હતું. ધીમે-ધીમે અહીં ભજન, ભંડારો અને આધ્યાત્મિક કાર્યક્રમોના આયોજન થવા લાગ્યા અને વધુને વધુ ભક્તો આવવા લાગ્યા હતા. 1973માં મહારાજજીએ મહાસમાધિ લીધી ત્યાર પછી તેમના માટે એક મંદિર બનાવવામાં આવ્યું હતું. એમાં ભક્તો તથા કારીગરો ઉપરાંત માતાઓએ પણ `રામ નામ' લખેલી ઇંટોનું યોગદાન આપ્યું હતું. 1976માં ભક્તો માટે મંદિર ખોલવામાં આવ્યું હતું. ત્યારે વેદ મંત્રોચ્ચાર સાથે તેમની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

પ્રેમાનંદ મહારાજ આશ્રમ, વૃંદાવન

પવિત્ર શહેર વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજનું આશ્રમ છે અને આ સ્થળે થોડા વર્ષોથી ભારતીયોમાં તેમ જ વિદેશીઓમાં આધ્યાત્મિક કેન્દ્ર બની ગયું છે. મોટા-મોટા મંદિરોની ભવ્યતાની તુલનામાં આ સ્થળનો માહોલ ખૂબ જ સરળ, નૈસર્ગિક અને પોતાનાપણું મહેસૂસ થાય એવો છે. આ સ્થળે કોઈ પણ પ્રકારનો દેખાડો કે ભીડ જેવું કંઈ હોતું નથી અને વિરુષ્કા થોડા વર્ષોથી ચુપચાપ આ સ્થળની મુલાકાત લઈ લેતા હોય છે. તેઓ શાંતિથી અન્ય ભક્તોની સાથે ભક્તિના કાર્યક્રમોમાં સામેલ થઈ જતા હોય છે. ઘણી વાર તેઓ સામાન્ય ભક્તોની જેમ સત્સંગમાં હાજરી આપી ચૂક્યા છે. ભારતના ખાસ સ્થળોમાં આ આશ્રમનું નામ અચૂક લેવાય છે. આ સ્થળ ભગવાન કૃષ્ણની અર્થાત બાંકે બિહારીની નગરી તરીકે ઓળખાય છે. ભક્તો વહેલી સવારે ભક્તિના કાર્યક્રમોથી શરૂઆત કરે છે અને સાંજે સામૂહિક ભજન-કીર્તન થાય છે. ભકતોને ભાગદોડની જિંદગીમાં અહીં આવીને ખૂબ માનસિક શાંતિ મળે છે.