Mon May 25 2026

Logo

કુલદીપને મળ્યો હૅટ-ટ્રિક ચાન્સ, પણ પોરેલે કૅચ છોડ્યોઃ દિલ્હીએ કોલકાતાને હરાવ્યું

1 hour ago
Author: Ajay Motiwala
Article Image

BCCI


આઇપીએલમાં આજે રેસ્ટ-ડેઃ આવતી કાલે ગુજરાત-બેંગ્લૂરુની ક્વૉલિફાયર-વન

કોલકાતાઃ અહીં રવિવારે ઈડન ગાર્ડન્સમાં દિલ્હી અને કોલકાતા (Kolkata) વચ્ચે જે મૅચ રમાઈ ત્યારે શરૂઆતમાં અજિંક્ય રહાણેની યજમાન ટીમને પ્લે-ઑફની આશા હતી, પરંતુ વાનખેડેમાં મુંબઈ સામે રાજસ્થાન જીત્યું એ સાથે કોલકાતાની પ્લે-ઑફની આશા પર પાણી ફરી વળ્યું હતું અને પછી તો કોલકાતાનો દિલ્હી સામે પણ પરાજય થયો હતો. દિલ્હીનો સ્પિનર કુલદીપ યાદવ (4-0-29-3) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો, પણ વિજયના ઉન્માદ અને આ પુરસ્કારના આનંદ પહેલાં તેણે એક તબક્કે ખૂબ નિરાશ થવું પડ્યું હતું. તેને હૅટ-ટ્રિક (Hat-Trick) ચાન્સ હતો, પણ વિકેટકીપર અભિષેક પૉરેલે કૅચ છોડી દેતાં કુલદીપ એ સિદ્ધિથી વંચિત રહ્યો હતો.

દિલ્હીએ પાંચ વિકેટે 203 રન બનાવ્યા હતા જેના જવાબમાં કોલકાતાની ટીમ 18.3 ઓવરમાં માત્ર 163 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં દિલ્હીનો 40 રનથી વિજય થયો હતો. આઇપીએલમાં સોમવારના રેસ્ટ-ડે બાદ મંગળવારે ધરમશાલામાં ગુજરાત-બેંગ્લૂરુ વચ્ચે પ્લે-ઑફનો પ્રથમ મુકાબલો (ક્વૉલિફાયર-વન) થશે. એમાં જીતનારી ટીમ સીધી ફાઇનલમાં જશે.

BCCI

દહિયાનું જીવતદાન મોંઘુ ન બન્યું

કોલકાતાની ઇનિંગ્સમાં 14મી ઓવર કુલદીપે કરી હતી. તેણે બીજા બૉલમાં કોલકાતાના સુકાની અજિંક્ય રહાણે (63 રન, 39 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર)ની અને ત્રીજા બૉલમાં રિન્કુ સિંહ (0)ની વિકેટ લીધી હતી. ચોથા બૉલમાં પણ વિકેટ લઈને કુલદીપને હૅટ-ટ્રિકની તક હતી. જોકે વિકેટકીપર પૉરેલે તેજસ્વી દહિયાનો કૅચ પડતો મૂક્યો હતો. કુલદીપને ત્યારે નિરાશ થવું પડ્યું હતું, પરંતુ પછીની જ ઓવરમાં કૅપ્ટન અક્ષર પટેલે દહિયા (એક રન)ને ક્લીન બોલ્ડ કરી દીધો હતો.

કોલકાતાએ 35 રનમાં સાત વિકેટ ગુમાવી

કોલકાતાની ઇનિંગ્સની 18મી ઓવર મિચલ સ્ટાર્કે કરી હતી જેમાં પ્રથમ બૉલમાં રૉવમેન પૉવેલ (નવ રન)ની રનઆઉટમાં વિકેટ પડ્યા પછી એ જ ઓવરમાં બીજી બે વિકેટ પણ પડી હતી. બીજા બૉલમાં અનુકૂલ રૉય (નવ રન) અને ચોથા બૉલમાં કાર્તિક ત્યાગી (0) વિકેટ ગુમાવી બેઠો હતો. સ્ટાર્કની ઓવરમાં સાતમી, આઠમી અને નવમી વિકેટ પડી હતી અને ત્યાર બાદ ઍન્ગિડીએ વરુણ ચક્રવર્તીની અંતિમ વિકેટ લઈને કોલકાતાનો ખેલ ખતમ કરી નાખ્યો હતો. ટૂંકમાં, કોલકાતાએ પાંચ ઓવરમાં 35 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.

દિલ્હી છઠ્ઠે, કોલકાતા સાતમે

દિલ્હીની ટીમ 14 પૉઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને રહી હતી. એણે 14માંથી સાત મૅચ જીતી હતી અને સાતમાં પરાજય જોયો હતો. કોલકાતાની ટીમ 13 પૉઇન્ટ સાથે સાતમા સ્થાને રહી હતી. આ ટીમે 14માંથી છ મૅચમાં વિજય જોયો હતો, પરંતુ સાત મૅચમાં હાર જોઈ અને એક મૅચ અનિર્ણીત રહી હતી.

BCCI

કેએલ રાહુલના 30 બૉલમાં 60 રન

એ પહેલાં, દિલ્હી કૅપ્ટિલ્સના ઓપનર કેએલ રાહુલે (60 રન, 30 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) કોલકાતાની ટીમના બોલર્સની ખબર લઈ નાખી હતી, પરંતુ તેના અને કૅપ્ટન અક્ષર પટેલ (39 અણનમ, પચીસ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) તેમ જ ડેવિડ મિલર (28 રન, 19 બૉલ, ત્રણ સિક્સર)ના પર્ફોર્મન્સનો કોઈ અર્થ નહોતો, કારણકે દિલ્હીની ટીમ શનિવારે જ પ્લે-ઑફ રાઉન્ડની રેસમાંથી બહાર થઈ ગઈ હતી, જ્યારે કોલકાતાએ રવિવારે રાજસ્થાનના મુંબઈ સામેના વિજયને પગલે ટૂર્નામેન્ટની બહાર થઈ જવું પડ્યું હતું. કોલકાતા વતી સૌરભ દુબેએ સૌથી વધુ બે વિકેટ મેળવી હતી. સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી અને અનુકૂલ રૉયને એક-એક વિકેટ મળી હતી.