અમદાવાદઃ રાજ્યમાં ગત મહિને યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જે બાદ વિવિધ જિલ્લા, તાલુકામાં હાલ પદાધિકારીઓની નિમણૂકની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન આણંદ અને મોરબી જિલ્લા પંચાયતોમાં ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા.
આણંદ જિલ્લા પંચાયતમાં શું થયું
આણંદ જિલ્લા પંચાયતની ચૂટંણીમાં ભાજપે 40માંથી 33 બેઠક જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે શિડ્યૂલ મુજબ અનુ.જનજાતિ માટે અનામત બેઠક આવે છે. ભાજપના ઉમેદવાર મૂળ અનુ.જાતિના છે છે પરંતુ તેમણે પટેલ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોવાથી અને મહારાષ્ટ્રથી સ્થળાંતર કરીને ગુજરાતમાં આવ્યા હોવાથી તેમનું મહારાષ્ટ્રનું પ્રમાણપત્ર અમાન્ય થતાં કૉંગ્રેસ માટે માર્ગ મોકળો બન્યો હતો.
રવિવારે ફોર્મ ભરવાના દિવસે ભાજપનાં ઉમેદવાર મયુરી પટેલ દ્વારા મહારાષ્ટ્ર સરકારનું અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર રજૂ કરવાના મુદ્દે કૉંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવાયો હતો. ફોર્મ ચકાસણી દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીએ બંને પક્ષોના - વકીલોની દલીલો સાંભળી હતી. નિયમો મુજબ અન્ય રાજ્યનું અનામત જાતિ પ્રમાણપત્ર માન્ય ન ગણાતા ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરવાની ડીડીઓએ જાહેરાત કરી હતી. કૉંગ્રેસનાં ઉમેદવાર ગૌરીબેન તડવીનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા પંચાયતમાં શું થયું
મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતાં પ્રમુખપદે કૉંગ્રેસના મહિલા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકોમાંથી ભાજપે 17 અને કૉંગ્રેસને 7 બેઠક મળી હતી. તેમ છતાં કૉંગ્રેસના મહિલા ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા હતા. બીજી તરફ ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક તરીકે ભાજપના સદસ્યોની વરણી કરી હતી. જો કે, પ્રમુખ પદ માટેના કૉંગ્રેસના ઉમેદવાર ગીતાબેન દુબરીયા સામે ભાજપના ઉમેવાર ગીતાબેન ભોરણીયાની હાર થઈ હતી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદ માટે શાસક પક્ષ ભાજપે ખાનપર બેઠકના સદસ્ય વિજય ગરચરના નામ પર મહોર મારી હતી.