સામાન્ય રીતે સૂકા મેવાની વાત નીકળે એટલે આપણે તેને એક મુઠ્ઠીમાં સમાય તેટલાં ખાવાનો આગ્રહ રાખીએ. આજે આપણે જે સૂકા મેવાની વાત કરવાના છીએ તેનાં ફક્ત એક-બે બીજ ખાવાથી સંપૂર્ણ સ્વાસ્થ્યને અનેક લાભ મળે છે. ત્રિકોણ આકારાના આ બીજની કુદરતી રચના અત્યંત સુંદર જોવા મળે છે. બ્રાઝિલ નટ્સ અમૅઝોન વન ક્ષેત્રની મૂળ પ્રજાતિ ગણાય છે. તેના વૃક્ષનું નામ `બર્થોલેટિયા ઍક્સેલ્સા' છે.
આ વૃક્ષની ખાસ વાત છે, વૃક્ષોનું આયુષ્ય 500થી વધુ વર્ષોનું જોવા મળે છે. તેની ઊંચાઈ 50 મીટર લાંબી એટલે કે 160 ફૂટ જેટલી હોય છે. આવા સુંદર વૃક્ષો બ્રાઝિલ, બોલિવિયા તથા પેરુના સ્વચ્છ અમૅઝોનના વનમાં જ જોવા મળે છે. તેનું મુખ્ય કારણ છે આ વૃક્ષોને વરસાદની મુખ્ય આવશ્યક્તા હોય છે. વળી બ્રાઝિલ નટસ્માં સમાયેલી મીઠાશ માટેની બીજી આવશ્યક્તા છે, મોટી મધમાખીની પ્રજાતિની. તેથી જ બ્રાઝિલ નટ્સની ખેતી મોટા પાયે કરવી મુશ્કેલ જોવા મળે છે.
ત્રીજી વિશિષ્ટતાની વાત કરીએ તો જેમ સંતરા-મોસંબીને છોલવાથી ચીર મેળવી શકાય છે તેમ બ્રાઝિલ નટ્સના ફળમાં 12-24 અલગ-અલગ બીજ જોવા મળે છે. તેનો સ્વાદ મીઠાશથી ભરેલો, માખણ જેવો મુલાયમ તથા થોડો માટીની સુગંધ ધરાવતો હોય છે. બ્રાઝિલ નટ્સનો સ્વાદ માણવાથી વ્યક્તિને સ્વાદિષ્ટ મેવો ખાવાનો સંતોષ મળે છે.
બ્રાઝિલ નટ્સ અન્ય સૂકામેવાથી કઈ રીતે વિશિષ્ટ તથા ગુણકારી છે તે જાણી લઈએ :
ત્રિકોણ ફળમાં રહેલી સેલેનિયમની માત્રા ગણાય છે. ફક્ત 1 નંગનું સેવન કરવાથી વ્યક્તિને પ્રતિદિવસની સેલેનિયમની માત્રા મળી રહે છે. સેલેનિયમ એક મહત્ત્વપૂર્ણ ખનીજ ગણાય છે. જે તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે આવશ્યક ગણાય છે. તે શરીરમાં આપમેળે નથી બનતું. તેને બનાવવા માટે શક્તિવર્ધક ઍન્ટિઓક્સિડન્ટ ખનીજની જરૂર પડે છે. તે સેલેનોપ્રોટીન્સને બનાવવામાં મદદ કરે છે. જે થાઈરોઈડ હોર્મોન, મેટાબોલિઝમ તથા કોશિકાની સુરક્ષામાં મુખ્ય ભાગ ભજવે છે.
વૈદ્યકીય સંશોધન અનુસાર જે ક્ષેત્રોમાં સેલેનિયમની ઉણપ જોવા મળતી હોય ત્યાં થોડાં સમય સુધી પ્રતિદિવસ બ્રાઝિલ નટ્સનું સેવન કરવાથી સેલેનિયમના સ્તરમાં સુધારો જોવા મળે છે. જર્નલ ઑફ ન્યૂટ્રિશન ઍન્ડ મેટાબોલિઝમના મત અનુસાર બ્રાઝિલ નટ્સ વિશ્વના અન્ય સૂકા મેવાની સરખામણીમાં સેલેનિયમ માટે ઉત્તમ સ્તોત્ર ગણાય છે. જેમ આપણે ત્યાં સગપણ બાંધતી વખતે કુળ જોવામાં આવે છે તેજ પ્રમાણે બ્રાઝિલ નટ્સમાં સમાયેલી સેલેનિયમની માત્રા જાણવા તેનો પાક કયા પ્રકારની માટીમાં થયો છે, તે ખાસ ચકાસવામાં આવે છે.
થાઈરૉઈડની વ્યાધિથી રાહત : થાઈરૉઈડ ગળામાં રહેલી એક નાની ગ્રંથી છે. કોશિકાના વિકાસ, પાચનક્રિયા તથા શરીરના મહત્ત્વપૂર્ણ કાર્યોને નિયંત્રીત કરવામાં, આવશ્યક હાર્મોન બનાવવામાં સેલેનિયમની આવશ્યક્તા પડે છે. શરીરમાં સેલેનિયમની ઉણપ હાઈપોથાઈરૉઈડ જેવી વ્યાધિને આવકારે છે. બ્રાઝિલ નટ્સમાં ભરપૂર માત્રામાં સેલેનિયમની માત્રા જોવા મળે છે. નટ્સમાં 96 માઈક્રોગ્રામ સેલેનિયમ હોય છે. જે દૈનિક આવશ્યકતાના 175 ટકા છે.
તંદુરસ્ત વાળ માટે લાભકારી : કેમિકલ યુક્ત શૅમ્પૂનો ઉપયોગ કરવાથી કુદરતી રીતે લાંબા, કાળા, ઘટ્ટ વાળને નુકસાન પહોંચતું હોય છે. થોડો સમય આકર્ષક લાગતાં વાળ ધીમે ધીમે નિસ્તેજ બની જવાની સાથે ખરી પડે છે. કુદરતી ઉપચાર ઉપર ભરોસો હોય તેમણે વાળ માટે દેશી ઈલાજ કરવો જોઈએ. જેમાં બ્રાઝિલ નટ્સનો સમાવેશ કરી શકાય.
કેમ કે તેમાં સમાયેલું સેલેનિયમ નામક ખનીજ તથા ફેટી એસિડ વાળની મજબૂતાઈ તેમજ ઘટ્ટ બનાવવામાં મદદ કરે છે. તેમાં 36 ટકા સ્વાસ્થ્ય માટે ગુણકારી ફેટની માત્રા હોય છે. જેમાં ઓમેગા-3, ઓમેગા-6 ફેટી એસિડ હોય છે. ફ્રાન્સમાં કરવામાં આવેલાં અધ્યયન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે કે ઓમેગા-3 તથા ઓમેગા-6 ફેટી એસિડ વાળને ખરતાં રોકવામાં તથા તેનો જથ્થો વધારવામાં મદદ કરે છે.
હૃદયરોગનો ખતરો ઘટાડવામાં ઉપયોગી : બ્રાઝિલ નટ્સના સ્વાસ્થ્ય લાભ મેળવવાની સાથે હૃદયની તંદુરસ્તીમાં ઉપયોગી ગણાય છે. કેમ કે તેમાં સમાયેલું પૉલીઅનસૈચ્યુરેટેડ ફેટ તથા ખરાબ કૉલેસ્ટ્રોલને ઘટાડવાની સાથે લિપિડ પ્રોફાઈલને સુધારવામાં મદદ કરી શકે છે. હૃદયના સ્વાસ્થ્યને કઈ રીતે ઉપયોગી છે તે જાણવા માટે 10 સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવી હતી. તેમને પ્રતિદિવસ થોડી માત્રામાં બ્રાઝિલ નટ્સનું સેવન કરાવવામાં આવતું.
ફક્ત નવ કલાક બાદ તેમના લોહીમાં સારા કૉલેસ્ટ્રોલનું સ્તર વધી ગયેલું જોવા મળ્યું હતું. તેમ જ ખરાબ કૉલેસ્ટ્રોલનું સ્તર ઘટેલું જોવા મળ્યું હતું. બ્રાઝિલ નટ્સમાં પ્રોટીન, મેગ્નેશ્યિમ, ઝિંક તથા કૉપર જેવા સ્વાસ્થ્ય માટે લાભકારી ખનીજ સમાયેલાં હોય છે. જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખીને રક્તકોશિકાને સુચારુ રીતે કાર્ય કરવામાં ઉપયોગી છે.
રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે : સફેદ રક્તકોશિકાને સક્રિય કરવામાં સેલેનિયમ મદદરૂપ બને છે. સાઈટોક્નિસના ઉત્પાદનમાં સહાય કરે છે. જે શરીરમાં રહેલાં ચેપી તત્ત્વોને તથા સોજાને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ ગણાય છે. વળી નટ્સમાં ઝિંક તથા વિટામિન ઈની માત્રા સમાયેલી છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
મસ્તિષ્કની કાર્યક્ષમતા વધારે છે : બ્રાઝિલ નટ્સમાં વિવિધ પોષક તત્ત્વો ભરપૂર પ્રમાણમાં સમાયેલાં છે. જેમ કે સેલેનિયમ મસ્તિષ્કની કોશિકાને ઑક્સિડેટીવ ક્ષતિથી બચાવે છે. જેને કારણે અલ્ઝાઈમર જેવી મગજ સબંધિત બીમારીથી વ્યક્તિ બચી શકે છે. ઍન્ટિઓક્સિડન્ટ મસ્તિષ્ક ઉપર આવેલાં સોજાને ઘટાડવામાં મદદ કરે છે. જેને કારણે વ્યક્તિની યાદશક્તિમાં સુધારો જોવા મળે છે. કામ પ્રત્યે એકાગ્રતા વધે છે. જેને કારણે માનસિક શાંતિ-પ્રસન્નતાનો અનુભવ કરે છે.
કિંમતની વાત કરીએ તો બ્રાઝિલ નટ્સ સારી ગુણવત્તાના કિલોના 3500 રૂપિયાની આસપાસ જોવા મળે છે. નાળિયેર આકારનું મોટું લગભગ 12 કિલોગ્રામનું ફળ હોય છે. પાકી જાય ત્યારબાદ ફળ આપમેળે વૃક્ષ ઉપરથી નીચે પડે છે. જો યોગ્ય કાળજી લેવામાં ના આવે તો વ્યક્તિના માથા ઉપર પડતાં તેને ગંભીર ઈજા થઈ શકે છે. વળી ગાઢ જંગલમાં અચાનક ફળ પડવાથી આસપાસના જીવ-જંતુઓ મચ્છર ઊડવા લાગે છે, જે કરડી જવાને લીધે અનેક વખત ગંભીર પરિણામ ભોગવવાં પડે છે.
ગાઢ જંગલમાં બ્રાઝિલ નટ્સ એકઠાં કરતી પ્રજાતિને `કાસ્ટેનેરોસ' તરીકે દક્ષિણ અમેરિકામાં ઓળખાય છે. એક ફળનું બીજ જે સ્વાસ્થ્ય માટે સૂપરફૂડ ગણાય છે તેને આમ જનતા સુધી પહોંચાડવા માટે અથાગ પરિશ્રમ કરવામાં આવતો હોય છે. તે માટે તેમને ધન્યવાદ અચૂક આપવા જોઈએ. બ્રાઝિલ નટ્સ સંતરા કે મોસંબીના ફળની જેમ ગોઠવાયેલાં હોય છે. એવું કહેવાય છે કે તેના વૃક્ષની નીચે ઊભા રહેવાથી વ્યક્તિ માનસિક શાંતિ-શક્તિ મેળવે છે.
પુરુષ પ્રજનન ક્ષમતા વધારે છે : બ્રાઝિલ નટ્સમાં સમાયેલું ભરપૂર પ્રમાણમાં સેલેનિયમ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનના સ્તરને વધારે છે. શુક્રાણુના ઉત્પાદનમાં તથા ગતિશીલતામાં સુધાર લાવે છે. ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા હાનિકારક કણોથી બચાવવામાં મદદ કરે છે. જે પુરુષોની પ્રજનન ક્ષમતા વધારવામાં લાભકારક ગણાય છે
બ્રાઝિલ નટ્સનો ઉપયોગ કરીને વિવિધ વાનગી બનાવી શકાય છે. તેનાં બીજ સાદા ખાઈ શકાય છે. તેને શેકીને, બાફીને તેનો કઢિયેલ દૂધમાં ઉપયોગ કરી શકાય છે. કૅક તથા સ્મુધીમાં ઉપયોગમાં લઈ શકાય છે. થોડાં શેકીને સલાડ, પાસ્તામાં, માખણ કે છાસમાં તેનો ઉપયોગ શક્ય છે. અખરોટ- બદામની ઉપર ચોકલેટનું કોટિંગ કરવામાં આવે છે તે જ પ્રમાણે બ્રાઝિલ નટ્સ સૌથી સ્વાદિષ્ટ ચૉકલેટમાં લાગે છે. બ્રાઝિલ નટ્સમાંથી તેલ, સાબુ, અત્તર તથા વાળની-ત્વચાની વિવિધ પ્રોડક્ટ બનાવવામાં આવે છે.
બ્રાઝિલ નટ્સના લાડુ
સામગ્રી : 10-15 બીજ બ્રાઝિલ નટ્સ, 10 નંગ બીજ કાઢીને સાફ કરેલાં ખજૂર, 1 નાની વાટકી સૂકા કોપરાનું ખમણ, આવશ્યક્તા મુજબ ઘી, 1 નાની ચમચી એલચી-જાયફળનો ભૂકો, 3 ચમચી પીસ્તાની કતરણ, 2 ચમચી મિલ્કમૅડ.
બનાવવાની રીત : બ્રાઝિલ નટ્સને થોડાં શેકી લેવાં. ખજૂરના નાના ટૂકડાં કરીને ઘીમાં શેકી લેવાં. કોપરાના ખમણને ધીમા તાપે શેકી લેવું. ત્યારબાદ બ્રાઝિલ નટ્સ તથા ખજૂરને મિક્સરમાં પલ્સ મૉડ ઉપર વાટી લેવું. એક પછી બીજું તેમ વાટવું. તેમાં નાળિયેરનું ખમણ, એલચી, જાયફળનો ભૂકો તથા થોડું ઘી ઉમેરવું. લાડુ બરાબર વાળી શકાય તે માટે મિલ્કમૅડનો ઉપયોગ કરવો. નાના નાના એક સરખા લાડુ વાળીને પીસ્તાની કતરણથી સજાવીને આસ્વાદ માણવો.