Tue May 26 2026

Logo

આરોગ્ય એક્સપ્રેસઃ તમે ધૂમ્રપાન નથી કરતાં, તો પણ તેના જોખમથી બાકાત નથી!

2 hours ago
Author: રાજેશ યાજ્ઞિક
Article Image

`ધૂમ્રપાન કરવું આરોગ્ય માટે હાનિકારક છે.'આ ચેતવણી લગભગ બધાં જ જાહેર માધ્યમોમાં આપણે સતત જોતાં-સાંભળતાં રહીએ છીએ. આમ છતાં સમાજનો એક બહુ મોટો વર્ગ એવો છે, જે ધૂમ્રપાન અર્થાત્‌‍ સ્મોકિગ કરે છે. વિશ્વભરમાં તેને લીધે લાખો લોકોના મૃત્યુ પણ થાય છે. આપણે સ્મોકિગ ન કરતાં હોઈએ તો આપણે એવું માનીએ છીએ કે, ધૂમ્રપાનથી થતાં જીવલેણ રોગોથી આપણે સલામત છીએ, પણ... આ અર્ધસત્ય કહેવાશે, કારણકે પેસિવ સ્મોકિગ (નિષ્ક્રિય ધૂમ્રપાન) પણ જોખમી સાબિત થઇ શકે છે. તેને `સેકન્ડ હેન્ડ સ્મોકિગ' પણ કહેવાય છે.

સેકન્ડ હેન્ડ સ્મોક કે પેસિવ સ્મોકિગ એ છે જે તમે તમાકુના ધુમાડાના સ્રોતોની નજીક હો ત્યારે આકસ્મિક રીતે શ્વાસમાં લો છો.

ઉદાહરણ તરીકે, પાર્ટીઓ અથવા જાહેર મેળાવડામાં, તમે ધૂમ્રપાન કરતા લોકોની આસપાસ હો છો. નોકરી કે વ્યવસાયના સ્થળે ધૂમ્રપાન કરનારા સહકર્મીઓની સાથે રહેવાથી પણ તમે આડકતરી રીતે તેના ધૂમાડાના સંપર્કમાં આવી શકો.

આવું સેકન્ડ હેન્ડ સ્મોક કેટલું હાનિકારક છે?

સળગાવીને વપરાતા તમાકુ ઉત્પાદનોના ધુમાડામાં હાનિકારક રસાયણો (ઝેર) હોય છે. જો તમે ધૂમ્રપાન ન કરો તો પણ, બીજા લોકોના ધુમાડાને શ્વાસમાં લેવાથી તમે આ ઝેરી તત્ત્વો શ્વાસમાં લો છો. સળગતી સિગારેટ, સિગાર અથવા પાઇપમાંથી નીકળતો ધુમાડો ફિલ્ટર વગરનો હોય છે. તેમાં તમાકુના ધુમાડા કરતાં પણ વધુ હાનિકારક ઝેર હોઈ શકે છે જે કોઈ વ્યક્તિ શ્વાસમાં લે છે.

જાણીને આશ્ચર્ય થશે કે, તમાકુના ધુમાડામાં 7,000થી વધુ રસાયણ હોય છે. આમાંથી લગભગ 69 રસાયણો કેન્સર (કાર્સિનોજેન્સ) પેદા કરવા માટે જાણીતા છે. લગભગ 250 રસાયણો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું સાબિત થયું છે.

તમાકુના ધુમાડા સિવાય પણ કેટલાંક હાનિકારક રસાયણો છે જે આપણે જાણવા જેવા છે, જેમકે...

બેન્ઝીન: ગેસોલિનમાં રહેલું રસાયણ.
બ્યુટેન: હળવા પ્રવાહીમાં રહેલું રસાયણ.
એમોનિયા: ઘરગથ્થુ સફાઈ ઉત્પાદનોમાં રહેલું રસાયણ.
ટોલ્યુએન: પેઇન્ટ થિનરમાં રહેલું રસાયણ.
કેડમિયમ: બેટરીમાં રહેલું રસાયણ.
ફોર્માલ્ડીહાઇડ: ખાતર, એમ્બેલિંગ પ્રવાહી અને મકાન સામગ્રીમાં રહેલું રસાયણ, ઈત્યાદિ ધૂમ્રપાન કરવા કરતાં, શું સેકન્ડ હેન્ડ ધુમ્રપાન વધુ ખરાબ છે?

ધૂમ્રપાન કરવું આપણા સ્વાસ્થ્ય માટે સેકન્ડ હેન્ડ ધૂમ્રપાન કરતાં વધુ ખરાબ છે એ ખરું, પરંતુ સેક્નડ હેન્ડ ધૂમ્રપાન પણ ખૂબ જ હાનિકારક છે. જે લોકો સેકન્ડ હેન્ડ ધૂમ્રપાન શ્વાસમાં લે છે તેઓ પણ ધુમાડામાં રહેલા રસાયણોથી પ્રભાવિત થાય છે. સેકન્ડ હેન્ડ ધૂમ્રપાનની આડઅસરો પુખ્ત વયના અને બાળકો બંને માટે જોખમી હોઈ શકે છે.

સેકન્ડ હેન્ડ સ્મોક ને પુખ્ત વયના લોકો

સેકન્ડ હેન્ડ સ્મોક આપણા શરીરને ઘણી અલગ અલગ રીતે નુકસાન પહોંચાડે છે. સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવતા પુખ્ત વયના લોકો હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અથવા સ્ટ્રોક જેવા હૃદય રોગ, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) અને અસ્થમા જેવી ફેફસાંની સમસ્યાઓ, ફેફસાંના અને સ્તન કેન્સરનું જોખમ વધારે છે. 

તે ઉપરાંત પ્રજનન સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ઓછું જન્મ વજન (જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન સંપર્કમાં આવે છે) પણ એક આડ અસર હોઈ શકે. વિવિધ અભ્યાસ દર્શાવે છે કે જો તમે નિયમિતપણે સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવતા હો, તમને હૃદય રોગ થવાની શક્યતા 30 ટકા સુધી વધી જાય છે.

સેકન્ડ હેન્ડ સ્મોક ને બાળક

બાળકો અને શિશુઓને પણ પેસિવ સ્મોકિગની અસરો ભોગવવી પડે છે. તેમનું શરીર હજી વિકાસના તબક્કામાં હોય છે. તેમને જોવા મળતી તકલીફોમાં, વારંવાર ખાંસી, છીંક આવવી, શ્વાસ લેવામાં તકલીફ, વારંવાર અને ક્રોનિક કાનના ચેપ, વારંવાર અને વધુ ગંભીર અસ્થમાના હુમલા, શ્વાસનળીનો સોજો અથવા ન્યુમોનિયા જેવા શ્વસન ચેપ, આંખો અને દાંતને નુકસાન, મગજની ગાંઠો અને ફેફસાંનું કેન્સર.

પેસિવ સ્મોકિગની અસર કેટલો સમય બાદ જોવા મળે છે?

કોઈ ચોક્કસ માપદંડ નથી કે અમુક સમય સુધી આપણે તેનાથી સુરક્ષિત છીએ. સેકન્ડ હેન્ડ ધુમાડાથી થતું નુકસાન ફક્ત પાંચ મિનિટમાં શરૂ થાય છે અને બળતરા અને શ્વસન પ્રતિક્રિયા ઓ લગભગ તરત જ થાય છે. 

પાંચ મિનિટ પછી ધમનીઓ ઓછી લવચીક બને છે, જેમ કે સિગારેટ પીતી વ્યક્તિમાં થાય છે. 20-30 મિનિટ પછી લોહી ગંઠાઈ જવા લાગે છે, અને રક્ત વાહિનીઓમાં ચરબી જમા થવાથી હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોકનું જોખમ વધે છે. બે કલાક પછી અનિયમિત ધબકારા (એરિથમિયા) વિકસી શકે છે અને હૃદયરોગનો હુમલો અથવા અન્ય ગંભીર હૃદય સમસ્યાઓનું કારણ બની શકે છે. 

સેકન્ડ હેન્ડ ધુમાડો રૂમમાં લગભગ પાંચ કલાક સુધી રહી શકે છે. હકીકતમાં, તે સીડી અને વેન્ટિલેશન યુનિટમાંથી પણ પસાર થઈ શકે છે.

સેકન્ડ હેન્ડ સ્મોકથી બચવાનો શું ઉપાય?  

એના સંપર્કથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે જ્યાં લોકો ધૂમ્રપાન કરે છે ત્યાંથી દૂર રહેવું. હવે ઓફિસ અને એરપોર્ટ જેવી જગ્યાઓ પર ધૂમ્રપાન કરનારા માટે અલગ જગ્યાની વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી અન્યો તેની અસરથી બચી શકે. ઘણા જાહેર સ્થળોએ પણ હવે નો-સ્મોકિગના બોર્ડ લાગેલા હોય છે.

ખુલ્લી બારીઓ અને એર ફિલ્ટર્સ બધા સેક્નડ હેન્ડ ધુમાડાને દૂર કરતા નથી. પરંતુ તેઓ કેટલાંક ઝેરી તત્ત્વોને ઘટાડીને થોડી મદદ કરી શકે છે. લોકોને તમારી કારમાં કે તમારા ઘરમાં ધૂમ્રપાન ન કરવાનું કહેવું જોઈએ.

આ બધા વચ્ચે આપણા પોતાના માટે અને આપણા પ્રિયજનો માટે પણ, ધૂમ્રપાન ન કરવું સૌથી શ્રેષ્ઠ છે. ઉપરાંત પેસિવ સ્મોકિગથી દૂર રહેવું હંમેશાં શક્ય ન હોય તો પણ જ્યાં-જ્યાં શક્ય હોય ત્યાં પ્રયત્નપૂર્વક તેનાથી દૂર રહીને આપણે આપણા આરોગ્યની કાળજી લેવી જોઈએ.