Tue May 26 2026

Logo

ટૂંકું ને ટચઃ માનવશરીર કેટલી ગરમી સહન કરી શકે છે?

1 hour ago
Author: નિધી ભટ્ટ
Article Image

અત્યંત વધારે ગરમી કે ઠંડી શરીરની કૂલિંગ સિસ્ટમને ફેલ કરી દે છે. એના કારણે હીટ સ્ટ્રોક કે શરીરનું કોઈ અંગ ફેલ થવાનો ખતરો વધી જાય છે.

તેજ ગરમી અને વધતા તાપમાનને કારણેે આપણા શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે. એના કારણે આપણે થાક અનુભવીએ છીએ તેમ જ આપણને બીજી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. તમને ખબર છે કે જ્યારે સૂર્યની ગરમી વધી જાય છે ત્યારે આપણા શરીરની સિસ્ટમ એને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે, પરંતુ ઘણી વાર આપણા શરીર માટે આ ગરમી સહન કરવાનું મુશ્કેલ થઈ જાય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે માનવીનું શરીર વધારેમાં વધારે કેટલું તાપમાન સહન કરી શકે છે? વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ તાપમાન માત્ર થર્મોમિટર પર જ નહીં હ્યુમિડિટી (ભેજ) પર પણ નિર્ભર કરે છે.

માનવશરીરની ગરમી સહન કરવાની મર્યાદા

મૅસૅચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (MIT)ના રિવ્યૂ મુજબ માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે, જ્યારે બહારનું તાપમાન વધે છે ત્યારે પસીનો આવે છે જેને કારણે શરીર ઠંડું રહી શકે, પરંતુ રિસર્ચ બતાવે છે કે જ્યારે ગરમીની સાથે બફારો વધે છે ત્યારે પસીનો સુકાવાનો બંધ થઈ જાય છે.

વૈજ્ઞાનિકોએ એક વેટ-બલ્બ ટેમ્પરેચરની લિમિટ બતાવી છે. રિસર્ચ અનુસાર 35 ડિગ્રી સેલ્સિયસના વેટ-બલ્બ ટેમ્પરેચર (જે લગભગ 46 ડિગ્રી સેલ્સિયસની સૂકી ગરમી અને હાઈ હ્યુમિડિટી (ભેજ) બરાબર છે) માનવશરીરની સહનશક્તિની છેલ્લી સીમા છે. ત્યાર બાદ શરીર પોતાને ઠંડું કરી શકતું નથી.

અંગો પર શું અસર થાય?

સાયન્ટિફિક અમેરિકન રિપોર્ટ મુજબ જ્યારે ગરમી હદથી વધી જાય છે ત્યારે શરીરનું ઇન્ટરનલ ટેમ્પરેચર 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર પહોંચી શકે છે, જેને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે.

વધારે ગરમીને કારણે આપણું હૃદય શરીરને ઠંડું કરવા માટે લોહીને સ્કિનની તરફ  જોરથી પંપ કરે છે. એને કારણે અચાનક બ્લડ પ્રેશર નીચે જઈ શકે છે અને કિડની, લિવર જેવાં મહત્ત્વપૂર્ણ અંગોને જરૂરી ઑક્સિજન મળી શકતો નથી. જો સમયસર શરીરને ઠંડું કરવામાં ન આવે તો અંગ ફેલ થવાનો ખતરો વધી જાય છે.