Tue May 26 2026

Logo

મોજની ખોજઃ હું ઈશ્વર બનવાને રવાડે ચડ્યો છું...!

1 hour ago
Author: સુભાષ ઠાકર
Article Image

`હે જીવાત્મા નીચે ગયા પછી તારે શું બનવું છે?'
મારા જન્મ પહેલાં સ્વર્ગમાં યોજાયેલી મીટિગમાં બ્રહ્મા-વિષ્ણુ- મહેશે ઈન્ટરવ્યૂ લેતાં મને પૂછ્યું
`જવાદો ને, કશુ નથી બનવું. તારી પાસે છું એ બરાબર છે. અહીં તને નડું છું? નઈને? તો કારણ વગર મને શું કામ આ જાળ-જંજાળમાં ફસાવે છે? નીચે કોણ મારા મા-બાપ, કેવું રૂપ, કયો ધર્મ એ બધુ તું નક્કી કરે, ને મારું નામ પણ બીજા પાડે, તો મારે શું થપ્પો રમવા જવાનું? આટલા બધા જીવાત્મામાંથી એકાદ જીવ પૃથ્વી પર નઈ જાય તો તારી પોઝિશનમાં પંચર નઈ પડે... તને ભગવાન કહેવાનું બંધ નઈ કરે...'

આટલું કહી હું સહેજ થોભ્યો પછી પૃથ્વીલોકના નેતા સ્ટાઈલમાં આગળ ચલાવ્યું :
`પ્રભુ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી... અભી મન કી બાત બોલું? આપ પૂછો છો કે શું બનવું છે, તો જો કોઈ એકાદ ભગવાન તેના સ્થાન પરથી રાજીનામું આપે તો મારે ભગવાન જ બનવું છે!' 

`અરે વાહ, આ બાપાનો માલ છે કે કોઈ ભગવાન એનું સ્થાન આપી દે' બ્રહ્મા ભડક્યા : `આજે તું ભગવાનનું સ્થાન માગે, કાલ ઊઠીને તારી ચંપા માતાજીનું સ્થાન માગે તો અમે બધા ભગવાનો અહીં સ્વર્ગમાં શું રમી રમવા બેઠા છીએ?'

`અરે મારા પ્રભુ, કબૂલ કે બાપાનો કે બાનો માલ નથી. તમારો જ છે અને ચંપા શું માતાજી થવાની? એના શરીરમાં જ માતાજી આવે છે. અને પ્રભુ હું ક્યાં હજી પૃથ્વી પર ગયો છું અત્યારે તો બા કે બાપા જે ગણો એ તમે છો. આ તો તમે પૂછ્યું ને મને પણ ખુજલી ઊપડી કે જો એકવાર ભગવાન બનીએ તો પછી લીલાલહેર. 

મંદિરમાં જગા મળી જાય, લોકો પૂજા કરી સાષ્ટાંગ દંડવત કરતા થઈ જાય, આપણા સ્થાન પર જ પેલો પૂજારી બાથરૂમમાં લઇ ગયા વગર જ શાહીસ્નાન કરાવે. આરતી ઉતારે, રોજ અલગ અલગ વાનગીઓના થાળ ધરાવે, પેલો પૂજારી નામનો એજન્ટ બહાર દક્ષિણા લઇ મારા દર્શન કરાવે, આપણું કોઈ ખરાબ બોલે જ નઈ, ઉપરથી એનું કઈ ખરાબ થાય તો કહેશે `હરી ઈચ્છા બળવાન' ને સારું થયું તો `હરી કૃપા'... યુ સી. બંને બાજુ જશ તો ભગવાનને જ મળે. પૂજારી નવા નવા ક્લાયન્ટો (ભક્તો)લઇ આવે. મને એકવાર ભગવાન બનવાનો ચાન્સ આપો પછી ભયો ભયો...'

`અરે પણ...' ભગવાન મહેશ મુંઝાતા બોલ્યા

`સોરી મહેશપ્રભુ, હજી મારું બોલવાનું ચાલુ જ છે. સાંભળો, ભગવાન બનીએ તો ન આંખે મોતિયો આવે એટલે ન ચશ્માં પહેરવાની મગજમારી, ન ઊગે મૂછ કે ન વાળ એટલે ન વાળંદ પાસે જવાનું. મંદિરમાં જ રહેવાનું એટલે ચાલવાનું ન આવે એટલે ન બૂટ કે ન ચંપલ પહેરવાની માથાકૂટ. 

ભક્તો કાનના પડદા ફાટી જાય એવી માગણીઓની ગમે તેટલી બૂમાબૂમ કરે પણ જેટલું સાંભળવાનું હોય એટલુંજ સાંભળવાનુ એટલે નથી કાનમાં મશીનની જરૂર. રોગ થાય નઈ એટલે ડોક્ટરની પણ જરૂર ન પડે... ને મૂળ કારણ તો ઘરડા થવાનું નઈ કે મરવાનું પણ નઈ. ધેટ્સ ઓલ પ્રભુ... મારા આ બધાં છે ભગવાન બનવાના કારણ .'

`ઓકે. અમને તારી વાત પર વિચાર કરવા એક રાતનો સમય આપ' પ્રભુએ સમય માગ્યો.
પણ પછી રાતે મેં જ વિચાર્યું : `સાલું, આ બધુ કાલે ફટાફટ બોલી તો નાખ્યું, પણ પછી લાગ્યું કે ભગવાનનું સ્થાન એમ ન પચાવી પડાય કારણકે આ જગતને સંભાળવાનું ને સાંભળવામાં મારી વાટ લાગી જાય એટલે બીજા દિવસે મેં જ કીધું : `સોરી પ્રભુ, મારે ભગવાન નથી બનવું પણ નીચે નઈ મોકલ. `હમ તુમસે જુદા હોકે મર જાયેંગે રો રો કે ...'

`ભલે મરી જતો... અરે ડોબા, મરીને તો પાછા અહીં જ આવવાનું છે. બે જ તો ઠેકાણા છે કાં ઉપર કાં નીચે. ને હું ક્યાં કાયમ માટે મોકલું છું. નીચે થોડો હવાફેર કરી પાછા આવી જવાનું. એન્ડ લિસન કેરફુલી, તું નીચે જાય એ પહેલા તારા શરીરના મોબાઈલમાં `આત્મા સીમ-કાર્ડ' મૂકું છું. બહાર જે દેખાય છે એ કાન, આંખ, જીભ આ બધા શોકેસના રમકડા છે. 

તારે માત્ર તારા આત્માના અવાજ પ્રમાણે બોલવાનું ને સાંભળવાનું, ઓકે? અને એકવાર હું યોગ્ય સમયે સીમકાર્ડ કાઢીશ ત્યારે તારા સગાઓ શરીરના ડબલાને સ્મશાનમાં...સમજ્યો? બાકી કૃષ્ણએ ગીતામાં કીધું છે કે શરીર બદલાય પણ આત્મા, જેને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી ને પવન સુકવી શકતો નથી. એ શાશ્વત છે'

`તંબુરો શાશ્વત, આ બધુ સાંભળી સાંભળી મારા કાન થાકી ગયા. કૃષ્ણએ ગીતામાં કીધું હોય કે તુલસીદાસે રામાયણમાં કીધું હોય કે મોદીએ દિલ્હીમાં કીધું હોય પણ પ્રેતાત્મા કે પરમાત્મા દેખાતો નથી એમ આત્મા પણ દેખાતો નથી. આ તો મૃત્યુનો ડર ઓછો થાય એટલે આશ્વાસન માટે કીધું. ટૂંકમાં તું મન અને પેટ આપી મને મોકલે છે. પણ યુ નો? બંને ભુખ્ખડ... મનને નામના, પ્રતિષ્ઠાની ભૂખ ને તનને ભોજનની, હવે એ પૂરવા કઇક બનવું તો પડશે ને?'

`હા બકા, પણ તું એક સારો માણસ બન, કારણ કે એમાં હરીફાઈ નથી'

`માઈન્ડ વેલ પ્રભુ, કોઈને બનાવ્યા વગર હું સારો માણસ ન બની શકું. ઇવન બનાવ્યા વગર તો તું પણ ક્યાં પ્રભુ બન્યો છે?'

આ સાંભળીને હમણાં તો પ્રભુ ગહન વિચારમાં પડી ગયા. તમે શું કહો છો?