નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરલમમાં સમયસર પહોંચશે. આ પહેલા કેટલીક એજન્સીઓ દ્વારા ચોમાસું નિર્ધારીત સમયથી પહેલા કરેલમમાં બેસી જશે તેવી આગાહી કરી હતી. હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાં આંધી, તોફાન અને ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 2-3 દિવસમાં ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના તાપમાનમાં 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.ત્યારબાદ 2 થી 3 ડિગ્રી ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાઈ શકે છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ શકે છે.
ગઈકાલે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું. શહેરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, ભાવનગરમાં 41.7 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 41.1 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી, વડોદરામાં 40.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 39.7 ડિગ્રી, સુરતમાં 35.8 ડિગ્રી, દ્વારકામાં 33.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન
દિલ્હી-એનસીઆરમાં આગામી બે દિવસ લૂનો પ્રકોપ રહેશે. 28 મેના રોજ વાતાવરણમાં પલટો આવશે. બપોર બાદ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર પ્રદેશના લખનઊ, વારાણસી અને કાનપુર સહિત અનેક જિલ્લામાં આગામી બે દિવસ ગરમી રહેશે. 27 મેના રોજ પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદનું એલર્ટ છે. જ્યારે 28 થી 31 મે દરમિયાન 70 કિમીની ઝડપે આંધી-તોફાન આવી શકે છે.
બિહારના અનેક જિલ્લામાં 26 થી 29 મે દરમિયાન 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પનવ ફૂંકાશે. તેમજ આજે અને આવતીકાલે કેટલાક જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનમાં 30 મે સુધી લૂ નો પ્રકોપ પહેશે. ઝારખંડના અનેક જિલ્લામાં ગરમીથી રાહત મળશે. 26 થી 31 મે દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉત્તરાખંડના દેહરાદૂન, નૈનીતાલ સહિત અનેક જિલ્લામાં 28 થી 31 મે સુધી વરસાદ થશે. 29 મેના રો પહાડી વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં 28 અને 29 મેના રોડ હળવા વરસાદ સાથે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને કરા પડશે.
આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, કેરલમ, તમિલનાડુ અને કર્ણાટકના અનેક હિસ્સામાં ભારેથી અતિ ભારે વરસાદ, વીજળીના કડાકા ભડાકા અને આંધીનું એલર્ટ આપવામાં આવ્યું છે.