- વિનોદ ભટ્ટ
ખાસ નોંધ: થોડા દિવસ પૂર્વે ‘નાસા’એ ચંદ્રની પરિક્રમા માટે ચાર અવકાશયાત્રીને અંતરિક્ષ યાત્રાએ મોકલ્યા હતા. દસ દિવસનું એ મિશન સફળતાપૂર્વક પૂરું કરીને એ બધા ક્ષેમ કુશળ ધરતી પર પરત ફર્યા છે. એ નિમિત્તે આ લેખ વાંચવો ગમશે...
વાત જૂની છે, પણ સાચી છે. મારા એક મિત્રના પિતા જયોતિષી હતા. એક વાર રાત્રે દોઢ વાગે કોઇએ તેમનાં બારણાંની સાંકળ જોરથી ખખડાવીને અધીરિયા અવાજે બૂમો પાડવા માંડી : ‘જોશી મહારાજ, જલદી બહાર આવો.’ જયોતિષીએ ઝડપથી બારણું ખોલ્યું એટલે એ માણસે એક શ્ર્વાસે કહી દીધું : ‘હમણાં જ ખબર પડી કે મફત ગગલ ગુજરી ગયો. એ મિલમાલિકના છૂટા પડી ગયેલા ગ્રહો બીજો કોઇ ફિટ કરાવી દે તે પહેલાં મારી કુંડળીમાં ઝડપથી ફિટ કરી દો. તમે માગશો એટલી દક્ષિણા આપીશ.’
આનાથી જરા જુદા પ્રકારનો કિસ્સો મારે બન્યો હતો. મારાં ત્રણેય છોકરાંને મંગળ છે અને જયોતિષીએ જણાવેલું કે ખાસ કરીને દીકરીને મંગળ હોય ત્યારે કુંડલી બરાબર મેળવીને જ લગ્નની બાબતમાં આગળ વધવું. મારો એક મિત્ર તેના પુત્રનું લગ્ન મારી દીકરી સાથે કરાવવા હૃદયથી ઇચ્છતો હતો. મારા જયોતિષીની સલાહથી મિત્રતા પુત્રની કુંડળી પાછી આપતાં મેં તેને કહ્યું મંગળદોષને લીધે આ લગ્ન નહીં થઇ શકે, મારો જયોતિષી ના પાડે છે. તેણે કહ્યું કે શું તમેય આવા બધામાં માનો છે! તમે કહો તે ઘરમાં તમે ઇચ્છો એવા ગ્રહો ગોઠવી આપું. મારા પિતા જયોતિષી હતા ને આ જ કામ કરી આપતા હતા. બોલો, તમે નલિનીબેન સાથે પ્રેમલગ્ન કર્યાં. પ્રેમમાં પડવા અગાઉ તમે બન્નેએ ગ્રહો મેળવેલા ... આ તો કોઇની સાથે સંબંધમાં આગળ ન વધવું હોય તો કુંડળીનો ઢાલ તરીકે ઉપયોગ કરી શકાય. તમારે ત્યાં નાખવાથી અમારી દીકરી રાજ કરે એ અમે જાણીએ છીએ, પણ શું થાય, જન્માક્ષર ન મળ્યા એટલે લાચાર છીએ. આમ ગ્રહો એ છટકવા માટેનું સારામાં સારું બહાનું છે.
એ મિત્રનું કહેવું આજે બરાબર લાગે છે. મંગળ કે શનિવાળો જાતક દુ:ખી થાય જ એવું કંઇ નથી. પરણવાથી એ તો આમ પણ દુ:ખી થવાનો જ હોય છે. આમાં ગ્રહોને દોષ દેવા જેવો નથી. તમારે ત્યાં દીકરો જન્મે કે દીકરી, તમને પ્રમોશન મળે કે ન મળે, લાંચ લેવાના છટકામાં પકડાયા બાદ તમે નિર્દોષ છૂટો કે જેલવાસ વેઠો, તમને પ્રધાનપદ મળે યા ન મળે. તમને નખ્ખોદિયો વારસો મળે કે બીજાને મળે એમાં અહીંથી લાખો-કરોડો માઇલ દૂર બેઠેલા ગ્રહોને શો રસ પડે! કોઇ માણસ મહેસાણામાં સ્થાયી થાય કે તે માન્ચેસ્ટરમાં કાયમી વસવાટ કરવા ઊપડી જાય, પુરુષને સુલક્ષણા પત્ની મળશે કે સોક્રેટિસને મળી હતી એવી કર્કશા મળશે, જાતક હાર્ટએટેકથી ગુજરી જશે કે ડાયાબિટીસને કારણે અવસાન પામશે-આ બધું જોવાની કયા ગ્રહને ફુરસદ છે?
ભૃગુસંહિતામાં લખ્યા પ્રમાણે સૂર્ય જો મેષ રાશિમાં હોય તો ઉચ્ચનો અને તુલા રાશિમાં નીચનો હોય છે. અને ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચનો ને વૃશ્ર્ચિક રાશિમાં નીચનો હોય છે. સૂર્ય એ પાપગ્રહ છે, એ રીતે મંગળને પણ પાપગ્રહ માનવામાં આવ્યો છે. એટલે મનમાં પ્રશ્ન થાય છે કે આકાશવીરો નીલ આર્મસ્ટ્રોંગ, એડવિન એલ્ડ્રિન અને માઇકલ કોલિન્સ ચંદ્ર પર ગયા હયા અને આર્મસ્ટ્રોંગે તો આર્મ કહેતાં હાથ નહીં પણ પોતાનો પગ સૌથી પહેલા ચંદ્રના માથા પર મૂકયો હતો એ ચંદ્ર ઉચ્ચનો હતો. કે નીચનો? કહે છે કે ગ્રહો જો રૂઠે તો જાતકનું ધનોતપનોત કાઢી નાખે છે. તો ચંદ્રના માથે આર્મસ્ટ્રોંગ કચરાળા વજનદાર બૂટવાળો પગ મૂકયો હોવા છતાં ચંદ્રએ કોપાયમાન થઇને તેને ત્યાં ને ત્યાં પટકી નાખ્યો નહોતો, બાળીને ભસ્મ નહોતો કર્યો, એને બદલે ત્રણેય આકાશયાત્રીઓને તેણે હેમખેમ-વન-પીસમાં પૃથ્વી પર પાછા આવવા દીધા હતા. ચંદ્ર પર જવા અગાઉ તેમણે ચંદ્રને શાંત અને પ્રસન્ન રાખવા ગ્રહશાંતિ નહોતી કરાવી. આર્મસ્ટ્રોંગે ચંદ્રની વીંટીયે નહોતી પહેરી કે અમેરિકન સરકારે કોઇ પવિત્ર બ્રાહ્મણને શોધીને દાન કર્યું હોવાની વિગત પણ બહાર નથી આવી. તો પણ એ ત્રણેને કેમ કશું ન થયું?
બાકી આપણે ત્યાં તો ગ્રહો જાતકથી નારાજ થયા હોય અથવા તો રૂઠશે એવો ડર સહેજ પણ હોય તો તેવો જાતક ગ્રહશાંતિ કરાવે છે ને ભવિષ્યમાં ગ્રહો તરફથી કોઇ ઉપદ્રવ ખમવો ના પડે એ વાસ્તે તે ધન-ધાન્ય, સોનું-રૂપું કે પશુ જેવા દાન યથાશક્તિ ગરીબ બ્રાહ્મણોને આપે છે, અને આ બ્રાહ્મણોએ પણ પોતે ગરીબ છે એવું સદીઓથી સ્વીકાર્યું છે, બ્રાહ્મણોએ એનો વિરોધ પણ નથી કર્યો.
આપણે ત્યાં લગ્ન જેવા માંગલિક પ્રસંગે, ગ્રહને રાજી કરવા, ગ્રહશાંતિની વિધિ કરાવીએ. એટલે જે તે ગ્રહ પોતાની ખાતાવહીમાં એવી નોંધ મૂકતો હશે કે ભાઇ પંકજકુમારે તેમના સુપુત્ર રોહિતકુમારનાં લગ્ન નિમિત્તે આપણને પ્રસન્ન કરવા માટે ગ્રહશાંતિ કરાવી છે ને કોદરભાઇ પુરોહિત તથા હરેશકુમાર વ્યાસને રૂપિયા 1501/-ની દક્ષિણા પ્રેમપૂર્વક આપી છે, એટલે તેમના પુત્રના લગ્નજીવનને મજબૂત અને ટકાઉ તેમ જ અનબ્રેકેબલ બનાવવાની જવાબદારી હવે આપણા શિરે આવી ગઇ છે!
સરકારી ખાતામાં કામ કરતા ઘણા માણસો એવા હોય છે કે જેમને કેશ કે કાઇન્ડ કોઇપણ રીતે રાજી કરીએ એટલે તે આપણાં કામ ઉત્સાહથી કરી આપે છે, કેટલીક વાર તો તે આડા ન ફાટે એ માટેય તેમને પત્રમ્ પુષ્પમ્થી પ્રસન્ન રાખવા પડે છે. સૂર્ય, ચંદ્ર, બુધ અને શનિ - આ બધા ગ્રહો દેવોનો દરજજો ભોગવે છે, દેવોની પ્રતિષ્ઠા ધરાવે છે, છતાં તે માણસની પેઠે સાવ નિમ્ન કોટિએ ન જાય એ વાસ્તે તેમના એજન્ટ સમા બ્રાહ્મણોને દાન-દક્ષિણા વગેરે આપીએ એટલે જે તે ગ્રહોને એની ખબર પડી જતી હશે! હું સેલ્સટૅકસની પ્રેક્ટિસ કરતો હતો ત્યારે એક વેચાણવેરા અધિકારી મારા વેપારીને કહેતો કે તમે ફલાણા ઠેકાણે આવેલ સાઇકલની દુકાનમાં જઇ અનંતભાઇને કવર આપી દેજો. મને તે પહોંચી જશે-એ વેચાણવેરા અધિકારી જેવી જ વ્યવસ્થા ગ્રહોએ પણ ગોઠવી હશે! બ્રાહ્મણને આપીએ એટલે સીધું તે તેમના ખિસ્સામાં ટ્રાન્સફર થઇ જતું હશે!
ખગોળ વિજ્ઞાનના જણાવ્યા પ્રમાણે વાદળમાંથી છૂટો પડેલો વાયુ ઠરે ત્યારે તે ગ્રહ બને છે. હવે આ રીતે જન્મેલા ગ્રહને જાતકને ફૅમિલી જયોતિષી કહે એ રીતે ખુશ કરવાથી કોર્ટમાં ચાલતો કેસ તેના તરફી ચુકાદો મેળવે, તેનો સગ્ગો નાનો ભાઇ તેની સામે કેસમાં હારી જાય ને ફાધરના બનાવટી વિલ દ્વારા એ ભાઇનો ભાગ પણ જાતક હડપ કરી શકે-આ ગ્રહની મદદથી ! આ ગ્રહ પ્રસન્ન થઇ પાંચ પાંચ દીકરીઓ પર રાજકુંવર જેવો દીકરો આપે, એકાદ-બે ગ્રહો સાધવાથી કરોડીમલ શેઠની એકમાત્ર સુપુત્રી ડોલી, જાતકના રખડુ છોકરાને પરણી જાય !
આ ગ્રહો એ તે કંઇ માફિયા ગૅન્ગ છે કે ગમે તેની દીકરીનું મન ફેરવી જાતકના બે બદામના બબૂચક છોકરા સાથે લગ્ન કરાવવામાં સામેલ થાય ! ગ્રહ એ ગ્રહ છે.બીજી વાત એ કે મલેરિયા કે ફાલ્સીપેરમને લીધે આપણે હૉસ્પિટલની પથારીમાં પટકાયા હોઇએ એ સમયે ધારો કે આપણે મચ્છરને આપણા શત્રુ હોવાનું ગૌરવ આપીએ, પણ ગ્રહોને શી પડી છે કે તે આપણને દુશ્મન હોવાનો ગર્વ કરવા દે!- ગ્રહોની આગળ તો આપણી મચ્છર જેટલી હેસિયત નથી. બોલો છે?
કોઇ છોકરી હજી ‘ઇનોસન્ટ ડાવૉર્સી’ નિર્દોષ છૂટાછેડાવાળી હોય એ સમજાય એવી વાત છે, પણ મંગળ જેવો મંગળ સદોષ પણ હોય ને નિર્દોષ પણ હોય! પુરુષને તે પાઘડિયે હોય અને સ્ત્રીને ઘાટડિયે હોય, મંગળને જો આવી બધી ખબર પડે તો કદાચ તે પોતેય હસી પડે-તેનામાં હાસ્યવૃત્તિ હોય તો.
માણસોને અંદર અંદર ખટરાગ, શત્રુભાવ અને મિત્રભાવ હોય છે એ રીતે ગ્રહોમાં પણ શત્રુવટ, મિત્રતા કે લટક સલામ જેવો વ્યવહાર હોય છે એવું જયોતિષશાસ્ત્ર કહે છે. ઉ. ત. સૂર્ય પોતે ચંદ્ર મંગળ અને ગુરુનો મિત્ર છે, પણ શુક્ર અને શનિનો શત્રુ છે, બુધ સાથે તેને માત્ર ‘કેમ છો, સારું છે જેવો સંબંધ છે.’ એ રીતે સૂર્ય અને બુધ એ બન્ને ચંદ્રના મિત્ર છે તો મંગળ એ બુધનો શત્રુ છે. રશિયા તેનું મિત્ર છે, અમેરિકાનું કંઇ કહેવાય નહીં-અત્યારે તો આપણી સાથે તેનો લટક સલામનો સંબંધ ગણાય. સાલું એ નથી સમજાતું કે ગ્રહોને અંદર અંદર શું વહેંચી લેવાનું હોય કે એ બધા ભેગા થઇને માણસવેડા કરે! શકય છે કે ગ્રહોને ખુદને ખબર પણ નહીં હોય કે કોની સાથે તેમની દોસ્તી કે દુશ્મની છે, માત્ર જયોતિષીઓને જ આની ખબર છે.
જોકે કેટલીક વિગતોની તો જયોતિષીઓનેય સદીઓ પૂર્વે ખબર નહોતી પડતી. જેને આજેય આધારભૂત ગ્રંથ ગણવામાં આવે છે એવા ભૃગુસંહિતાના કર્તાનેય જાણ નહોતી કે સૂર્ય એ ગ્રહ નથી, એક તારો જ છે અને જેને ગ્રહનું સ્ટેટસ આપવામાં આવ્યું છે એ ચંદ્ર પણ ગ્રહ નથી, ઉપગ્રહ છે. જે કરોડો વર્ષો પૂર્વે પૃથ્વીમાંથી છૂટો પડી ગયો હતો. પૃથ્વી પણ આમ તો એક ગ્રહ જ છે. ભલે એમ કહેવાતું કે લગ્નો સ્વર્ગમાં થાય છે, પણ વાસ્તવમાં તો પૃથ્વી પર માંડવા રોપાય છે, લગ્નો થાય છે. તો પછી પૃથ્વી નડવાને બદલે જાતકને મંગળ કે રાહુ કેમ નડી શકે ! પૃથ્વી નામના જે ગ્રહ પર આપણે વસીએ છીએ તેનો આપણા પર કોઇ જ પ્રભાવ નથી? જેમ આપણને મંગળ, શનિ કે રાહુ પજવે છે એ રીતે, એ ગ્રહો માટે પૃથ્વી એ કનડતો ગ્રહ છે કે નહીં એ તો મંગળ, બુધ કે શનિ પર વસનાર જ્યોતિષીઓ જ કહી શકે.
આપણે ગ્રહોની જ વાત કરવી છે. રાજીવરત્ન ગાંધી જન્મ્યા હતા. એ જ ગ્રહોમાં, એ જ ક્ષણે અને એ જ ચોઘડિયામાં બીજાં હજારો બાળકો ભારતમાં જન્મેલાં, અને તેમાંના સેંકડો તો એવાંય હશે જેમની ઊંચા આંકવાળી, આઇ.કયુ. આગળ રાજીવ ગાંધીની આઇ.કયુ.ની તુલના કરી ન શકાય. તો પણ એમાંનું કોઇ બાળક મોટું થઇને વડા પ્રધાનની ખુરસી સુધી પહોંચી શકયું નહીં. કેમ? એમાંના કોઇની મમ્મી પ્રાઇમ-મિનિસ્ટર નહોતી એટલે? ભારતની પ્રજાના ગ્રહો જ એવા હતા એટલે તેને રાજીવ વડા પ્રધાન લેખે મળ્યા ?
અને આ લેખ લખનાર વિનોદ નામના ભટ્ટનો લેખ અત્યારે તમે વાંચી રહ્યાં છે. એ જ રાશિમાં કદાચ એ જ નામનો ને એ જ ગ્રહયોગમાં જન્મેલો બીજો જણ પાગલખાનામાં હશે - એ તો ત્યાં ભલે રહ્યો, આપણને તેની સાથે નિસ્બત નથી, પણ આ વિનોદ ભટ્ટ આજકાલ પાગલખાનાની બહાર કેમ છૂટો ફરે છે! કયા ગ્રહબળને કરીને ! ધીરુભાઇ અંબાણીની કુંડળીમાં જે ગ્રહો છે એ જ ગ્રહો પોતાની કુંડળીમાં હોવા છતાં એ બીજો ધીરુભાઇ એસ.ટી. બસ સ્ટોપની પાસે ફ્રૂટની લારી લઇને વર્ષોથી કેમ ઊભો રહે છે ! ધીરુભાઇ અંબાણીને નડયા નથી એવા કયા ગ્રહો ફ્રૂટની લારીવાળા ધીરુને નડી રહ્યા છે!
થૉમસ હાર્ડી અને રવીન્દ્રનાથ ટાગોર - આ બેમાંથી ટાગોરને નોબેલપ્રાઇઝ મળ્યું, હાર્ડી રહી ગયા. ટાગોરને કેવળ ગ્રહબળને કારણે જ નોબેલ-પ્રાઇઝ મળેલું! ગ્રહબળને કારણે ‘ગીતાંજલિ’ને બદલે તેમને કોઇપણ પુસ્તક માટે મળી શકયું હોત. ટૂંકમાં પુસ્તકની કોઇ વિસાત નથી. ગ્રહો જ ઊજળા હોવાથી ટાગોરને નોબેલ-પ્રાઇઝ મળ્યું હતું.
2001ના જાન્યુઆરીથી 26મી તારીખે જયોતિષીઓએ ગ્રહોની અમીનજર સાથેનાં લાભ, શુભ અને અમૃત ચોઘડિયાં જોઇને અનેક લગ્નો ગોઠવેલાં, પણ પ્રચંડ ભૂકંપને લીધે બે-ત્રણ લગ્નોમાં તો વર-ક્ધયા સાથે ઘણા બધા જાનૈયાઓ કાટમાળ હેઠળ દટાઇ ગયાં. શુભ ગ્રહોની માંડણી કરી લગ્ન કરાવવા આવેલા મહારાજો પણ દક્ષિણા તો શું તેમનાં પગરખાંય લીધા વગર ઘટનાસ્થળેથી મુઠ્ઠીઓ વાળીને પાછું જોયા વગર નાઠા હતા. તેમને દક્ષિણા મેળવ્યા વગર નાસવું પડયું એ કયા નઠારા ગ્રહોને પ્રતાપે બન્યું એની હજી સુધી કોઇ જયોતિષીને ખબર પડી નથી, પડી હોય તો કહેજો, એ જાણવામાં આ લખનારને રસ છે.