Sun Apr 19 2026

Logo

ટૅક વ્યૂહ: ગૂગલ મેપ્સમાં મોટા ફેરફાર... આવી ગયો છે થ્રીડી અવતાર

2 hours ago
Author: વિરલ રાઠોડ
Article Image

- વિરલ રાઠોડ

વેકેશન શરૂ થઈ ચૂક્યું છે તો કોઈનું વેકેશન શરૂ થવામાં છે. એવામાં રોડ ટ્રીપનું પ્લાનિંગ હવે અંતિમ તબક્કામાં હોય તો ફોર વ્હિલર ચાલું થતાં જ શરૂ થઈ જશે ગૂગલ મેપ્સ. સેટેલાઈટ લિંકની મદદથી કામ કરતી એપ્લિકેશન એટલી અપડેટ થઈ ચૂકી છે કે, રૂટ પર આવતા પેટ્રોલ પંપ, મસ્ત રેસ્ટોરાં, ઢાબા, હોટેલ્સથી લઈને ટ્રાફિકજામ તથા શોર્ટ રૂટ સુધીની તમામ વિગત સ્ક્રિન પર આપી દે છે. ડાબી-જમણી બાજુ વળવાનું હોય એના ચોક્કસ મીટર પહેલાં જ ગૂગલ મેપ્સમાં વોઈસ એલર્ટ આપવામાં આવે છે. આટલી મસ્ત સુવિધા હોવા છતાં ગૂગલ મેપ્સે દસ વર્ષના લાંબા અંતર બાદ એક મોટી અપડેટ જાહેર કરી દીધી. 

સામાન્ય રીતે દિવસભર ટ્રાવેલ કરવાનું હોય તો ઓફલાઈન મોડ પણ એક્ટિવ હોય છે, પણ સાંજમાંથી રાત પડતા જ મેપ્સમાં ઓટોમેટિક ડાર્કમોડ એક્ટિવ થઈ જાય છે. 

 કિવર્ડના બદલે સવાલ: 

 મેપ્સમાં આસ્ક ફિચર એડ કરવામાં આવ્યું છે. આના માટે પહેલા ગૂગલ મેપ્સ એપ્લિકેશનને અપડેટ કરવાની રહેશે. જોકે કેટલાક સ્માર્ટ ફોનમાં આ ફીચર્સ સપોર્ટ નથી કરતું. આ સિવાય એસ્ટિમેટ ટાઈમના બદલે એક્યુરેટ ટાઈમ આપશે, જે તે રૂટ પર વધારે પડતો ટ્રાફિક હશે તો સમયને એ વાહનની ગતિ પ્રમાણે ગણતરી કરીને ચાલું ડ્રાઈવે પણ સમયને અપડેટ કરી દેશે. 10 કિલો મીટરના વિસ્તારમાં કોઈ ટ્રાફિકજામ હશે અને એ જ રૂટ પર આપનું વાહન હશે તો રૂટમાં રેડ પેનલ દેખાશે. આનાથી ફાયદો એ થાય છે કે, વાહનની ગતિને મર્યાદિત કરી શકાય છે. વચ્ચેથી કોઈ રસ્તો જડે તો ડાઈવર્ટ પણ થઈ શકાય.

ફ્લાયઓવર/અંડરપાસ: 

અત્યાર સુધી રૂટમાં જે રસ્તાઓ આવતા એમાં મૂંઝવણ એ રહેતી કે ફ્લાયઓવર કે અંડરપાસમાં ડાઈવર્ટ થવા માટે થોડો સમય જતો. હવે નવી અપડેટમાં ફ્લાયઓવરથી સરળતા થતી હશે કે અંડરપાસમાંથી નીકળવું સેફ રહેતું હશે તો એ પણ જોવા મળશે. આ માટે યુઝર સરળતાથી એ નિર્ણય લઈ શકશે, આ ઉપરાંત એ ફ્લાઈઓવર કે અંડરપાસના એક્ઝિટ અંગે પણ એડવાન્સમાં ખ્યાલ આવી જશે. ફાયદો એ થશે કે, સ્પીડ કંટ્રોલ કરી શકાશે, ફ્લાયઓવરમાં જવું કે નહીં એ સરળતાથી જાણી શકાશે. આ સિવાય મેપ્સમાં હવે રીયલટાઈમ અપડેટ પણ મળે છે. 

 નેવિગેશનને સમજવા સરળ:

 મેપ્સ આવતા દરેક નેવિગેશનને સમજવા હવે વધારે સરળ બનશે. માર્કર અને રૂટ ડાઈવર્ઝન જેવા મુદ્દાઓ સમજવા સામાન્ય ઓછું ભણેલા ડ્રાઈવર્સ માટે સરળ બની રહેશે. એકથી વધારે લેન કે શેરીના ચિત્રો હવેથી સ્પષ્ટ દેખાશે. આ સિવાય જ્યાં રસ્તો કે શેરી પૂરી થતી હશે ત્યાં પહેલાથી નો રોડના માર્ક દેખાશે. આખરે ડેસ્ટિનેશન સુધી પહોંચ્યા બાદ પણ આસપાસ પાર્કિંગ છે કે નહીં એની પણ માહિતી મળશે. 

આ સિવાય હવે અઈં પાવર્ડ ફીચર આવતા મેપ્સ થોડો એડવાન્સ બની ગયો છે. માત્ર રસ્તો શોધવા માટે જ નહીં પણ લોકેશન જેવા કે, કોઈનું સરનામું, મોલ કે મલ્ટિપ્લેક્સ, મેટ્રો રેલ પિલર્સ, સોસાયટી કે પ્લોટ શોધવા પણ સરળ બન્યા છે.

લાઈવ વ્યૂ ફોટો મોડ:

 લાઈવ વ્યૂ ફોટો મોડ સૌથી સરળ ઉપાય છે. હાઈવે પર કોઈ રસ્તો ભૂલાયો હોય તો મેપ્સમાં જ કેમેરા ફીચર એડ થઈ ગયું છે. એમાં માત્ર ફોટો અપલોડ કરી દેવાથી તે આગળનો રૂટ ઓટોમેટિક શોધીને આપશે. માત્ર રૂટ જ નહીં આસપાસનું મોટું નગર, મહાનગર, જિલ્લો કે તાલુકો કેટલા અંતરે છે એ પણ કહી દેશે. વીકએન્ડમાં કે વેકેશનમાં ફરવાનો શોખ હોય તો મેપ્સ હવે મોટી મદદ કરી દેશે. હા, જે લોકેશન પર પેઈડ ફોટોગ્રાફી, ફોટોગ્રાફી કરવાની મનાઈ કે સેન્સેટિવ એરિયા છે ત્યાંના કોઈ લોકેશનની તસવીર પર મર્યાદા સેટ કરેલી છે, જેમ કે, બોર્ડર એરિયા, સૈન્યના બેઝ કેમ્પ. મેપ એપ્લિકેશનની ખાસ વાત એ છે કે, આ મેપ 360 સુધી રોટેટ થાય છે. વ્હીકલમાં આગળ ફોનને સ્ટેન્ડમાં સેટ કરવાથી જે પ્રમાણે વાહન ફરે છે એ પ્રમાણે મેપ જે તે કોર્ડિનેટ પોતાની રીતે સેટ કરી લે છે. ફાયદો એ થાય છે કે, વારંવાર મેપને રી લોકેટ કરવાની જરૂર રહેતી નથી.

 આઉટ ઑફ બોક્સ

વર્ષ 2005માં ગૂગલ મેપ શરૂ થયો, 8 મહિનામાં એપ તૈયાર થઈ. મેપવ્યૂ તરીકે ઓળખાયા બાદ એપ પર માત્ર મેપ નામ જ રાખવામાં આવ્યું  છે.