Sun Apr 19 2026

Logo

ઝબાન સંભાલ કે: ઉત્સવ પણ સંદેશો આપે છે: ભાઈશ્રી

3 hours ago
Author: હેન્રી શાસ્ત્રી
Article Image

- હેન્રી શાસ્ત્રી

બીજી એપ્રિલથી આઠમી એપ્રિલ દરમિયાન મુંબઈના ઉપનગર બોરીવલીમાં ‘મુંબઈ સમાચાર’ આયોજિત ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’ એના અનન્ય આયોજન માટે તો યાદગાર બની જ ગઈ છે, પણ એથીય વિશેષ મહત્ત્વની વાત છે સપ્તાહના આયોજનના હેતુનો. અખબારના તંત્રી નીલેશ દવેએ ભાવિકોને ભાગવતની અમૃત વાણીનું રસપાન થાય એ સાથે માતૃભાષા માટેની સજાગતામાં ઉમેરો થાય એ હેતુથી માતૃભાષા ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કથા વાંચન દરમિયાન ભગવાનના અવતારોની ઝાંખી રસપ્રદ શૈલીમાં રજૂ કરી ભાવિકોને ભક્તિરસમાં રસતરબોળ કરી દીધા અને સાથે સાથે ભાષારસનું પણ પાન કરાવ્યું. માતૃભાષાના મહત્ત્વને કથા સાથે સાંકળી લોકોને ગુજરાતી તેમજ હિન્દી અને ક્યારેક મરાઠી ભાષાની બારીકીઓ ઉદાહરણ સાથે સમજાવવાની કોશિશ કરી. સાતે સાત દિવસ સતત ભાગવત સપ્તાહના માતૃભાષાના મહત્ત્વ આપતા આશય સાથે નિષ્ઠાપૂર્વક અને ભાવિકોને સરળતાથી સમજાય એવી વાણીમાં માતૃભાષાનો અખંડ દીવો પ્રગટેલો રાખવા માટે ભાઈશ્રીને વંદન. 

કથા વાંચન દરમિયાન ઉત્સવોનો ઉલ્લેખ પણ ભાઈશ્રી ભાગવતને ટાંકીને કરતા હતા. ભાષાની બારીકાઈ પર ધ્યાન દોરતા તેમણે કહ્યું કે ‘પૂનમ - પૂર્ણિમા’ એટલે સંપૂર્ણ ચંદ્રની રાત્રિ, જે પ્રકાશ, જ્ઞાન અને ભક્તિનું પર્વ છે. આનંદનું પ્રતીક. હોળી એટલે ફાગણ સુદ પૂનમને દિવસે માનવ જાતિના કલ્યાણ અર્થે કરવામાં આવેલો યજ્ઞ. જોકે, હોળી કરવી એટલે બાળી નાખવું. આક્રન્દનું પ્રતીક. નીતિ વિરુદ્ધના કાર્યથી પૂનમે હોળી થાય. શુભ દિવસે અશુભ થાય. પ્રહલાદને બાળી નાખવાની અધમ કોશિશ હિરણ્યકશ્યપુએ કરી હોવાથી ફાગણ સુદ પૂનમએ હોળી હોય છે. એવી જ રીતે રામના રાવણ પરના - ધર્મના અધર્મ પરના વિજયને કારણે અમાસ (ચંદ્ર વિનાની રાત)એ દિવાળી હોય અને દીવડા ઝગમગ થઈ પ્રકાશ રેલાવે.

કથા વાંચન વખતે ભાઈશ્રી કેટલીક જગ્યાએ રૂઢિપ્રયોગ વાપરતા હતા. એક દિવસ તેમણે કહ્યું કે ‘તમારો ચહેરો તમારા અંતરના ભાવની ચાડી ખાય. ચાડી એટલે કોઈની છાની વાત બીજાને કહી દેવી. અલબત્ત, અહીં ચહેરો ચાડી ખાય એટલે મનમાં જે વાત રમતી હોય એ મોઢા પર દેખાઈ આવે. ઈર્ષ્યા, આદર, કરુણા કે પ્રેમ છુપાઈ નથી શકતા, ચહેરા પર પ્રગટ થઈ જ જાય છે. એક જગ્યાએ તેમણે કહ્યું કે ઘણા પતિ - પત્ની સભ્યતાથી બાધે - તમે અક્કલમઠ્ઠા છો એમ કહે. બાધવું એટલે ઝઘડો કરવો, ઠપકો આપવો કે ખિજાઈ જવું. અક્કલમઠું એટલે ઓછી અક્કલ ધરાવતું, નાદાન વ્યક્તિ. કોઈવાર એક શબ્દ કે સાધન સમગ્ર પ્રવૃત્તિની ઓળખ બની જાય એનું એક સુંદર દૃષ્ટાંત રમેશ ભાઈજીએ આપ્યું. ‘એકવાર ઉત્તર ગુજરાતમાં કથા કરવા ગયો હતો ત્યારે અમે બે ચાર જણ વહેલા પહોંચી ગયા. અમારું સ્વાગત કરતી વખતે યજમાન બોલ્યા કે ‘તમારા પિપૂડીવાળા નહીં આવ્યા?’ બે ઘડી તો કંઈ હમજાણું નહીં. મારા ચહેરા પર પ્રશ્નાર્થ જોઈ એક ભાઈએ કહ્યું કે તમારું સંગીતવૃંદ નથી આવ્યું એમ પૂછે છે. પિપૂડી એટલે ફૂંકીને વગાડવાની ભૂંગળી અથવા પાવો. દલપતરામના કાવ્યની એ પંક્તિ છે ને કે ‘પિપૂડી વગાડી એમાં કરી તે શું કારીગરી?’ જોકે, પિપૂડી વગાડવી ભાષા પ્રયોગ પણ છે જેનો અર્થ થાય છે એકની એક વાત કહ્યા કરવી અથવા ગાયા કરવી. ખુશામત કરવી કે હામાં હા ભણવી. 

અતિથિ દેવો ભવ: આપણી સંસ્કૃતિ છે એનો ઉલ્લેખ કરી ભાઇશ્રીએ મજેદાર વાત કરી. ‘પહેલાના વખતમાં મેમાન આવે તો ઘરના લોકો રાજી થતા. ચૂલા પાસે રાખેલી તાવડી હસે.’ તાવડી એટલે કઢાઈ અથવા પેણી જેમાં શેકવા - તળવાનું કામ થાય. અતિથિના આગમનનો આનંદ સર્વત્ર વ્યાપી ગયો હોવાની વાત છે. મેમાનને આવકાર આપતી વખતે અંતરના ઉમળકા સાથે કહેવાતું કે ધન ઘડી ધનભાગ અમારા કે આપ અમારા આંગણે પધાર્યા. ‘ધન ઘડી ધનભાગ’ એટલે મંગળ અવસર. ટૂંકાણમાં બોલવાની આદત ક્યારેક કેવો અનર્થ સર્જી શકે એ પોતાના જ ઉદાહરણથી સમજાવતા ભાઈશ્રી બોલ્યા કે ‘કેટલાક લોકો એમ કહે છે કે બોરીવલીમાં ભાઈશ્રીની બેઠી છે.’ આ વાક્ય પૂરું થતા જ વૈષ્ણવો ખડખડાટ હસી પડ્યા, કારણ કે અધ્યહાર (અર્થ સમજવા માટે માની લેવાનો ન લખ્યો હોય તેવો શબ્દ) તરીકે દશા શબ્દ તેમણે કલ્પી લીધો. શ્રોતા રમૂજ સમજી ગયા હોવાથી મંદ સ્મિત ભાઈશ્રીના ચહેરા પર જોવા મળ્યું. કહેવાની જરૂર ખરી કે ભાઇશ્રીની કથા બેઠી છે એમ કહેવાનું હતું. 

कोस-कोस पर पानी बदले, और चार कोस पर वाणी

માતૃભાષા ભાગવત સપ્તાહનો મર્મ જાળવી ભાઈશ્રીએ પ્રસંગ અનુસાર હિન્દીમાં પણ ભાગવતની કથાનું રસપાન કરાવ્યું. ગુજરાતી કહેવત બાર ગાઉએ બોલી બદલાય આપણે બધા સારી પેઠે જાણીએ છીએ. આ કહેવતનું હિન્દી સ્વરૂપ ભાઈશ્રીએ રજૂ કરી એ હિન્દીમાં સમજાવી હતી. कोस-कोस पर पानी बदले, चार कोस पर वाणी भारत की भाषाई और सांस्कृतिक विविधता को दर्शाने वाली एक प्रसिद्ध लोक उक्ति है। इसका अर्थ है कि हर थोड़ी दूरी पर पानी का स्वाद बदल जाता है और हर चार कोस पर बोली या भाषा बदल जाती है। भारतेंदु हरिश्चंद ने कहा था चार कोस पर पानी बदले, आठ कोस पर वाणी / बीस कोस पर पगड़ी बदले, तीस कोस पर धानी जो क्षेत्रीय पहनावे और भाषा के अंतर को स्पष्ट करता है। આ ફરક ઉદાહરણ સાથે જાણવા જેવો છે. દિલ્હી અને મેરઠ વચ્ચેનું અંતર 70 - 80 કિલોમીટરની આસપાસ છે અને સડક માર્ગે એ અંતર કાપવા કલાકેકનો સમય લાગે. ટૂંકમાં દિલ્હીથી મેરઠ ઢૂંકડું છે. જોકે, બંને સ્થળની વાણીમાં તફાવત છે. દિલ્હી અને મેરઠમાં ખડી બોલીનો ઉપયોગ થાય છે. વ્રજ કે અવધિ ભાષાના પ્રભાવમાંથી મુક્ત રહેલી ખડી બોલીમાંથી જ આજની તારીખમાં વ્યવહારમાં ચલણી બનેલી હિન્દી ભાષાનો ઉદભવ થયો હોવાનું માનવામાં આવે છે. दिल्ली और मेरठ, दोनों ही मुख्य रूप से खड़ी बोली (जिसे कौरवी भी कहा जाता है) के केंद्र हैं, लेकिन भौगोलिक दूरी और मिश्रित संस्कृति के कारण इनकी बोलियों में सूक्ष्म अंतर है। मेरठ की खड़ी बोली को 'आदर्श खड़ी बोली' माना जाता है, जबकि दिल्ली की हिंदी पर पंजाबी, हरियाणवी और मानक हिंदी का गहरा प्रभाव है।

 અમુક અંશે શહેરમાં બોલાતી ગુજરાતી અને જે તે પ્રદેશની તળપદી ભાષામાં રહેલા ફરક જેવી વાત છે. ઉદાહરણની મદદથી આ વાત બરાબર સમજાઈ જશે. બે વ્યક્તિ એકબીજાને દિલ્હીમાં મળે ત્યારે और भाई, क्या हाल है? એમ પૂછે પણ મેરઠમાં આ સવાલ और भाई, के हाल सै? / के हाल है? બની જાય છે. કોઈને કઈ તરફ જઈ રહ્યો છે એ સવાલ કરવાનો હોય ત્યારે દિલ્હીમાં कहाँ जा रहे हो? એવો સવાલ કરવામાં આવે, પણ મેરઠમાં અંદાજ બદલાઈ જાય અને  એનું તળપદું લાગતું સ્વરૂપ જોવા મળે: कुड़ जा रया है? / कुड़ जा रया? એકંદરે દિલ્હીમાં એક મિશ્રિત તેજ ગતિવાળી શુદ્ધ લાગતી હિન્દી બોલવામાં આવે છે જ્યારે મેરઠની બોલીમાં દેશી ફ્લેવર - તળપદો ભાવ જોવા મળે છે.