Thu Apr 23 2026

Logo

પ્રેમીને પામવા પત્નીએ પતિની સોપારી આપી નહેરમાં ફેંકાવ્યો, પછી....

1 day ago
Author: Mayurkumar Patel
Article Image

વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પ્રેમીને પામવા પત્નીએ પતિની સોપારી આપી નહેરમાં ફેંકાવ્યો હતો. જોકે પતિ નહેરમાંથી જીવતો બહાર નીકળતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.

શું છે મામલો

આ ઘટના વડોદરાના છાણી વિસ્તારમાં બની હતી. 15 એપ્રિલની રાત્રે પાનનો ગલ્લો ચલાવતા ગિરીશ પટેલ પર જીવલેણ હુમલો થયો હતો. તે ઘરે પત ફરતો હતો ત્યારે છાણી-સોખડા રોડ પર કેટલાક લોકોએ તેનું અપહરણ કર્યું હતું. તેને કારમાં બેસાડીને ચપ્પુ બતાવી ડરાવ્યો હતો. તેમજ અનેક જગ્યાએ ફેરવ્યા બાદ મારીને નહેરમાં ફેંકી દીધો હતો.

હુમલાખોરોને  ગિરીશનું મોત થયું હોવાનું લાગ્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. નહેરમાં પડ્યા બાદ ગિરીશે હાર નહોતી માની. ત્રણ કલાક સુધી સંઘર્ષ કર્યા બાદ તે ગમે તેમ કરીને નહેરમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. 

નહેરમાંથી નીકળ્યા બાદ તે સીધો જ પોલીસ પાસે પહોંચ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરીને પાંચ શંકાસ્પદોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું કે, ગિરીશની પત્નીને ખેડાના  સલૂન સંચાલક કૌશિક શર્મા સાથે પ્રેમસંબંધ હતો. બંને ગિરીશને તેમના રસ્તામાંથી હટાવવાનો પ્લાન તૈયાર કરી ચુક્યા હતા. પોલીસ મુજબ કૌશિક શર્માએ નરેન્દ્ર ઉર્ફે નિકુલ ગોસ્વામી નામના વ્યક્તિને 35,000 રૂપિયામાં હત્યાની સોપારી આપી હતી. કૉલ રેકોર્ડની તપાસ દરમિયાન ફાલ્ગુની અને કૌશિક સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. બંનેએ બે દિવસમાં 100થી વધારે વખત એકબીજા સાથે વાત કરી હતી.  આ કાવતરામાં સામેલ અન્ય એક આરોપી રુદ્ર રાવલને ગિરીશની ગતિવિધિ પર નજર રાખવાની જવાબદારી આપવામાં આવી હતી.

અપહરણ દરમિયાન આરોપીઓએ ગિરીશ પાસેથી કેશ અને એટીએમ કાર્ડ પણ લૂંટી લીધા હતા. જોકે ઓળખ જાહેર ન થાય તે માટે કાર્ડનો ઉપયોગ કર્યો નહોતો. પોલીસે આ મામેલ કૌશિક શર્મા, જિતેન્દ્ર બારિયા, ઉમંગ પ્રજાપતિ, પૃથ્વી ભોઈ, ઉમંગ ભોઈ, ફાલ્ગુની પટેલની ધરપકડ કરી હતી.