Thu Apr 23 2026

Logo

યુએસ સશસ્ત્ર દળોના નેતૃત્વમાં મોટી ઉથલપાથલ; યુએસ નેવી સેક્રેટરીનું અચાનક રાજીનામું

Washington DC   5 hours ago
Author: Savan Zalariya
Article Image

વોશિંગ્ટન ડીસી: યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ લંબાવવામાં આવ્યો છે, સંઘર્ષનો સંપૂર્ણ અંત લાવવા માટે બંને પક્ષો વચ્ચે ટૂંક સમયમાં વાટાઘાટો શરુ થઇ શકે છે, પણ સ્ટ્રેટ’ ઓફ હોર્મુઝને બાબતે બંને વચ્ચે મડાગાંઠ વધુ અઘરી બનતી જઈ રહી છે. એવામાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. યુએસ નેવીના સેક્રેટરી જોન ફેલોન તેમના પદ પરથી રાજીનામું આપ્યું, હોવાની જાહેરાત કરવામાં આવી છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે મુખ્ય મથક પેન્ટાગોન તરફથી જોન ફેલોનના રાજીનામાંની અચાનક જાહેરાત કરવામાં આવતા કેટલીક અટકળો શરુ થઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પના યુએસ રાષ્ટ્રપતિ તરીકેના બીજા કાર્યકાળ દરમિયાન લશ્કરી સેવાના વડાનું આ પહેલું રાજીનામું છે. 

જોન ફેલોનનું સ્થાન કોણ લેશે?
પેન્ટાગોન જોન ફેલોનના રાજીનામા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પેન્ટાગોનમના જણાવ્યા મુજબ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના ગણાતા હંગ કાઓ, યુએસ નેવીના કાર્યકારી વડા તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. કાઓ 25 વર્ષથી યુએસ નેવીમાં ફરજ બજાવી રહ્યા છે. તેમણે વર્જિનિયાથી યુએસ સેનેટ અને હાઉસ માટે ચૂંટણી લડી હતી, પણ હારી ગયા હતાં.

નોંધનીય છે કે યુદ્ધવિરામ ચાલી રહ્યો હોવા છતાં પણ યુએસ નેવી ઈરાનનાં બંદરોની નાકાબંધી કરી છે. યુએસ નેવી ઈરાન સાથે જોડાયેલા જહાજોને નિશાન બનાવી રહ્યા છે.  

યુએસ સશસ્ત્ર દળોના નેતૃત્વમાં મોટા ફેરફાર:
પેન્ટાગોન યુએસ સશસ્ત્ર દળોના નેતૃત્વમાં મોટા ફેરફાર કરી રહ્યું છે. સેક્રેટરી ઓફ વોર સચિવ પીટ હેગસેથ  એક પછી એક ટોચના જનરલો, એડમિરલ અને ડિફેન્સ લીડરને બરતરફ કરી રહ્યા છે.
 
તાજેતરમાં હેગસેથે યુએસ સેનાના ટોચના અધિકારી જનરલ રેન્ડી જ્યોર્જને પદ પરથી હટાવ્યા હતાં. ફેબ્રુઆરી 2025 માં હેગસેથે નેવીના વરિષ્ઠ અધિકારી એડમિરલ લિસા ફ્રેન્ચેટ્ટી અને એરફ ફોર્સના બીજા ક્રમના સર્વોચ્ચ કમાન્ડર જનરલ જીમ સ્લાઇફ સહિત સંખ્યબંધ ડિફેન્સ લીડરને તેમના પદ પરથી દૂર કર્યા હતા.