Thu Apr 23 2026

Logo

રાજનાથ સિંહ બર્લિન પ્રવાસે, ઈરાન-અમેરિકાની પાકિસ્તાનમાં શાંતિ મંત્રણાને લઈ આપ્યું ચોંકાવનારું નિવેદન

Berlin   1 day ago
Author: Mayurkumar Patel
Article Image

બર્લિનઃ રક્ષા પ્રધાન રાજનાથ સિંહ જર્મની પ્રવાસે છે. બર્લિનમાં ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું કે, ભારત અને જર્મનીના સંબંધો છેલ્લા સાત દાયકામાં દરેક ક્ષેત્રમાં મજબૂત થયા છે. તેમણે જણાવ્યું કે જર્મની યુરોપમાં ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર છે અને હાલમાં 2,000 થી વધુ જર્મન કંપનીઓ ભારતમાં સક્રિય છે. ઈરાન અને અમેરિકા વચ્ચે  પાકિસ્તાનમાં થનારી બીજા તબક્કાની શાંતિ મંત્રણાને લઈ તેમણે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.

રાજનાથ સિંહે કહ્યું, ભારતે બંને દેશો વચ્ચે મધ્યસ્થીની કોશિશ કરી હતી. પરંતુ દરેક વસ્તુનો એક સમય હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેજેશકિયાન સાથે ફોન પર વાત કરી હતી અને યુદ્ધ ખતમ કરવાની અપીલ કરી હતી. કૂટનીતિક મામલે વડા પ્રધાન મોદીને દ્રષ્ટિકોણ ખૂબ સંતુલિત છે. 

રક્ષા પ્રધાને કહ્યું કે, બર્લિનમાં ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરીને ખૂબ ખુશી થઈ. તેમણે પ્રવાસી ભારતીયો સમુદાયને ભારત અને જર્મની વચ્ચેનો લિવિંગ પુલ ગણાવી કહ્યું કે, તાજેતરના વર્ષોમાં આ સમુદાય એક મજબૂત શક્તિ તરીકે ઉભર્યું છે. તેમણે ભારતની આર્થિક પ્રગતિ અને ટેકનોલોજી વિકાસનો ઉલ્લેખ કર્યો હતો.

આ ઉપરાંત રક્ષા પ્રધાને કહ્યું કે, છેલ્લા સાત દાયકામાં ભારત અને જર્મનીના સંબંધો દરેક ક્ષેત્રમાં મજબૂત થયા છે. આજે જર્મની યુરોપમાં ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર બની ગયું છે. જર્મનીની અગ્રણી કંપનીઓ ભારતના ઔદ્યોગિક વિકાસ તથા 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વેગ આપી રહી છે. બીજી તરફ, અનેક ભારતીય કંપનીઓ પણ જર્મનીમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી રહી છે.

તેમણે કહ્યું કે ભારત અને જર્મનીના રાજકીય અને રાજદ્વારી સંબંધોના દ્વાર ભલે સરકારોના હાથમાં હોય, પરંતુ બંને દેશોના સંબંધોની સાચી મજબૂતી લોકોના પરસ્પર જોડાણથી નક્કી થાય છે. તેમણે ભારતીય સમુદાયને જણાવ્યું કે આ સેતુને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અત્યંત મહત્વની છે. રાજનાથ સિંહે કહ્યું કે જર્મનીમાં ભારતીયોની સંખ્યા 3.7 લાખ છે અને તે સતત વધી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતીય સમુદાયની સિદ્ધિઓ અને યોગદાને જર્મનીના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે.