તહેરાન: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે ઇરાને પાકિસ્તાન સરહદ પરથી દેશમાં ઘૂસેલા 12 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ ઈરાની સુરક્ષા દળોએ જૈશ અલ-અદલ આતંકવાદી જૂથની એક ઓપરેશનલ ટીમને નિષ્ક્રિય કરી દીધી હતી.
રાસ્ક ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ
આ અંગેના મીડિયા અહેવાલ મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે આતંકવાદીઓ પાકિસ્તાન સરહદથી રાસ્ક ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઈરાન દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.
આતંકવાદીઓ પાસેથી શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત
આ ઘટના ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં બની હતી. ઈરાની મીડિયા અહેવાલ મુજબ ઈરાની સુરક્ષા દળોએ 'જૈશ અલ-અદલ' સાથે જોડાયેલા ઘણા આતંકવાદીઓને મારી નાખ્યા. આ આતંકવાદીઓ પાકિસ્તાનથી સરહદ પાર કરીને ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના 'રાસ્ક' વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી.આ આતંકવાદીઓ પાસેથી શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ઈરાની સૈન્યએ આ કાર્યવાહી અંગે વધુ વિગતો જાહેર નથી કરી.