આતંકવાદી હુમલા બાદ સુરક્ષાના કારણે બંધ કરાયેલી ઘાટીને લીધે 5,000 થી વધુ પરિવારોની રોજીરોટી પર સંકટ
શ્રીનગરઃ કાશ્મીરના પહલગામમાં ગયા વર્ષે 22 એપ્રિલના થયેલા આતંકવાદી હુમલાને આજે વર્ષ પૂરું થયું, પરંતુ એ દિવસ આજ સુધી કાશ્મીરીઓ જ નહીં, સમગ્ર દેશવાસીઓ માટે કલંકસમાન છે. આ હુમલા અંગે કાશ્મીરીઓની આતંકવાદીઓ માટેની મિલિભગત, સુરક્ષા મુદ્દે તંત્રની નિષ્ફળતા અંગે સવાલો કર્યા હતા.
વાત એ દિવસથી શરુ કરીએ તો આતંકવાદીઓએ પહલગામની બૈસરન ઘાટીમાં નિર્દોષ લોકોને ગોળીઓથી વિંધી નાખ્યા હતા. આ હુમલામાં કોઈએ પોતાના દીકરાને ગુમાવ્યો હતો, તો કોઈ પોતાના ભાઈ, પતિને. પરંતુ આ હુમલો કાશ્મીરીઓની 'ટૂરિઝમ ફ્રેન્ડલી' નીતિ માટે કલંક બની ગયો હતો. કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે, તેથી ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાંથી પર્યટકો ફરવા માટે આવે છે, પણ એ હુમલાએ સૌને હચમચાવી નાખ્યા હતા.
બૈસરન ઘાટી ફરી ખોલવા માટે સરકારને અપીલ
હુમલા પછી સુરક્ષાના કારણે પર્યટકો માટે બંધ કરવામાં આવી હતી, જે હજુ સુધી પણ ચાલુ છે. આ પ્રતિબંધની અસર સ્થાનિક પર્યટન ઉદ્યોગ જ નહીં, સમગ્ર કાશ્મીર પર પડી હતી. પહલગામ અને આસપાસના વિસ્તારની હોટેર, રેસ્ટોરા, ઢાબા, ટેક્સી, ઘોડા-ખચ્ચર સહિત લગભગ 5,000થી વધુ પરિવાર પર આર્થિક સંકટનું નિર્માણ થયું હતું અને આજે પણ યથાવત લટકી રહ્યું છે.
વેપારીઓને થનારા નુકસાન અંગે ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (સીટીઆઈ)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો હતો. સીટીઆઈએ સરકારને જણાવ્યું છે કે બૈસરન ઘાટી અને આસપાસના વિસ્તારની સમીક્ષા કરવામાં આવે. સુરક્ષા વ્યવસ્થા મજબૂત છે, જે પર્યટકો માટે ફરી ખોલવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ થયો ઘટાડો
પહલગામ હોટેલ એસોસિયેશનના પ્રમુખ જાવેદ બુર્જાએ સીટીઆઈનો સંપર્ક કરીને વર્તમાન હાલત અંગે જાણકારી આપી હતી. અત્યારે માહોલ શાંત છે અને પરિસ્થિતિ પણ સામાન્ય થઈ ચૂકી છે. એમ છતાં ઘાટી બંધ રહેવાથી સ્થાનિક વેપારીઓની રોજીરોટી પર ગંભીર સવાલો ઊભા થયા છે.
એક અંદાજ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં પર્યટકોની સંખ્યામાં પણ પંદરથી 20 ટકા જેટલો ઘટાડો થયો છે. એને કારણે હોટેલ, રેસ્ટોરાં સહિત અન્ય કારોબાર પણ ઠપ થઈ ગયા છે, જેથી પર્યટકો માટે ઘાટીને ફરી ખોલવાની આવશ્યક્તા છે, જેનાથી ટૂરિઝમ સેક્ટરને પણ રફતાર મળી શકે છે.
ઘાટીમાં પર્યટકો ઘટતા હજારો કરોડનો ફટકો
સીટીઆઈના અહેવાલ અનુસાર આ ઘટના પછી કાશ્મીરમાં લગભગ 10,000 કરોડ રુપિયાના કારોબારનું નુકસાન થયું હતું. સુરક્ષા વ્યવસ્થા સાથે ફરી ઘાટીને ખોલવામાં આવે તો લોકોને ફાયદો થશે. બૈસરન ઘાટીને ફરી ખોલવાથી ફક્ત આતંકવાદ વિરુદ્ધ જ નહીં, પરંતુ હુમલામાં માર્યા જનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ હશે. ઘાટીને પર્યટકો માટે ખોલવાથી પર્યટન સેક્ટરમાં નવો જીવ ફૂંકાશે અને હજારો અસરગ્રસ્ત પરિવારોને રાહત મળશે.
પહલગામના પર્યટન ઉદ્યોગ કઈ રીતે વિકસ્યો હતો?
પહલગામ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાનું સુંદર પર્યટક સ્થળ છે, જ્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. અમરનાથની યાત્રાના સ્થળ સિવાય અહીંની કુદરતી સુંદરતા ફરનારા માટે જાણીતી છે. અમરનાથના જવાના બે માર્ગો છે, જેમાં એક પહલગામનો છે. ઉપરાંત, સદીઓના જૂના મમલેશ્વર મંદિર પણ ભક્તોની શ્રદ્ધાનું સ્પોટ છે.
પર્યટકોની સાથે ટ્રેકર, ફોટોગ્રાફર સહિત બોલીવુડના ડાયરેક્ટર માટે પણના અહીં અનેક સ્થળોના શોખિન છે. અહીંયા બૈતાબ, જબ તક હૈ જાન, બજરંગી ભાઈજાન, હાઈવે, રાજી, હૈદર જેવી હિન્દી ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું. પહલગામ સ્થિત બૈસરન ઘાટી પણ ખુલ્લા મેદાનો, દેવદારના વૃક્ષો, ઊંચા પહાડોને કારણે ભારતનું મિનિ સ્વિટઝર્લેન્ડ પણ કહે છે. પહલગામના ટૂરિસ્ટ સ્પોટમાં બૈતાબ અને અરુ વેલીને ખોલવામાં આવી છે, જ્યાં પર્યટકો પાછા ફરી રહ્યા છે.