નવી દિલ્હીઃ અભિનય જગતની એક સ્ટાર, જેણે ચંદીગઢમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને કોલેજના દિવસોમાં જ થિયેટરમાં રસ લેવા લાગી. અહીંથી જ તેની અભિનય કારકિર્દીનો પાયો નખાયો. અસંખ્ય હીટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર આ અભિનેત્રી કેન્સર સામે પણ જંગ જીતી ચૂકી છે.
અભિનય અને રાજકારણ બંને ક્ષેત્રોમાં એક જાણીતું નામ એટલે કિરણ ખેર. કિરણ ખેરે ટીવી કલાકાર અને રાજકારણી તરીકે પોતાને સાબિત કર્યા છે અને પોતાના માટે એક વિશિષ્ટ ઓળખ બનાવી હતી.
કિરણ ખેરે પોતાની કારકિર્દીની શરૂઆત થિયેટરથી કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ તેમણે ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરવાનું શરુ કર્યું. પોતાની કારકિર્દીની શરૂઆતમાં તેમણે નાના અને મોટા વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. 1996માં આવેલી ફિલ્મ સરદારી બેગમથી કિરણને ખરી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેમના દમદાર અભિનયથી તેમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, જે તેમની કારકિર્દીમાં એક મોટો વળાંક સાબિત થયો.
સુનીલ દત્ત અને નરગીસ દત્તે કિરણ ખેરના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેમણે જ પ્રખ્યાત અભિનેત્રી અને અનુપમ ખેરની પત્ની કિરણ ખેરને બોલીવુડમાં લોન્ચ કર્યાં હતા.
સુનીલ દત્તે પોતે લોકપ્રિય શો 'જીના ઇસી કા નામ હૈ'માં આ વાતનો ખુલાસો કર્યો હતો. સુનીલ દત્તે કહ્યું કે તેમણે શરૂઆતથી ખબર પડી ગઈ હતી કે તે ભવિષ્યમાં ખૂબ પ્રખ્યાત થશે. તેથી, તેમણે કિરણને તેમની એક ફિલ્મમાં લોન્ચ કરવાનું નક્કી કર્યું હતું.
સુનિલે તેમની પહેલી મુલાકાતનો પણ ઉલ્લેખ કરતા કહ્યું જ્યારે હું પહેલી વાર કિરણને મુંબઈ લાવ્યો ત્યારે મારી પત્ની નરગીસ દત્તે પહેલી વાર તેને એક ફોટામાં જોઈ. તે સમયે તે એક પ્રતિભાશાળી બેડમિન્ટન ખેલાડી હતી. તે ફોટો જોયા પછી જ મેં કિરણને ફાઇનલ કરી હતી. કિરણ ખેરે પોતાની કારકિર્દીમાં અનેક હિટ ફિલ્મો આપી છે, જેમાં તેમણે 'સરદારી બેગમ', 'દોસ્તાના', 'રંગ દે બસંતી', 'વીર-ઝારા' અને 'દેવદાસ' જેવી ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી હતી. 'વીર-ઝારા'માં તેમણે પ્રીતિ ઝિન્ટાની માતાની ભૂમિકા ભજવી હતી. 2007ની ફિલ્મ 'અપને'માં તેમણે ધર્મેન્દ્રની પત્નીની ભૂમિકા ભજવી હતી. 'દેવદાસ'માં તેમણે સુમિત્રા કાકીની ભૂમિકા ભજવી હતી.