Thu Apr 23 2026

Logo

ફેબ્રિકની આયાતમાં ડ્યુટી ચોરીનું મોટું કૌભાંડ? કંડલા સેઝમાં ડીઆરઆઇના દરોડા, 16 કન્ટેનર સીઝ

1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં અમદાવાદ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) ની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરતા ફાળકા સેવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ફેબ્રિકની આયાત પરની ડ્યુટી ચોરી કરવાના ઇરાદે રચાયેલા મોટા કારસાનો પર્દાફાશ કરવા માટે ડીઆરઆઈએ સેઝ સ્થિત એક વેરહાઉસ અને કન્ટેનરોની સઘન તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અંતરંગ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, આયાતકારો દ્વારા સામાન્ય ફેબ્રિક જાહેર કરી તેની આડમાં મોંઘા 'પીયુ કોટેડ' ફેબ્રિક મગાવવામાં આવ્યા હોવાની બાતમી ડીઆરઆઈને મળી હતી. નોંધનીય છે કે, સામાન્ય ફેબ્રિક પર ડ્યુટીનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે પીયુ કોટેડ ફેબ્રિક (જેનો ઉપયોગ સોફા સીટ કવર અને અન્ય પ્રીમિયમ વસ્તુઓ બનાવવા થાય છે) પર ડ્યુટીનો દર ઘણો ઊંચો હોય છે. ઓછી ડ્યુટી ભરી સરકારી તિજોરીને ચૂનો લગાવવાના આશયથી આ કૌભાંડ રચાયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ડીઆરઆઈની ટુકડીએ કાસેઝના વેરહાઉસમાં દરોડા પાડી ફેબ્રિકના અંદાજે ૧૬ જેટલા કન્ટેનરો અટકાવ્યા છે. હાલ આ તમામ કન્ટેનરોનું ફિઝિકલ વેરિફિકેશન અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. આ તપાસ હજુ ચાલુ હોવાથી ડ્યુટી ચોરીનો ચોક્કસ આંકડો કેટલો હશે તે જાણી શકાયું નથી, પરંતુ તપાસના અંતે મોટો આંકડો બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

અમદાવાદ ડીઆરઆઈની ટીમ દ્વારા ફેબ્રિકની અમુક ચોક્કસ કંપનીઓના જુના વ્યવહારો અને અગાઉ થયેલી આયાતના રેકોર્ડ્સ પણ ચકાસવામાં આવી રહ્યા છે. કાસેઝમાં વારંવાર સામે આવતા ડ્યુટી ચોરીના બનાવોને પગલે હવે એજન્સીઓ વધુ સતર્ક બની છે. આ કાર્યવાહીને પગલે કંડલા સેઝના અન્ય વ્યાપારીઓ અને ડ્યુટી ચોરીના કારસામાં સંડોવાયેલા શખ્સોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)