અમદાવાદઃ તાજેતરમાં રજૂ થયેલા ગુજરાત રાજ્યના બજેટમાં અમદાવાદની જાણીતી એલડી એન્જિનિયરિંગ કૉલેજને પાંચ વર્ષમાં આઈઆઈટી સ્તરની બનાવવાના આશયથી પાંચ વર્ષ માટે રૂ. 430 કરોડની ફાળવણી કરી હતી. ત્યારે હવે વડોદરાની જાણીતી મહારાજા સૈયાજીરાવ યુનિવર્સિટી( એમએસ)ની ટેકનોલોજી ફેકલ્ટીએ નાણા વિભાગ પાસેથી રૂ. 300 કરોડની ગ્રાન્ટ માગી છે. યુનિવર્સિટીએ 730 એન્જિનિયરિંગની બેઠક વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાનું અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.
જો ગુજરાત શિક્ષણ વિભાગ આ વધારાને મંજૂરી આપે તો એમએસયુની ટેકનોલોજી ફેકલ્ટી સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ એન્જિનિયરિંગ કોલેજોમાં બીજા ક્રમે સૌથી વધુ બેઠકો ધરાવતી થશે, જેમાં એલડી કૉલેજ પછી કુલ 1,458 બેઠકો હશે, જેમાં ગયા વર્ષના સીટ મેટ્રિક્સ મુજબ 1,689 બેઠકો પહેલાથી જ છે. શહેર સ્થિત વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં વિવિધ એન્જિનિયરિંગ શાખાઓમાં 1,126 બેઠક છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શિક્ષણ વિભાગમાં ઉચ્ચ સ્તરે આ દરખાસ્ત પર ચર્ચા થઈ રહી છે. જો મંજૂરી મળી જાય, તો તે 730 વધુ બેઠકો ઉમેરશે. આ માટે છોકરાઓએ વર્ષે રૂ. 1500 ફી ભરવાની રહેશે અને છોકરીઓ માટે વિના મૂલ્યે શિક્ષણ છે. આ દરખાસ્ત રાજ્યના નાણા વિભાગ સાથે ચર્ચા હેઠળ છે, કારણ કે એમએસયુએ વધારાના શિક્ષણ કર્મચારીઓના પગાર માટે રૂ. 300 કરોડની ગ્રાન્ટ માંગી છે. જોકે એલડી કૉલેજની જેમ અન્ય સંસ્થાઓને નાણા ફાળવવાની જોગવાઈ ન હોવાથી મૂંઝવણ હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
આ દરખાસ્તને પાત્ર વિદ્યાર્થીઓ માટે સસ્તા શિક્ષણના વધુ વિકલ્પ આપવાના ઉદ્દેશ્ય સાથે આગળ ધપાવવામાં આવી રહી છે, પરંતુ અંતિમ નિર્ણય નાણા વિભાગનો રહેશે.