વોશિંગ્ટન ડી સી: ગત વર્ષે બીજી વાર યુએસ રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઈ રહ્યા છે, યુએસમાં ટ્રમ્પ વિરુધ વિરોધનો જુવાળ પણ વધી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી ‘નો કિંગ’ રેલીઓમાં લાખો ઉમટી પડ્યા હતાં. એવામાં રિપબ્લિકન પાર્ટી આ વર્ષના અંતમાં યોજાનરી મીડટર્મ ચૂંટણીઓ અંગે એક મોટો નિર્ણય લઇ શકે છે.
અહેવાલ મુજબ રિપબ્લિકન પાર્ટી મીડટર્મ ચૂંટણીઓના પ્રચાર માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નામનો ઉપયોગ કરીને મત નહીં માંગે અને પ્રચાર દરમિયાન તેમના ચહેરાનો ઉપયોગ નહીં કરે.
આ વર્ષના અંતમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની 435 બેઠકો અને સેનેટની 35 બેઠકો માટે મતદાન થશે. ટ્રમ્પના સલાહકારો ચૂંટણી પ્રચાર માટે રણનીતિ બનાવી રહ્યા છે. ટ્રમ્પના સલાહકારો ઈચ્છી રહ્યા છે કે આ ચૂંટણી ટ્રમ્પ વિરુદ્ધ ડેમોક્રેટ્સ ન બને. ટ્રમ્પના સલાહકારો આ ચૂંટણી ડેમોક્રેટ્સ વિરુદ્ધ રિપબ્લિકન રહે તેવું ઈચ્છી રહ્યા છે.
ટ્રમ્પના સલાહકારોનું માનવું છે કે ઈરાન સામે યુદ્ધ છેડવા બદલ યુએસના લોકો ટ્રમ્પથી નારાજ છે. જો રિપબ્લિકન પાર્ટી ટ્રમ્પનાં નામે ચહેરો ચૂંટણી લડે, તો પાર્ટીને નુકસાન થઈ શકે છે. અહેવાલ મુજબ એપ્રિલમાં ડોનાલ્ડ ટ્રમ્પનું એકંદર એપ્રુવલ રેટિંગ 30 ટકા હતું, મતલબ કે ફક્ત 30 ટકા લોકો તેમને સમર્થન આપે છે. માર્ચમાં, આ આંકડો 38 ટકા હતો.
અહેવાલ અનુસાર, 2024ની ચૂંટણીમાં ટ્રમ્પને સમર્થન આપનારા 17 ટકા લોકો, હવે તેમના નિર્ણય પર અફસોસ કરી રહ્યા છે.
હાલમાં, રિપબ્લિકન પાસે 217 અને ડેમોક્રેટ્સ પાસે 212 બેઠકો છે.