ઈન્ડિયન મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે 12મી એપ્રિલ, 2026ના રોજ ખૂબ જ દુઃખદ રહ્યો હતો કારણ કે આ જ દિવસે ભારતની સૂર સામ્રજ્ઞી આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું હતું. આશા ભોસલેના નિધનથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને કદી ન પૂરાય આવી ખોટ પડી છે. આશાજીના નિધનના 10 દિવસ બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અદાકારા મુમતાઝે આશાજી સાથેની એ અંતિમ 10 મિનિટને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું કહ્યું મુમતાઝે...
તમારી જાણકારી માટે કે એક્ટ્રેસ મુમતાઝ અને આશા ભોસલે વચ્ચે માત્ર કમર્શિયલ રિલેશનશિપ જ નહીં પણ ગાઢ મિત્રતાનો સંબંધ હતો. મુમતાઝે તેમના કરિયરના ઘણા સુપરહિટ ગીતોમાં આશાજીના અવાજ પર અભિનય કર્યો છે.
મુમતાઝે આશા ભોસલે સાથેની છેલ્લી અને 10 મિનિટની મુલાકાત વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે જ્યારે મને આશાજી હોસ્પિટલમાં હોવાની જાણ થઈ, ત્યારે હું તાત્કાલિક તેમને મળવા પહોંચી હતી. જોકે, આશાજીની સ્થિતિ નાજુક હોવાથી ડોક્ટરોએ તેમને અંદર જવાની પરવાનગી ન આપી. મેં એમને દૂરથી જ જોયા અને વિચાર્યું કે આવતીકાલે ફરીથી મળવા આવીશ.
પરંતુ હોસ્પિટલથી નીકળીને કારમાં બેઠાના માત્ર પાંચ કે 10 મિનિટમાં જ મુમતાઝને હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે આશાજીનું નિધન થયું છે. મુમતાઝે આ બાબતે અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું તેમને છેલ્લી વાર મળી શકી નહીં, આ વાત હંમેશા મનમાં ખટકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આશાજી અનેક વાર મુમતાઝના ઘરે આવતા અને બંને કલાકો સુધી ગપ્પાં મારતા હતા. મુમતાઝ તેમને અત્યંત પ્રેમાળ અને ખુશમિજાજ વ્યક્તિ ગણાવ્યા હતા. મૃત્યુના થોડા દિવસો પહેલા જ બંને વચ્ચે વાત થઈ હતી. ત્યારે આશાજીએ આજા ઓ મેરે રાજા અને જન્નત કી સૈર જેવા ગીતોને તેમના કરિયરના સૌથી પડકારજનક ગીતો ગણાવ્યા હતા.
જોકે, મુમતાઝે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે કોકિલ કંઠી લતા મંગેશકર અને આશા ભોસલેની સરખામણી કરવી સદંતર ખોટું છે. લતાજીની શક્તિ શાસ્ત્રીય અને ભાવપૂર્ણ ગીતોમાં હતી, જ્યારે આશાજી રોમેન્ટિક, કેબરે અને ચુલબુલા ગીતોમાં અજોડ હતા.