Thu Apr 23 2026

Logo

ઍક્ટર ગોવિંદાનો સંબંધી હૈદરાબાદ સામે સારું રમ્યો, પણ દિલ્હીને જિતાડી ન શક્યો!

1 day ago
Author: Ajay Motiwala
Article Image

હૈદરાબાદ: દિલ્હી કેપિટલ્સના ઑલરાઉન્ડર નીતીશ રાણાએ મંગળવારે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં બોલિંગ સારી નહોતી કરી, પરંતુ બૅટિંગમાં ટીમને કામ લાગ્યો હતો. જોકે, દિલ્હી (Delhi)ને વિજય નહોતો અપાવી શક્યો.

મૂળ દિલ્હીના 32 વર્ષીય નીતીશ રાણા (Nitish Rana)ની પત્ની સાચી મારવાહ (Sachi Marwah) અભિનેતા ગોવિંદાની ભત્રીજી છે. તાજેતરમાં ‘કપિલ શર્મા શૉ'માં ગોવિંદાના ભત્રીજા ક્રિષ્ના અભિષેકે જણાવ્યું હતું કે સાચી મારવાહ તેની કઝિન છે. એ રીતે નીતીશ અભિનેતા ગોવિંદાનો સંબંધી અને ઍક્ટર ક્રિષ્નાનો બનેવી કહેવાય.

હૈદરાબાદે મંગળવારે અભિષેક શર્માના અણનમ 135 રનની મદદથી બે વિકેટે 242 રન કર્યા હતા. બોલિંગમાં નીતીશ રાણા (4-0-55-0)નો પર્ફોર્મન્સ સારો નહોતો. તેણે કેપ્ટન ઈશાન કિશન (પચીસ રન)ને રનઆઉટ કર્યો હતો. દિલ્હીએ નવ વિકેટે 195 રન કર્યા હતા જેમાં નીતીશ રાણા  (57 રન, 30 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) આક્રમક, પરંતુ ટૂંકી ઇનિંગ્સ રમ્યો હતો છતાં દિલ્હીને વિજય નહોતો અપાવી શક્યો.

નીતીશ રાણાનો આ વખતની આઈપીએલમાં પર્ફોર્મન્સ સારો નથી રહ્યો. ચાર મૅચમાં તેની એકમાત્ર હાફ સેન્ચુરી છે અને બીજી ત્રણ મૅચમાં તે 15 રનથી આગળ નથી વધી શક્યો. અગાઉ આઈપીએલમાં તે મુંબઈ કોલકાતા અને રાજસ્થાન વતી રમ્યો હતો.