મુંબઈઃ આઇપીએલ-2026ની આજે 33મી મૅચ (સાંજે 7.30 વાગ્યાથી) વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે અને આ બન્ને આ બે દિગ્ગજ ટીમનો સામસામે જે દેખાવ રહ્યો છે એના તેમ જ વ્યક્તિગત રીતે ટીમની જે હાલત રહી છે એ વિશેના આંકડા રસપ્રદ તેમ જ આંચકાજનક છે. છેલ્લા બે વર્ષ પર નજર કરીએ તો સૌથી વધુ પાંચ-પાંચ ટાઇટલ જીતી ચૂકેલી આ બન્ને ટીમના પ્રદર્શનનો ગ્રાફ એકંદરે તમામ 10 ટીમમાં સૌથી ખરાબ રહ્યો છે.
તમામ ટીમોમાં મુંબઈ અને ચેન્નઈ સૌથી વધુ પાંચ-પાંચ ટાઇટલ જીતવા ઉપરાંત સૌથી વધુ વખત પ્લે-ઑફમાં રમનારી પણ આ જ બે ટીમ છે. મુંબઈએ 11 વખત પ્લે-ઑફમાં જગ્યા બનાવી છે, જ્યારે ચેન્નઈએ 12 વખત પ્લે-ઑફમાં એન્ટ્રી કરી છે. આઇપીએલમાં મુંબઈએ પંચાવન ટકા મૅચો જીતી છે, જ્યારે ચેન્નઈએ 56 ટકા મુકાબલામાં વિજય મેળવ્યો છે. મુંબઈ-ચેન્નઈ આજે 40મી વખત સામસામે આવશે. 39 મુકાબલામાંથી 21 મૅચ ચેન્નઈએ અને 18 મૅચ મુંબઈએ જીતી છે.

મુંબઈ અને ચેન્નઈ છેલ્લા બે વર્ષમાં કુલ મળીને 21 મૅચ હારી ચૂકી છે. આ વખતની વાત કરીએ તો છ-છમાંથી ચાર-ચાર મૅચ હારી ચૂકેલી મુંબઈ અને ચેન્નઈની ટીમના પ્લે-ઑફમાં પહોંચવાના ચાન્સ ખૂબ ઓછા છે.

વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમ ચેઝિંગ ગ્રાઉન્ડ કહેવાય છે, પરંતુ 2024ની આઇપીએલથી માંડીને અત્યાર સુધીમાં મુંબઈ-ચેન્નઈ, બન્ને ટીમ ચેઝ કરતી વખતે સૌથી વધુ વખત પરાજિત થયેલી ટીમો છે. મુંબઈએ લક્ષ્યાંક ચેઝ કરતી વખતે 12 મૅચમાં અને ચેન્નઈએ 10 મૅચમાં પરાજય જોયા છે.