મુંબઈઃ અહીં વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે (સાંજે 7.30 વાગ્યાથી) હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં રમનાર મુંબઈ (Mumbai) અને ઋતુરાજ ગાયકવાડની કૅપ્ટન્સીમાં અહીં આવેલી ચેન્નઈ (Chennai)ની ટીમ વચ્ચે આઇપીએલ-2026ની 33મા નંબરની જે મૅચ રમાશે એ અસાધારણ બની શકે,
કારણકે એમાં મુંબઈનો ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા અને ચેન્નઈનો ભૂતપૂર્વ સુકાની એમએસ ધોની ફરી પૂરી ફિટનેસ સાથે કમબૅક કરી રહ્યા છે અને તેમની વચ્ચે ચડિયાતા પુરવાર થવાની હરીફાઈ જોવા મળી શકે. બન્ને મહારથી પોતપોતાની ટીમને પાંચ-પાંચ ટાઇટલ અપાવી ચૂક્યા છે.
PTI
આ વખતે પહેલી ચાર મૅચ રમેલા રોહિત (Rohit)ને સાથળમાં ઈજા થઈ હતી, જ્યારે ધોની (Dhoni) આ વખતે પહેલી જ વખત રમતો જોવા મળશે. બુધવારે બન્ને દિગ્ગજે વાનખેડેમાં ઘણી પ્રૅક્ટિસ કરી એના પરથી તેમના અસંખ્ય ચાહકોમાં આશા જાગી છે કે તેઓ ગુરુવારે રમશે.
ચેન્નઈ છેલ્લા પાંચમાંથી ચાર મુકાબલામાં મુંબઈને હરાવી ચૂક્યું છે. છેલ્લે ગયા વર્ષે વાનખેડેમાં જ મુંબઈએ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની અણનમ હાફ સેન્ચુરીની મદદથી ચેન્નઈને નવ વિકેટે હરાવ્યું હતું.
PTI
ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડનો મુંબઈ સામે રેકૉર્ડ સારો છે એટલે બુમરાહ ઍન્ડ કંપનીએ તેને કાબૂમાં રાખવા નવી તરકીબ અજમાવવી જ પડશે. તેણે મુંબઈ સામે નવમાંથી ત્રણ મૅચમાં હાફ સેન્ચુરી ફટકારી છે જેમાંની બે હાફ સેન્ચુરી છેલ્લી બે મૅચમાં હતી.