Mon Apr 27 2026

Logo

પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના લોકોને પત્ર લખ્યો, કહ્યું હવે ભરોસો જોઇએ, ભાજપ જોઇએ

1 hour ago
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કા માટે 29 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી માટે  પ્રચાર પડઘમ શાંત થયા છે. આ પૂર્વે પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના લોકોને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, બંગાળનો દરેક નાગરિક અને પરિવાર પરિવર્તનના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. ભય બહુ થયો, હવે ભરોસો જોઇએ, હવે ભાજપ જોઇએ 

દરેક વ્યક્તિ  વિકસિત બંગાળ બનાવવા સંકલ્પબદ્ધ 

પીએમ મોદીએ  એકસ  પરનો પોતાનો પત્ર શેર કરતા  કેપ્શનમાં લખ્યું કે. પશ્ચિમ બંગાળમાં સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન મારા પરિવારના સભ્યો તરફથી મળેલા અપાર સ્નેહ અને આશીર્વાદે મને નવી ઉર્જાથી ભરી દીધો છે. તે  ભલે  યુવા શક્તિ હોય કે આ ભૂમિની મહિલા શક્તિ ખેડૂત ભાઈઓ અને બહેનો, મજૂરો, કે ઉદ્યોગસાહસિકો. દરેક વ્યક્તિ 'વિકસિત બંગાળ' બનાવવા માટે સંકલ્પબદ્ધ છે. આ પત્રમા મારી લાગણીઓ વ્યક્ત કરી છે.

ભાજપનો રોડમેપ તમારી સમક્ષ રજૂ કરવાનું સૌભાગ્ય મળ્યું.

પીએમ મોદીએ પોતાના પત્રમાં લખ્યું કે, પશ્ચિમ બંગાળના મારા પ્રિય ભાઈઓ અને બહેનો, લોકશાહીનો દરેક તહેવાર પવિત્ર છે. મને પણ બંગાળમાં આ ઉજવણીમાં ભાગ લેવાની તક મળી છે. છેલ્લા કેટલાક દિવસોમાં, મને બંગાળના વિકાસ માટે ભાજપનો રોડમેપ તમારી સમક્ષ રજૂ કરવાનું સૌભાગ્ય મળ્યું. ચૂંટણી પ્રચાર આજે સાંજે 5 વાગ્યે સમાપ્ત થાય છે. આ ચૂંટણી માટે મારી અંતિમ રેલી પણ થઈ ગઈ છે, હવે હું આ પત્ર દ્વારા બંગાળમાં મારા પરિવારના દરેક સભ્ય પ્રત્યે મારી લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છું.

પરિવર્તનનો સમય આવી ગયો

તેમણે આગળ લખ્યું, આ ચૂંટણી દરમિયાન, મેં એ પણ જોયું કે બંગાળમાં દરેક વ્યક્તિ  પછી ભલે તે યુવાન હોય, મહિલાઓ હોય, ખેડૂતો હોય કે મજૂર હોય -વિકસિત બંગાળ માટે  ઉત્સુક છે. બંગાળના યુવાનો હવે આગળ વધવા માટે ખુલ્લું મેદાન શોધે છે. બંગાળની દીકરીઓ ખુલ્લા આકાશની ઇચ્છા રાખે છે અને સુરક્ષાની ઝંખના કરે છે. બંગાળનો દરેક નાગરિક, દરેક પરિવાર એક જ સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. પરિવર્તનનો સમય આવી ગયો છે. ભય બહુ થયો, હવે ભરોસો જોઇએ, હવે ભાજપ જોઇએ. 

આપણે બંગાળને વિકસિત બનાવીશું

પીએમ મોદીએ અંતમાં લખ્યું કે, બંગાળની સેવા કરવી, બંગાળને સુરક્ષિત રાખવું આ મારી પ્રતિજ્ઞા છે. બંગાળ સામેના દરેક પડકારને તકમાં પરિવર્તિત કરવું એ મારું ભાગ્ય અને મારી જવાબદારી બંને છે. હું આ જવાબદારીથી પાછળ હટીશ નહીં. હું તમને ખાતરી આપું છું કે  સાથે મળીને આપણે બધા બંગાળમાં સાથે મળીને ભાજપના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની ઉજવણી કરીશું. આપણે બંગાળને વિકસિત બનાવીશું.