(અમારા પ્રતિનિધિ તરફથી)
નવી દિલ્હી: ભાજપે સોમવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તેમના પક્ષના વિધાનસભ્ય વિજય વાડેટ્ટીવારના નિવેદનની નિંદા કરવા કહ્યું, જેમાં કે વિધાનસભ્યે વોશિંગ્ટનમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાજરી આપેલા કાર્યક્રમમાં ગોળીબારને યોગ્ય ઠેરવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ‘આવા જ હુમલા માટે પ્રાર્થના’ કરી રહ્યા હોવાનું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. શાસક પક્ષ દ્વારા શેર કરાયેલા એક વિડિઓમાં, વડેટ્ટીવાર કથિત રીતે કહે છે, ‘જેવું તમે વાવો છો, તેવું તમે લણશો. જે કરો છો, તેના પરિણામો ભોગવવા પડશે,’ તેમણે આરોપ લગાવ્યો કે ટ્રમ્પે, તેમના સર્વોચ્ચ પદના કાર્યકાળ દરમિયાન, અન્ય દેશો પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કર્યો છે અને વૈશ્ર્વિક શાંતિને ‘ખલેલ’ પહોંચાડી છે. તેમણે કથિત રીતે ઉમેર્યું કે ભારતમાં ‘સમાન લાગણી’ અસ્તિત્વમાં છે.
ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને અન્ય ઉચ્ચ અધિકારીઓને વોશિંગ્ટન હિલ્ટન ખાતે વ્હાઇટ હાઉસ કોરેસપોન્ડન્ટ્સ એસોસિએશનના વાર્ષિક રાત્રિભોજનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, કારણ કે હોટલના બોલરૂમની બહાર અનેક હથિયારોથી સજ્જ એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. વડેટ્ટીવારની ટિપ્પણીની વિડિઓ ક્લિપ પોસ્ટ કરીને, ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ રાજકીય ટીકાથી આગળ વધી ગઈ છે અને હુમલાને સમર્થન આપ્યું છે. ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરીને, કોંગ્રેસ પાર્ટી હવે દેશ વિરુદ્ધ જઈ રહી છે. વિજય વડેટ્ટીવારે ટ્રમ્પ પર ગોળીબારના પ્રયાસને યોગ્ય ઠેરવ્યો છે અને કહ્યું છે કે ભારતમાં પણ આવી જ ભાવના છે. એક રીતે, તેઓ આશા રાખી રહ્યા છે કે આવી ઘટના અહીં પણ બને,’ એમ તેમણે એક્સ પર એક વિડિઓ પોસ્ટમાં કહ્યું.
ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસના નેતાઓ, જેમાં તેના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનો પણ સમાવેશ થાય છે, વડા પ્રધાન મોદી સામે વારંવાર અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો, અને કહ્યું કે આવા નિવેદનો ‘ખતરનાક અને બેજવાબદાર માનસિકતા’ દર્શાવે છે. ‘તમે ભાજપને નફરત કરી શકો છો, પણ તમે શા માટે ઈચ્છો છો કે આ દેશમાં આવી ઘટનાઓ બને? અને તમે શા માટે પ્રાર્થના કરો છો કે તેની આશા રાખો છો?’ ‘તેઓએ 150થી વધુ વખત વડા પ્રધાનને અપશબ્દો કહ્યા છે અને તેમને ધમકીઓ આપી છે અને હવે તેઓ આ તરફ ઝૂકી ગયા છે. ફક્ત એટલા માટે કે તેઓ ભાજપનો વિરોધ કરે છે, તેઓ બંધારણીય પદ ધરાવતા કોઈ વ્યક્તિ સાથે સંકળાયેલી આવી ઘટનાઓને પણ યોગ્ય ઠેરવે છે,’ એમ તેમણે કહ્યું હતું.
એક્સ પરની બીજી પોસ્ટમાં, તેમણે ખડગેની કથિત ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે ભાજપ અને આરએસએસને ‘ઝેરી સાપ’ ગણાવ્યા હતા જેને ખતમ કરવા જોઈએ અને મોદીને ‘આતંકવાદી’ કહ્યા હતા. માફીની માગણી કરતા, પૂનાવાલાએ કહ્યું કે આ કોંગ્રેસનો ‘સાચો ચહેરો’ દર્શાવે છે અને બંધારણનું અપમાન કરે છે. ‘આ એક એવી પાર્ટી છે જેણે આતંકવાદીઓની ગોળીઓથી વડા પ્રધાન ગુમાવ્યા છે, અને તેમ છતાં, તેઓ આવા નિવેદનો આપી રહ્યા છે. આ મોહબ્બત કી દુકાન’ નથી પણ ‘સંવિધાન કા અપમાન’ અને ‘નફરત કે ભાઈજાન’ છે. આ કોંગ્રેસ પાર્ટીનો સાચો ચહેરો છે,’ એમ તેમણે કહ્યું હતું.
ભાજપના અન્ય રાષ્ટ્રીય પ્રવક્તા, પ્રદીપ ભંડારીએ કોંગ્રેસને ‘ટુકડે-ટુકડે ગેંગ (રાષ્ટ્રવિરોધીઓ)નો મોરચો’ ગણાવ્યો હતો. ‘કોંગ્રેસ એક શહેરી નક્સલવાદી પક્ષ છે. જો કોંગ્રેસ લોકશાહી રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હરાવી શકતી નથી, તો તે હવે તેમના પર હુમલો કરવા માંગે છે,’ એમ તેમણે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું. વિડીયોમાં, વડેટ્ટીવાર કહેતા સાંભળવામાં આવે છે, ‘તેમણે (ટ્રમ્પ) પોતાના દેશને પણ બરબાદ કરી દીધો... જે બન્યું છે તે થવાનું જ હતું.’ વડેટ્ટીવારે કહ્યું કે અમેરિકામાં લોકો વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે, જ્યારે ભારતમાં, વિરોધનો અભાવ એવી છાપ ઉભી કરે છે કે ‘બધું બરાબર છે’, જોકે, તેમના મતે, ‘સમાન લાગણી અસ્તિત્વમાં છે.’
‘આજે, ટ્રમ્પે પોતાની મહત્વાકાંક્ષાઓ અને ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે અમેરિકાનો નાશ કર્યો છે, જેમ આપણા દેશમાં થઈ રહ્યું છે. ત્યાં લોકોએ વિરોધ કર્યો, પણ અહીં તેઓ બહાર આવી રહ્યા નથી, તેથી સરકાર માને છે કે બધું બરાબર છે, જ્યારે ઘણા લોકો માને છે કે દેશ વિનાશ તરફ આગળ વધી રહ્યો છે,’ એમ તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આવી ઘટનાઓ ‘સૌથી ઉચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિ સાથે ન થવી જોઈએ,’ પરંતુ કહ્યું કે ‘જેમ જેમ કોઈ કાર્ય કરે છે, તેમ તેમ લોકો આખરે પ્રતિક્રિયા આપશે.’