Mon Apr 27 2026

Logo

પ. બંગાળમાં ચૂંટણી વચ્ચે EDના દરોડા: અનાજ કૌભાંડમાં લાખોની રોકડ અને સોનું જપ્ત, નેતાઓમાં ફફડાટ

1 hour ago
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા ED એક્શન મોડમાં આવ્યું છે. EDની ટીમે કોલકાતા, બર્ધમાન અને હાવડામાં અનાજ વિતરણ કૌભાંડની સાથે સંકળાયેલા નવથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ 18.4 લાખ રૂપિયાની રોકડ સહિત વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા હોવાની વિગતો મળી હતી. 29 એપ્રિલે યોજાનારા મતદાન પહેલા EDની આ ઓચિંતી કાર્યવાહીથી રાજ્યના રાજકીય ગલિયારામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી વિગતો અનુસાર, PDS ઘઉં કૌભાંડની તપાસમાં સામે આવ્યું હતું કે, સરકારી કલ્યાણકારી યોજનાઓ માટે ફાળવવામાં આવેલા અનાજમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, સપ્લાયર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ અને વચેટીયાઓએ મિલીભગત કરીને સરકારી ઘઉંને ગેરકાયદેસર રીતે ખુલ્લા બજારમાં વેચી દીધું હતું. ઓળખ છુપાવવા માટે FCIના માર્ક વાળા કોથળા પણ બદલી નાખવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિપ્રિય મલિક સહિત અનેક લોકોની અગાઉ ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

અન્ય એક કિસ્સામાં, EDએ 26 એપ્રિલ 2026ના રોજ કોલકાતામાં ત્રણ અલગ-અલગ પરિસરો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મની લોન્ડરિંગના આ કેસમાં કલ્યાણ શુક્લા અને સંજય કનોડિયાના સ્થાનો પરથી 10 લાખ રૂપિયાની રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા છે. જપ્ત કરાયેલા દસ્તાવેજો શંકાસ્પદ વ્યક્તિઓ અને રાજકીય રીતે પ્રભાવશાળી લોકો વચ્ચેના મોટા પાયે રોકડ વ્યવહારો તરફ ઈશારો કરે છે. 

બીજી તરફ, EDએ રોજ વેલી ચિટફંડ કૌભાંડના પીડિતોને મોટી રાહત આપી છે. એસેટ ડિસ્પોઝલ કમિટી સાથે મળીને એપ્રિલ 2026 સુધીમાં કુલ 1,73,350 પીડિતોને 127.69 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે. ED હાલમાં પશ્ચિમ બંગાળના અન્ય ચિટફંડ કૌભાંડોની પણ તપાસ કરી રહી છે અને નિર્દોષ રોકાણકારોના નાણાં વહેલી તકે પરત અપાવવા માટે કાયદેસરના પગલાં ભરી રહી છે.