Mon Apr 27 2026

Logo

દિલ્હીએ દાટ વાળ્યોઃ બેગલુરુએ દિલ્હીને 9 વિકેટે હરાવ્યું, કોહલીએ નોંધાવ્યો નવો વિક્રમ

1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

RCB


નવી દિલ્હીઃ હજી શનિવારે આઇપીએલની ટોચની ટીમ પંજાબ સામે 20 ઓવરમાં 264 રનનો અધધધ સ્કોર નોંધાવનાર દિલ્હી કેપિટલ્સની ટીમને ક્રિકેટની રમતની અનિશ્ચિતતાઓનો પરચો મળ્યો હતો અને અહીં રોયલ ચેલેન્જર બેગ્લૂરુ સામે માત્ર 75 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. એક સમયે તો પાવર પ્લેમાં નવ રનમાં છ વિકેટે દિલ્હીએ ગુમાવી હતી અને ત્યારે એવું લાગતું હતું કે તે આઇપીએલના સૌથી ઓછા સ્કોર નોંધાવશે. જોકે પછી બેટિંગ કરવા ઊતરેલી આરસીબીએ 6.3 ઓવરમાં એક વિકેટના ભોગે 77 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

આરસીબીએ માત્ર જેકબ બેથલ (20)ની વિકેટ ગુમાવી હતી અને વિરાટ કોહલી (23)એ નટરાજનને બે સિક્સર ફટકારીને મેચ પૂરી કરી હી. કોહલી સાથે દેવદત્ત પડિક્કલ (34) રન અણનમ રહ્યો હતો. બેંગલુરુ વતી આજની મેચમાં વિરાટ કોહલીએ 11 રન બનાવીને 9,000 રનનો નવો વિક્રમ બનાવ્યો હતો. વિરાટ આઇપીએલમાં એક માત્ર 9,000 રન બનાવનાર બેટર બન્યો છે.

જોશ હેઝલવુડ (4/12) અને ભુવનેશ્વર કુમાર (3/5) એ પાવરપ્લેને વિનાશક બોલિંગ નાખી હતી. અને બંને બોલરોએ ત્રણ-ત્રણ ઓવરના સ્પેલમાં દિલ્હીની બેટિંગ લાઇન-અપના ધજાગરા ઉડાવી દીધા હતા. દિલ્હી 16.3 ઓવરમાં માત્ર 75 રન બનાવી શકી હતી. એક સમયે દિલ્હીનો સ્કોર આઠ રનમાં પાંચ વિકેટ અને ટૂંક સમયમાં નવ રનમાં છ વિકેટ થઈ ગયો હતો.દિલ્હીએ આઇપીએલના સૌથી ઓછા સ્કોર (આરસીબીના 49 રન, 2017)નો રેકોર્ડ તોડવાની શરમજનક સ્થિતિ માંડ ટાળી હતી.દિલ્હી તરફથી અભિષેક પોરેલ (30), ડેવિડ મિલર (19) અને કાઇલ જેમીસન (12) જ બેવડા અંક સુધી પહોંચી શક્યા હતા.

તબાહીની શરૂઆત ઇનિંગ્સના બીજા જ બોલે થઈ જ્યારે ભુવનેશ્વર કુમારે એક શાનદાર ઈન-ડિપિંગ યોર્કર વડે ડેબ્યુટન્ટ સાહિલ પારખના મિડલ સ્ટમ્પ ઉખાડી નાખ્યા. જો આ માત્ર એક ચેતવણી હતી, તો હેઝલવુડે તેને સંપૂર્ણ પતનમાં ફેરવી દીધું. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરે સતત બે બોલમાં ગત મેચના સેન્ચુરિયન કેએલ રાહુલ (1) અને સમીર રિઝવી (0) ને આઉટ કરીને સ્ટેડિયમમાં સન્નાટો ફેલાવી દીધો હતો.રાહુલ પુલ શોટ રમવાના પ્રયાસમાં કેચ આઉટ થયો, જ્યારે રિઝવી ફૂટવર્ક વગર રમવા જતાં એજ આપી બેઠો.

ભુવનેશ્વર કુમારે સ્વિંગ અને સીમ પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખી ટ્રિસ્ટન સ્ટબ્સ (5) ને પેવેલિયન ભેગો કર્યો. ત્યારબાદ દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલ (0) પણ ભુવનેશ્વરના આઉટસ્વિંગર પર વિકેટકીપર જીતેશને કેચ આપી બેઠા. પાવરપ્લેના અંતે દિલ્હીનો સ્કોર 6 વિકેટે માત્ર 13 રન હતો, જેમાં નિત્તીશ રાણા હેઝલવુડનો ત્રીજો શિકાર બન્યો હતો.