Mon Apr 27 2026

Logo

અશ્લીલ ગીત વિવાદ: સંજય દત્તે મહિલા આયોગની માફી માંગી, સાથે માથે લીધી આ જવાબદારી

1 hour ago
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: કન્નડ પેન ઈન્ડિયા ફિલ્મ ‘સરકે ચૂનર તેરી સરકે’ના હિન્દી સંસ્કરણમાં મહિલાઓના કથિત અશ્લીલ અને અભદ્ર ચિત્રણને લઈને ચાલી રહેલા વિવાદમાં બોલિવૂડ અભિનેતા સંજય દત્ત રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) સમક્ષ હાજર થયા હતા. આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરની અધ્યક્ષતામાં યોજાયેલી આ સુનાવણીમાં સંજય દત્તે લેખિત માફીનામું રજૂ કર્યું હતું. તેમણે સ્વીકાર્યું હતું કે ક્રિએટિવ કન્ટેન્ટમાં મહિલાઓનું ગરિમાપૂર્ણ ચિત્રણ ખૂબ જ મહત્વનું છે અને આ ગીત દ્વારા સમાજને અજાણતા પહોંચેલી કોઈપણ ઠેસ માટે તેમણે ઊંડો ખેદ વ્યક્ત કર્યો હતો.

સુનાવણી દરમિયાન આયોગે કલાકારોની સામાજિક જવાબદારી અને પૂર્વ તપાસ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. અધ્યક્ષે ભાર મૂક્યો હતો કે વરિષ્ઠ અને પ્રભાવશાળી કલાકારોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમનું કાર્ય કાનૂની અને સામાજિક મર્યાદામાં રહે. આ ભૂલના સુધારાત્મક પગલાં તરીકે સંજય દત્તે મહિલા સશક્તિકરણમાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને 50 આદિવાસી બાળાઓના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. 

વધુમાં તેમણે ખાતરી આપી હતી કે હવેથી તેમના તમામ કલાકાર કરારોમાં કાનૂની તપાસના એવા કડક નિયમો હશે જે ફિલ્મોમાં મહિલાઓ અને બાળકોના ગરિમાપૂર્ણ નિરૂપણની ખાતરી આપશે. આ જ કેસમાં અભિનેત્રી નોરા ફતેહીને પણ હાજર થવા સમન્સ પાઠવાયું હતું, પરંતુ તે દેશની બહાર હોવાથી હાજર રહી શકી ન હતી અને તેણે નવી તારીખની માંગ કરી છે. 

અગાઉ 6 એપ્રિલે આ ફિલ્મના દિગ્દર્શક કિરણ કુમાર ઉર્ફે પ્રેમ, ગીતકાર રકીબ આલમ અને પ્રોડક્શન કંપનીએ હાજર થઈને માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે આ ગીતને લઈને મચેલા વિવાદ બાદ તેને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું છે. મહિલા આયોગે સ્પષ્ટ કર્યું હતું કે કલાત્મક સ્વતંત્રતા મહત્વની છે, પરંતુ તે જવાબદારી અને મહિલાઓની ગરિમાના સન્માન સાથે હોવી અનિવાર્ય છે.