Mon Apr 27 2026

Logo

અપારદર્શક શિપિંગ ખર્ચ સામે પગલાં લેવા બાસમતી ચોખાના નિકાસકારોનો સરકારને અનુરોધ

1 hour ago
Author: Ramesh Gohil
Article Image

Gemini Ai Generated Image


નવી દિલ્હીઃ પ્રવર્તમાન અપારદર્શક અને મનસ્વીપણે લેવામાં આવી રહેલા શિપિંગ ખર્ચને કારણે ઘણાં ટ્રેડરો માટે બાસમતી ચોખાની નિકાસ અપોસાણક્ષમ બની હોવાથી સરકારને તાત્કાલિક ધોરણે હસ્તક્ષેપ કરીને પગલાં લેવા માટે બાસમતી રાઈસ ફાર્મર ઍન્ડ એક્સ્પોર્ટર્સ ડેવલોપમેન્ટ ફોરમે અનુરોધ કર્યો છે. 

ફોરમે જણાવ્યું હતું કે યુદ્ધને લગતાં જોખમોના સરચાર્જ ક્નટેનરદીઠ 800 ડૉલરથી 6000 ડૉલર સુધીના હોય છે અને કાર્ગોની હેરફેર શરૂ થયા પછી પણ કોઈ આગોતરી જાણકારી કે નોટિસ વિના ફેરફાર કરવામાં આવે છે. તેમ જ અમુક કિસ્સાઓમાં તો આ ચાર્જીસ અથવા તો ખર્ચ સમસ્ત કાર્ગોના મૂલ્યના 60થી 70 ટકા જેટલો થઈ જતો હોય છે. વધુમાં નિકાસકારોને સંપૂર્ણપણે તેમના નિયંત્રણ બહારના સંજોગો માટે નાણાકીય જવાબદારી સ્વીકારવાનું કહેવામાં આવી રહ્યું હોવાનું ફોરમના અધ્યક્ષા પ્રિયંકા મિત્તલે એક યાદીમાં જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે પશ્ચિમ એશિયાની કટોકટીએ શિપિંગ લાઈનને એકપક્ષીય રીતે કાર્ગોને જેબેલ અલી, સોહર અને સલાલાહ બંદર તરફ વાળવા પ્રેરિત કરવામાં આવ્યા છે, ટ્રાન્સશિપમેન્ટ હબ પર ક્નટેનર અટકાવી રાખવામાં આવે છે જેમાં આગળની હિલચાલ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવતી અને અમુક કિસ્સામાં ક્નટેનર મૂળ બંદર તરફ પાછા વાળવામાં પણ આવે છે. નિકાસકારોએ જણાવ્યું હતું કે આ નિર્ણયોમાં અમારી કોઈ ભૂમિકા ન હોવા છતાં તેઓ તેનો સંપૂર્ણ નાણાકીય ખર્ચ ભોગવી રહ્યા છે. 

નિકાસકારોની આ સમસ્યાને ધ્યાનમાં લેતા ફોરમે માગણી કરી છે કે મંત્રાલય પૂરી પાડવામાં આવતી સેવાઓ માટેનાં ચાર્જને કડક રીતે લિન્ક કરે, શિપિંગ લાઈનોને વિવાદિત ફીમાં વળતર આપ્યા વિના ક્નટેનર છોડવાની જરૂર પડે અને ભૂરાજકીય વિક્ષેપો દરમિયાન કાર્ગોના હેન્ડલિંગ માટેની સ્પષ્ટ નિયમનકારી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે. ભારતનાં ડિરેક્ટોરેટ જનરલ ઑફ શિપિંગ દ્વારા નિકાસકારોની ફરિયાદ દાખલ કરવા અને તેને આંતર-મંત્રાલય જૂથને રજૂ કરવા ટ્રેકિંગ નંબર આપ્યા હોવાની બાબતને ફોરમે આવકારી હતી, પરંતુ સાથે સાથે ધરાતલની વાસ્તવિકતા વધુ પડકારજનક રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 

ફોરમના જણાવ્યાનુસાર આ સમસ્યાને કારણે નાના નિકાસકારોને વધુ ફટકો પડ્યો છે. કેમ કે મોટા વૈશ્વિક કેરિયર સામે વ્યક્તિગત ધોરણે તેઓની રકઝક કરવાની ક્ષમતા મર્યાદિત રહે છે. અમુક લોકો કહે છે સંચિત ખર્ચને કારણે તેમને માલસામાન સંપૂર્ણપણે છોડી દેવાની પણ ફરજ પડી છે. જો આ પ્રકારની પ્રથાઓને અવગણવામાં આવે તો તે એક દાખલો બેસાડવાનું જોખમ ઊભુ કરે છે અને તેે ભારતનાં દરિયાઈ વેપાર માળખાનાં વિશ્વાસને નબળો પાડી શકે છે.