તહેરાન: મધ્યપૂર્વમાં ચાલી રહેલો તણાવ સતત વધી રહ્યો છે. ઈરાન કે અમેરિકા બંનેમાંથી કોઈ પણ પાછીપાની કરવા માટે તૈયાર નથી. બંને દેશો અત્યારે એકબીજાને ઘાતક ધમકીઓ આપી રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને ધમકી આપવામાં આવી હતી. તેહરાન વિરુદ્ધની ચેતવણી બાદ મધ્ય-પૂર્વમાં તણાવ વધુ તીવ્ર બન્યો છે. ટ્રમ્પે ઈરાનના ઓઈલ પાઈપલાઈન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાની ધમકી આપ્યાના થોડા જ કલાકોમાં ઈરાને ગલ્ફ દેશોને ગંભીર ચેતવણી આપી છે.
ઈરાને ધમકી આપી કે, અમારૂ ગણિત અલગ છે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ઈરાને લખ્યું કે, ‘જો નાકાબંધીના કારણે અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે ઓઈલ વેલ્સ (તેલના કુવાઓ) ને નુકસાન થશે, તો અમે ગેરંટી આપીએ છીએ કે જે દેશો આક્રમણખોરને સમર્થન આપી રહ્યા છે, તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અમે 4 ગણું નુકસાન પહોંચાડીશું. અમારૂ ગણિત અલગ છે: 1 ઓઈલ કૂવા સામે 4 ઓઈલ કૂવાનો વિનાશ કરવામાં આવશે. આ ધમકી ઈરાન દ્વારા અમેરિકાને આપવામાં આવી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેવી ચેતવણી આપી હતી?
અગાઉ રવિવારે એક ઈન્ટરવ્યૂમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તહેરાનને ફરીથી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા માટે સીઝફાયર સમજૂતી નહીં કરે, તો તેમની ઓઈલ પાઈપલાઈન અને તેલ ક્ષેત્રોને નષ્ટ કરી દેવામાં આવશે. ટ્રમ્પના મતે, જો ઈરાન તેલની નિકાસ કરી શકશે નહીં, તો તેની પાઈપલાઈન કુદરતી રીતે અને યાંત્રિક કારણોસર નિષ્ફળ થઈ જશે’. ટ્રમ્પની આ ધમકી બાદ ઈરાન દ્વારા વળતી ધમકી આપવામાં આવી છે.
રશિયા પહોંચ્યા ઈરાનના વિદેશ પ્રધાન
એક તરફ યુદ્ધનું જોખમ વધી રહ્યું છે, તો બીજી તરફ શાંતિના પ્રયાસો પણ ચાલુ છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી સોમવારે વહેલી સવારે સેન્ટ પીટર્સબર્ગ પહોંચ્યા છે, જ્યાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મહત્વપૂર્ણ બેઠક કરી કરશે તેવું મીડિયા રિપોર્ટ્સ્ દ્વારા જાણવા મળ્યું છે. આ મુલાકાત ઈસ્લામાબાદ અને મસ્કતની તેમની તાજેતરની મુલાકાતો બાદ થઈ રહી છે, જે સૂચવે છે કે ઈરાન આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે પણ અશાંતિ
આ સમગ્ર તણાવ વચ્ચે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો સંઘર્ષ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બંને પક્ષોએ એકબીજા પર યુદ્ધવિરામના ભંગનો આરોપ લગાવ્યો છે. ઈઝરાયેલી સેનાએ દક્ષિણ લેબનોનમાં તેના એક સૈનિકના મોતની પુષ્ટિ કરી છે. બીજી તરફ, હિઝબુલ્લાહે ઈઝરાયેલના આરોપોને ફગાવતા જણાવ્યું હતું કે, તેમના હુમલા એ દુશ્મન દ્વારા યુદ્ધવિરામના સતત ઉલ્લંઘનનો કાયદેસરનો જવાબ છે.