Mon Apr 27 2026

Logo

મોટાભાઈ થવું ભારે પડ્યું! ઈરાને મધ્યસ્થતા નકારી દેતા પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબી ખરડાઈ

Tehran   3 hours ago
Author: Vimal Prajapati
Article Image

તહેરાનઃ પાકિસ્તાન મોટાભાઈ થઈને ઈરાન અને અમેરિકા વચ્ચે શાંત સ્થાપિત કરવા માટે આગળ આવ્યું હતું. જેના કારણે તેને માત્ર 2 જ અઠવાડિયામાં રૂપિયા 200 અરબનું નુકસાન આવ્યું હતું. મૂળ વાત તો છે કે, આટલા રૂપિયાનો ખર્ચ કર્યો તેમ છતાં પણ શાંતિ મંત્રણા સફળ રહી નહીં! હવે તો સામે આક્ષેપો પણ થઈ રહ્યાં છે. આ શાંતિ મંત્રણા માટે ઈરાને પાકિસ્તાન પર વળતો આક્ષેપ કર્યો છે.  એટલું જ નહીં પરંતુ ઈરાને પાકિસ્તાનને મધ્યસ્થય માનવાની ચોખ્ખી ના પાડી દીધી છે. એટલે પાકિસ્તાનને આર્થિક નુકસાન પણ આવ્યું અને કોઈ ક્રેડિટ પણ ના મળી! 

શાંતિ મંત્રણા અંગે ઈરાને પાકિસ્તાન પર વળતો આક્ષેપ કર્યો

ઈરાનના સંસદીય રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ આયોગના પ્રવક્તા ઇબ્રાહિમ રેઝાઈએ પાકિસ્તાનની ભૂમિકા અને નિષ્પક્ષતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ઇબ્રાહિમ રેઝાઈએ કહ્યું કે, પાકિસ્તાનની ભૂમિકા અને તેની નિષ્ફક્ષતા પર શંકા છે. એક મધ્યસ્થ ને દરેક સ્થિતિમાં નિષ્ફક્ષ રહેવું જોઈએ. કોઈ પણ પક્ષે તેને પક્ષપાત ના કરવો જોઈએ. પરંતુ પાકિસ્તાન તેમાં નિષ્ફળ સાબિત થયું છે.

પાકિસ્તાન અમેરિકાની ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ઇબ્રાહિમ રેઝાઈએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાન અમારો પાડોશી અને મિત્ર દેશ છે, પરંતુ જ્યારે વાત કુટનીતિક સંવાદ અને મધ્યસ્થતાની આવે તો તે યોગ્ય દેશ નથી. પાકિસ્તાનનો ઝુકાવ ઘણીવાર બીજી બાજુ (અમેરિકા તરફ) હોય છે, જે વાતચીતની મૂળભૂત ભાવનાની વિરુદ્ધ છે. ઇબ્રાહિમ રેઝાઈએ આક્ષેપ લગાવ્યો કે, પાકિસ્તાન આ મામલે અમેરિકાના દબાવ હેઠળ રહ્યું અને સાચુ બોલવામાં નિષ્ફળ સાબિત થયું છે. શાંતિ મંત્રણા દરમિયાન પાકિસ્તાન માત્ર અમેરિકાના ઈશારે જ કામ કરી રહ્યું હતું. જેથી તેને મધ્યસ્થ દેશ માની શકાય નહીં. 

શાંતિ મંત્રણા મામલે ઈરાને પાકિસ્તાનની મધ્યસ્થતા નકારી

ઈરાને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, હવે એવી કોઈ પણ દેશની મધ્યસ્થતાનો સ્વીકાર કરવામાં નહીં આવે જે દેશ અમેરિકાના પ્રભાવ હેઠળ કામ કરી રહ્યો હોય! ઈરાનના આ નિવેદનના કારણે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબીને ફરી એકવાર કાળો દાગ લાગ્યો છે. પાકિસ્તાન મુસ્લિમ દેશો વચ્ચે મોટાભાઈની જેમ ભૂમિકા ભજવીને એક સેતુ જેમ કામ કરવા માંગતું હતું, પરંતુ હવે તેના તમામ અરમાનો પર પાણી ફરી વળ્યું છે.