Mon Apr 27 2026

Logo

ભીષણ ગરમી બનશે સાઈલેન્ટ કિલર, 2050 સુધીમાં આકરી ગરમીનો સામનો કરતા શહેરી ગરીબોની સંખ્યામાં 700% નો થશે વધારો

1 hour ago
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. મે-જૂન મહિનામાં નોંધાતું તાપમાન એપ્રિલ મહિનામાં જ નોંધાઈ રહ્યું છે. જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ લોકોની પરેશાની પણ વધી રહી છે. આ દરમિયાન વર્લ્ડ બેંકનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, વર્ષ 2050 સુધી ખતરનાક ગરમીની ઝપેટમાં આવનારા શહેરી ગરીબોની સંખ્યા 700 ટકા સુધી વધી શકે છે. જેની સૌથી વધારે અસર એશિયા અને આફ્રિકા પર પડશે.

રિપોર્ટ પ્રમાણે, તાપમાનમાં થઈ રહેલો ઝડપી વધારો શહેરો માટે સૌથી વધારે જીવલેણ અને આર્થિક રીતે સૌથી વધુ નુકસાન પહોંચાડનારા ખતરામાંથી એક બની શકે છે. ગરમી એક વૈશ્વિક પડકાર છે. ગ્લોબલ સાઉથના શહેરોમાં તેનો સૌથી વધારે ખતરો છે. ગરમ અને રેતાળ પ્રદેશમાં તેની સૌથી વધુ અસર પડવાની આશંકા છે.

રિપોર્ટ મુજબ, 2050 સુધી સૌથી વધારે ગરમી પડી રહી હોય તેવા શહેરોમાં ગરીબોની સંખ્યામાં વૈશ્વિક સ્તરે 700 ટકા ચોંકાવનારો વધારો થવાનો અંદાજ છે. જેની સૌથી વધુ અસર પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં થવાની આશા છે.

રિપોર્ટમાં ભીષણ ગરમીને સાઈલેન્ટ કિલર ગણાવવામાં આવી છે. જે સ્વાસ્થ્ય, પ્રોડક્ટિવિટી અને જીવન સ્તર પર ગંભીર અસર કરશે. શહેરોમાં કોન્ક્રિટ અને ડામરનો વધુ ઉપયોગ તથા હરિયાળી ઘટવાના કારણે તાપમાન ગ્રામીણ વિસ્તારોની તુલનામાં 3-4 ડિગ્રી સેલ્સિયસ વધારે રહે છે. જો આવી જ સ્થિતિ રહી તો 2050 સુધી ગરમીના કારણે ઉત્પાદકતા ઘટવાના કારણે ગ્લોબલ GDPમાં 1.3 ટકાથી 1.7 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.
 


શું છે આનું સોલ્યુશન

રિપોર્ટમાં આના સોલ્યુશન તરીકે શહેરી આયોજન, કૂલ રૂફ, ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હીટ એકશન પ્લાન લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત છત પર સફેદ કલર કે રિફ્લેક્ટિવ ટાઈલ્સ પણ લગાવી શકાય છે. તેનાથી ઘરની અંદરના તાપમાનમાં 2-5 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ છે.

આ ઉપરાંત વધુમાં વધુ વૃક્ષો વાવવા, પૉકેટ ફોરેસ્ટ બનાવવાનું સૂચન છે. તેનાથી તડકો અને ઠંડક બંને મળશે. આ ઉપરાંત ઘર બનાવતી વખતે ઈમારતો વચ્ચે વેન્ટિલેશનનું ધ્યાન રાખવા અને કોન્ક્રીટના બદલે  ગરમી શોષી લે તથા તાપમાનમાં ઘટાડો કરી શકે તેવા કન્સ્ટ્રક્શન મટિરિયલ્સનો ઉપયોગ કરવા જણાવાયું છે.