Mon Apr 27 2026

Logo

જીવલેણ ગરમી: ઓડિશામાં સનસ્ટ્રોકથી વસ્તી ગણતરીની ફરજ પર બે શિક્ષકોના મોત

1 hour ago
Author: Savan Zalariya
Article Image

ભુવનેશ્વર: પાંચ વર્ષના વિલંબ બાદ હાલ ભારતમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે, આ દરમિયાન દેશના અનેક વિસ્તારોમાં હીટવેવની અસર વર્તાઈ રહી છે. એવામાં અહેવાલ છે ઓડિશામાં બે દિવસમાં અલગ અલગ ઘટનાઓમાં વસ્તી ગણતરી માટેની ફરજ પરના બે શિક્ષકોના મોત થયા છે, તેમના મોતનું કારણ સનસ્ટ્રોકનું માનવામાં આવે છે. 
અહેવાલ મુજબ મયુરભંજ અને સુંદરગઢ જિલ્લામાં આ મૃત્યુ નોંધાયા હતાં,  ઓડીશામાં વસ્તી ગણતરી ફરજ દમિયાન મૃત્યુનાં કુલ ત્રણ કેસ નોંધાઈ ચુક્યા છે.

ફરજ પર હાજર રહેવા દબાણ!
મયુરભંજ જિલ્લામાં બેટનોટી બ્લોક હેઠળની વૈદ્યનાથ હાઇસ્કૂલના શિક્ષક રાજકપુર હેમ્બ્રમ ઘરે ઘરે જઈને વસ્તી ગણતરીના સર્વેક્ષણ કરી રહ્યા હતાં, સાંજે કામ પાતાવીને તેઓ પરત ફરી રહ્યા હતાં ત્યારે બેભાન થઇ ગયા હતાં, તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રવિવારે સાંજે બારીપાડાની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મૃતકના પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે માંદગી છતાં વસ્તી ગણતરીની ફરજ પર હાજર રહેવા અધિકારીઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હતું.

સુંદરગઢ જિલ્લામાં સમાન ઘટના:
અન્ય એક ઘટનામાં સુંદરગઢ જિલ્લામાં ગુરુંડિયા બ્લોક હેઠળના જરાડા સરકારી હાઇસ્કૂલના શિક્ષક અનુરાગ એક્કા શનિવારે વસ્તી ગણતરી ફરજ દરમિયાન બેભાન થઇ ગયા હતાં, શનિવારે સાંજે જ તેમનું અવસાન થયું હતું.

શરૂઆતમાં તેમને ગુરુંડિયા કમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં તેમની તબિયત બગડતા તેમને જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટરો આ ઘટનાઓની તપાસ કરી રહ્યા છે. જિલ્લા અધિકારીઓ પાસેથી અહેવાલો પ્રાપ્ત થયા પછી મૃત્યુનું ચોક્કસ કારણ પુષ્ટિ કરવામાં આવશે.

અગાઉ 21 એપ્રિલના રોજ સોનેપુર જિલ્લામાં વસ્તી ગણતરીની ફરજ પર અધિકારીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.