નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીની સાથે છેડો ફાડી નાખ્યાં બાદ આમ આદમી પાર્ટીના (AAP) રાજ્યસભાના સાંસદ રાધવ ચઢ્ઢા પર સોશિયલ મીડિયામાં માછલા ધોવાઈ રહ્યાં છે. હવે સત્તાવાર ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાયા બાદ રાજ્યસભાના સાંસદ રાધવ ચઢ્ઢાએ હવે એક વીડિયો જાહેર કરી પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ચઢ્ઢાએ આરોપ લગાવ્યો છે કે પાર્ટીની અંદરનું વાતાવરણ અત્યંત ખરાબ થઈ ગયું હતું અને નેતાઓને જનહિતમાં કામ કરતા રોકવામાં આવતા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે "એક કે બે વ્યક્તિ ખોટા હોઈ શકે છે, પરંતુ સાતે-સાત સાંસદો ખોટા ન હોઈ શકે." આ નિવેદન દ્વારા તેમણે પક્ષપલટાના નિર્ણયને યોગ્ય ઠેરવવાનો પોતાનો કક્કો ઘુંટ્યો હતો.
રાઘવ ચઢ્ઢાએ પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે તેમણે સફળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કારકિર્દી છોડીને આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે પક્ષને ઉભો કરવા માટે પોતાની જુવાનીના 15 વર્ષ ખર્ચી નાખ્યા છે. તેમણે કહ્યું કે, મેં પાર્ટી માટે મારું લોહી-પરસેવો વહાવ્યો છે, પરંતુ આજે આ પક્ષ પહેલા જેવો રહ્યો નથી. હવે આ પક્ષ કેટલાક ભ્રષ્ટ અને સમજૂતીવાદી લોકોના હાથમાં ફસાઈ ગયો છે, જેઓ દેશ માટે નહીં પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરી રહ્યા છે.
પોતાના નિર્ણય પાછળનું કારણ જણાવતા ચઢ્ઢાએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે તેઓ ખોટી પાર્ટીમાં સાચો માણસ' છે. તેમની પાસે ત્રણ વિકલ્પો હતા: રાજકારણ છોડવું, પાર્ટીમાં રહીને સુધારાનો પ્રયાસ કરવો અથવા અન્ય કોઈ મંચ પર જઈને સકારાત્મક રાજકારણ ચાલુ રાખવું. અંતે તેમણે અન્ય છ સાંસદો સાથે મળીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો જેથી તેઓ સામાન્ય નાગરિકોના મુદ્દાઓને વધુ પ્રભાવી રીતે અને ઉત્સાહ સાથે ઉઠાવી શકે.
ઉલ્લેખનીય છે કે 24 એપ્રિલના રોજ રાઘવ ચઢ્ઢા સહિત આમ આદમી પાર્ટીના કુલ સાત રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાયા હતા. જેમાં હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, સંદીપ પાઠક, અશોક મિત્તલ, રાજિન્દર ગુપ્તા અને વિક્રમજીત સાહનીનો સમાવેશ થાય છે. બંધારણીય જોગવાઈ મુજબ બે તૃત્યાંશ સાંસદો અન્ય પક્ષમાં જોડાય ત્યારે પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી, જેના આધારે આ સાતેય સાંસદોએ રાજ્યસભાના સભાપતિને પત્ર લખી ભાજપના સભ્ય તરીકે માન્યતા આપવા વિનંતી કરી હતી.