Mon Apr 27 2026

Logo

45 વર્ષમાં પહેલી જ વખત મે મહિનાની લૂ વચ્ચે દોડશે 'પેલેસ ઓન વ્હીલ્સ', આ છે ખાસ કારણ...

2 hours ago
Author: Darshana Visaria
Article Image

રાજસ્થાનની શાહી ઓળખ બની ચૂકેલી લક્ઝરી ટ્રેન પેલેસ ઓન વ્હીલ્સ ફરી એક વખત ચર્ચામાં છે, પરંતુ આ વખતે આ લક્ઝુરિયસ ટ્રેનનું ચર્ચામાં આવવાનું કારણ અલગ છે. આશરે સાડાચાર દાયકાના ઈતિહાસમાં પહેલી જ વખત મે મહિનાની કાળઝાળ ગરમીમાં પણ પર્યટકોને રાજસ્થાનની સફર કરાવશે. અત્યાર સુધી આ ટ3ેન માત્ર શિયાળા અને અનુકૂળ સિઝનમાં જ દોડાવવામાં આવતી હતી, પરંતુ બદલાઈ રહેલી પરિસ્થિતિ અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આ નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. 

મળતી માહિતી અનુસાર એક નેશનલાઈઝ બેંકે પોતાના 84 સભ્યો માટે આ આખી ટ્રેનને વિશેષરૂપે બુક કરી છે. આ શાહી સફર 20મી મેના દિલ્હીથી શરૂ થશે અને 21મી મેના રોજ સવારે જયપુર પહોંચશે. જ્યાં મહેમાનોના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. આ સ્પેશિયલ જર્નીને ટુરિઝમ માટે એક પોઝિટિવ સંકેત માનવામાં આવી રહી છે, કારણ કે હાલમાં ચાલી રહેલાં ઈન્ટરનેશનલ ટેન્શનને ધ્યાનમાં લેતાં વિદેશી પર્યટકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. 

ઉનાળાની ધ્યાનમાં લેતાં ટ્રેનની અંદર પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાણી-પીણીના મેન્યુમાં પણ મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓને ગરમીમાં રાહત મળે. પ્રવાસ દરમિયાન જે શહેરમાંથી ટ્રેન પસાર થશે ત્યાંની પ્રસિદ્ધ ઠંડી અને સ્વાદિષ્ટ વાનગીઓ પ્રવાસીઓને પીરસવામાં આવશે. 

ટ્રેનના પ્રવક્તા હૃદયેશ ચાનસોનિયા અને હેડ શેફ રાજેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પ્રવાસીઓને સવાઈ માધોપુરમાં કેરીનો પન્ના, ચિતોડગઢમાં ગુલાબની ઠંડી ખીર, ઉદયપુરમાં ઠંડાઈ અને જેસલમેરમાં ઓરેન્જ ડ્રીંક જેવા પીણા પીરસરવામાં આવશે. આ સિવાય જયપુર પહોંચતા જ મહેમાનોને લસ્સી, કુલ્ફી અને ફાલુદા જેવા પારંપારિક વાનગીઓ પીરસવામાં આવશે. 

ટુરિઝમ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ઓફ સિઝન એટલે કે મે મહિનામાં આ પ્રકારની ચાર્ટર જર્ની રાજસ્થાનની ટુરિઝમ ઈન્ડસ્ટ્રી માટે સંજીવની સાબિત થઈ શકે છે. આને કારણે  માત્ર હોટેલ અને ટાવેલ સેક્ટરને ફાયદો મળવાની સાથે સાથે સ્થાનિક વેપારીઓને પણ આર્થિક મજબૂતી મળશે. 

વાત કરીએ પેલેસ ઓન વ્હીલ્સ ટ્રેનની તો આ દેશની સૌથી મોંઘી ટ્રેન છે. જેમાં અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. પેલેસ ઓન વ્હીલ્સની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર પ્રેસિડેન્શિયલ સૂટનું પ્રતિ કેબિન ભાડું 2.67 લાખ રૂપિયા પ્રતિદિન અને આખુ પેકેજ અંદાજે 18.7 લાખ રૂપિયા જેટલું છે. આ આખું પેકેજ સાત રાત અને 8 દિવસ માટે આ જ કેટેગરીના સૂટનું ભાડું 2.18 લાખ પ્રતિદિનના હિસાબે અંદાજે 15.3 લાખ રૂપિયા થાય છે. જ્યારે ડબલ ઓક્યુપેન્સી ડિલક્સ કેબિન પ્રતિ વ્યક્તિ ખર્ચ અંદાજે 71 હજાર પ્રતિદિવસના હિસાબે આખા પેકેજની કોસ્ટ 5 લાખ રૂપિયાની આસપાસ થાય છે.