Mon Apr 27 2026

Logo

અશોક ગેહલોતનું સચિન પાયલોટ મુદ્દે મોટું નિવેદન, કહ્યું તેમના બંને પગ કોંગ્રેસમાં

1 hour ago
Author: Chandrakant Kanoja
Article Image

જયપુર: રાજસ્થાનમાં કોંગ્રેસના બે નેતાઓ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે શાબ્દિક યુદ્ધ હજુ શાંત નથી થયું. જેમાં અશોક ગેહલોતે  સચિન પાયલોટ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે સચિન પાયલોટના બંને પગ હવે કોંગ્રેસમાં છે. તેઓ સંપૂર્ણપણે કોંગ્રેસ સાથે જોડાયેલા છે.અશોક ગેહલોતે આગળ ટિપ્પણી કરી કે મને વિશ્વાસ છે કે તે હવે કયારેય કોંગ્રેસ છોડવાનું નહિ વિચારે. સચિન પાયલોટ વાસ્તવિકતા સમજી ગયા છે. અશોક ગેહલોતે આ નિવેદન જયપુર એરપોર્ટ પર આપ્યું હતું. 

બંને નેતાનો હાથ મિલાવતો વિડીયો રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય 

આ ઉપરાંત સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે ચાલી રહેલી ખટરાગ  બાદ તેમનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ એકબીજા સાથે હાથ મિલાવીને વાતચીત કરતા નજરે પડે છે. આ વિડીયો રાજકીય વર્તુળમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. 

અશોક ગેહલોતે ભાજપ પર નિશાન તાક્યું

આ ઉપરાંત અશોક ગેહલોતે માનસર ઘટનાનો ઉલ્લેખ કરીને ભાજપ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ તેમની સરકારેને ઉથલાવવાનું  ષડયંત્ર રચ્યું હતું. તેમજ કહ્યું ભાજપે શરૂઆતમાં સચિન પાયલોટને ગેરમાર્ગે દોર્યાં હતા અને માનસર લઇ ગયા હતા. તેમજ સચિન પાયલોટ હવે ભાનમાં આવ્યા છે. 

 પશ્ચિમ બંગાળમાં પરિણામ અનિશ્ચિત

આ દરમિયાન પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પર  ટિપ્પણી કરી કે ત્યાંની જમીની પરિસ્થિતિ અત્યંત જટિલ છે અને પરિણામ અનિશ્ચિત છે. તેમણે બંગાળમાં રાજકીય સ્પર્ધાને ભારે સ્પર્ધાત્મક અને અણધારી ગણાવી હતી.