નિલેશ વાઘેલા
મુંબઇ: ગરમીના પારા સાથે વીજ કંપનીઓના શેરમાં પણ જોરદાર કરંટ જોવા મળ્યો છે. અદાણી પાવર અને ટાટા પાવરના શેર ચારેક ટકાના જોરદાર ઉછાળા સાથે નવા વાર્ષિક ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા છે. આ શેરો એક મહિનામાં લગભગ ૪૮ ટકા સુધી ઊછળ્યા છે.
સમગ્ર ભારતમાં વધતા તાપમાનને કારણે વીજળીની માગમાં વધારો થવાની અપેક્ષા હોવાથી અદાણી પાવર અને ટાટા પાવરના શેરમાં ઉછાળો આવ્યો છે. ઘણા પ્રદેશોમાં ગરમીના મોજાના ચેતવણીઓ જારી કરવામાં આવી છે, જેમાં દિવસનું તાપમાન ૪૫ સેન્ટિગ્રેડ સુધી પહોંચી ગયું છે. નિષ્ણાતોએ આગામી સમયમાં મજબૂત અલ નીનોની ચેતવણી આપી છે, જે ઐતિહાસિક રીતે વીજળીની માગને ઝડપી વધારા તરફ દોરી જાય છે.
સમગ્ર ભારતમાં વધતા તાપમાનને કારણે આગામી દિવસોમાં વીજળીની માગમાં વધારો થવાની અપેક્ષાઓ વચ્ચે અદાણી પાવર અને ટાટા પાવરમાં તેજી આગળ વધી હતી અને આ કંપનીઓના શેર સોમવારે લગભગ ચાર ટકા વધ્યા હતા. સોમવારે સવારે અદાણી પાવરના શેર લગભગ ૩.૫ ટકા ઉછળીને રૂ. ૨૨૦.૨૯ના બાવન અઠવાડિયાના નવા ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા હતા.
આ રીતે, કંપનીના શેર ૩૦મી માર્ચના રોજ નોંધાયેલા રૂ. ૧૪૯.૨૦ના નીચા સ્તરેથી લગભગ ૪૮ ટકા જેટલા વધી ગયા છે, જેનાથી આ સમયગાળા દરમિયાન તેના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં લગભગ રૂ. ૧.૪ લાખ કરોડનો ઉમેરો થયો છે અને તે રૂ. ૪.૨૫ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.
દરમિયાન, ટાટા પાવરના શેર સોમવારે સવારે લગભગ ચાર ટકા વધીને બાવન અઠવાડિયાના નવા રૂ. ૪૫૨ના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા. એક મહિનામાં શેર ૨૦ ટકા વધ્યો છે, જેનાથી તેના માર્કેટ કેપિટલાઇઝેશનમાં લગભગ રૂ. ૨૪,૦૦૦ કરોડનો ઉમેરો થયો છે અને તે રૂ. ૧.૪૫ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.