નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધે વિશ્વના અનેક દેશોની ચિંતા વધારી છે. તેમજ અનેક દેશોએ સંભવિત યુદ્ધના પગલે સંરક્ષણ ખર્ચમાં વધારો કર્યો છે. જેમાં ભારત, પાકિસ્તાન, ચીન, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે.
વર્ષ 2025માં વૈશ્વિક સંરક્ષણ ખર્ચ 2,887 બિલિયન ડોલર સુધી પહોંચ્યો
આ અંગે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે( SIPRI)અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલ મુજબ વર્ષ 2025 માં વૈશ્વિક સંરક્ષણ ખર્ચ 2,887 બિલિયન ડોલર સુધી પહોંચ્યો છે. જે વર્ષ 2024ની સરખામણીમાં 2.9 ટકા નો વધારો થયો છે. આ સતત અગિયારમું વર્ષ છે જ્યારે સંરક્ષણ ખર્ચમાં વધારો થયો છે. આ ખર્ચ હવે વિશ્વના કુલ GDP ના 2.5 ટકા જેટલો છે. જે વર્ષ 2009 પછીનો સૌથી વધુ છે.
ભારતે સંરક્ષણ ખર્ચ 8.9 ટકા વધારીને 92.1 અબજ ડોલર કર્યો
જેમાં ભારતે તેનો સંરક્ષણ ખર્ચ 8.9 ટકા વધારીને 92.1 અબજ ડોલર કર્યો છે. જે વૈશ્વિક સ્તરે પાંચમા ક્રમે છે. પાકિસ્તાનનો ખર્ચ 11 ટકા વધીને 11.9 અબજ ડોલર થયો છે. ભારતે પાકિસ્તાન કરતાં 80 અબજ ડોલર વધુ ખર્ચ કર્યો છે.
એશિયાના દેશોએ સંરક્ષણ ખર્ચમાં વધારો કર્યો
આ અહેવાલ મુજબ એશિયાના દેશોએ સંરક્ષણ ખર્ચમાં વધારો કર્યો છે. આ ક્ષેત્રમાં કુલ ખર્ચ 681 અબજ ડોલર સુધી પહોંચ્યો છે. જે 8.1 ટકાનો વધારો છે. ચીને સતત 31મા વર્ષે તેનું સંરક્ષણ બજેટ વધાર્યું છે. તેમજ 336 અબજ ડોલર ખર્ચ્યા છે. જ્યારે જાપાને તેનો ખર્ચ 9.7 ટકા વધારીને 62.2 અબજ ડોલર કર્યો છે. જે વર્ષ 1958 પછીનો સૌથી વધુ છે. તાઇવાનએ તેનો ખર્ચ 14 ટકા વધારીને 18.2 અબજ ડોલર કર્યો છે.
આફ્રિકાના દેશોએ પણ સંરક્ષણ ખર્ચમાં પણ વધારો કર્યો
આફ્રિકાના દેશોએ પણ સંરક્ષણ ખર્ચમાં પણ વધારો કર્યો છે. આ ક્ષેત્રમાં કુલ ખર્ચ 58.2 અબજ ડોલર થયો છે.જે 8.5 ટકાનો વધારો છે. નાઇજીરીયાનો ખર્ચ 55 ટકા વધીને 2.1 અબજ ડોલર થયો.
રોપનો કુલ ખર્ચ 14 ટકા વધીને 864 બિલિયન ડોલર થયો
આ ઉપરાંત યુરોપનો કુલ ખર્ચ 14 ટકા વધીને 864 બિલિયન ડોલર થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બંને રાષ્ટ્રોએ પોતાનો ખર્ચ વધાર્યો છે. રશિયાએ 190 બિલિયન ડોલર ખર્ચ કર્યા છે. જ્યારે યુક્રેને 84.1 બિલિયન ડોલર ખર્ચ કર્યા છે. યુરોપના નાટો સભ્ય દેશોએ સામૂહિક રીતે 559 બિલિયન ડોલર ખર્ચ કર્યા છે. જ્યારે જર્મનીનો ખર્ચ 24 ટકા વધીને 114 બિલિયન ડોલર થયો છે.સ્પેનનો સંરક્ષણ ખર્ચ 50 ટકા વધીને 40.2 બિલિયન ડોલર થયો છે.
અમેરિકાનું સંરક્ષણ બજેટ 2026માં 1.5 ટ્રિલિયન ડોલર પહોંચવાનો અંદાજ
અમેરિકા, ચીન અને રશિયાએ સૌથી વધુ ખર્ચ કર્યો છે. આ ત્રણેય દેશોનો સંયુક્ત ખર્ચ કુલ 1,480 બિલિયન ડોલર હતો. જે વૈશ્વિક સંરક્ષણ ખર્ચના 51 ટકા છે. જોકે, અમેરિકાએ સંરક્ષણ ખર્ચ 7.5 ટકા ઘટીને 954 બિલિયન ડોલર કર્યો છે. એવો અંદાજ છે કે અમેરિકાનું સંરક્ષણ બજે વર્ષ 2026 માં 1 ટ્રિલિયન ડોલરથી વધી વર્ષ 2027 સુધીમાં 1.5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.
ઇઝરાયલનો ખર્ચ 4.9 ટકા ઘટીને 48.3 અબજ ડોલર થયો
મધ્ય પૂર્વમાં કુલ ખર્ચ 218 અબજ ડોલર પર પ્રમાણમાં સ્થિર રહ્યો. ઇઝરાયલનો ખર્ચ 4.9 ટકા ઘટીને 48.3 અબજ ડોલર થયો છે. જે વર્ષ 2025માં ગાઝા સંઘર્ષ દરમિયાન લડાઇ કામગીરીમાં ઘટાડો દર્શાવે છે. તુર્કીનો ખર્ચ 7.2 ટકા વધીને 30 અબજ ડોલર થયો. ઇરાનનો ખર્ચ 5.6 ટકા ઘટીને 7.4 અબજ ડોલર થયો છે.જે તેના અર્થતંત્રમાં ફુગાવાને લીધે ઘટ્યો છે.