કાબુલઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી વિવાદે ફરી એકવાર હિંસક વળાંક લીધો છે. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં કરવામાં આવેલા ભયાનક મિસાઇલ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાના તેમજ અન્ય 45 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સત્તાધીશોએ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે.
આ સૈન્ય કાર્યવાહીમાં કુનાર યુનિવર્સિટીના હોસ્ટેલ સહિત આસપાસના અનેક ગામો અને રહેણાંક વિસ્તારોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. જોકે આસદનાબાદ નજીક તાલિબાનના સૈન્ય ઠેકાણાઓ આવેલા છે, પરંતુ હજુ સુધી પાકિસ્તાની સેનાએ તે ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોય તેવા કોઈ અહેવાલો પ્રાપ્ત થયા નથી. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં પણ બંને દેશો વચ્ચે સરહદ પર લોહિયાળ સંઘર્ષ થયો હતો, જે બાદ તુર્કી, સાઉદી અરેબિયા અને કતારની મધ્યસ્થતાથી યુદ્ધવિરામ અમલમાં આવ્યો હતો.
બંને દેશો વચ્ચેના સંબંધોમાં ડૂરન્ડ લાઇનને આંતરરાષ્ટ્રીય સરહદ માનવાનો ઇનકાર, વેપાર પર નિયંત્રણ અને સામાજિક મતભેદો મુખ્ય અવરોધ રહ્યા છે. અફઘાન સરકારોમાં પાકિસ્તાન દ્વારા તેમને નિયંત્રિત કરવાના પ્રયાસો સામે સતત રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, પાકિસ્તાનનું માનવું છે કે લાખો અફઘાન શરણાર્થીઓને આશ્રય આપવા છતાં અફઘાનિસ્તાન 'એહસાનફરામોશ' રહ્યું છે અને આ સંબંધોમાં ભારતનો પ્રભાવ હંમેશા પાકિસ્તાન માટે ચિંતાનો વિષય રહ્યો છે.
આ મુશ્કેલ સમયમાં ભારત અફઘાનિસ્તાનના લોકોની વહારે આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અફઘાનિસ્તાનને માનવીય સહાયના ભાગરૂપે જરૂરી દવાઓ, મેડિકલ કિટ્સ અને અન્ય આરોગ્ય સામગ્રીની ખેપ મોકલવામાં આવી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે અફઘાનિસ્તાનના લોકો સાથે અડીખમ ઊભું છે અને ભવિષ્યમાં પણ શક્ય તમામ માનવીય સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે.