રાતના બિરયાની ખાધી પછી કલિંગર ખાધું પણ ઝેરની અસર શેનાથી થઈ તે અસ્પષ્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં એક જ પરિવારના સભ્યોને કલિંગર ખાવાથી થયેલા ખોરાકી ઝેરની અસરને કારણે પતિ-પત્ની સહિત તેમના બે બાળકો મૃત્યુ પામ્યા હોવાનો બનાવ નોંધાયો હોવાનું પોલીસે સોમવારે જણાવ્યું હતું.
દક્ષિણ મુંબઈના જે.જે. રોડ પરિસરમાં રહેતા પરિવારના ઘરમાં ૨૫ એપ્રિલ એક પારિવારિક સમારંભ યોજાયો હતો. એ દરમ્યાન પરિવારના સભ્યો સહિત તેમના ઘરે આવેલા પાંચ મહેમાનોએ ચીકન પુલાવ ખાધો હતો. બિરયાની ખાધા બાદ તમામ મહેમાનો પોતાના ઘર માટે નીકળી ગયા હતા. એ બાદ પરિવારનાં ચાર સભ્યોએ કલિંગર ખાધો હતો અને એ બાદ તેમને ઉલટી અને ચક્કર આવવા માંડયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ પતિ-પત્ની અને તેમના બંને બાળકોને તરત નજીકમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને રવિવારે જે.જે. હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા પણ ડૉકટર તેમને બચાવી શક્યા નહોતા. ૩૫ વર્ષની નસરીન, ૧૩ વર્ષની ઝૈનાબ અને ૧૬ વર્ષની આયેશાનું રવિવારે સવારના મૃત્યુ થયા હતા. તો રવિવારે મોડી રાતના ૧૦.૩૦ વાગે ૪૦ વર્ષના અબ્દુલ્લાનું પણ મૃત્યુ થયું હતું.
જે.જે. પોલીસનાં જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આ કેસ કલિંગર ખાવાથી થયેલા ખોરાકી ઝેરનો જણાઈ રહ્યો છે કારણે ફક્ત બિરયાની ખાનારા મહેમાનોને કોઈ તકલીફ થઈ નહોતી.
પોસ્ટ માર્ટમ સહિત અન્ય રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે એવું જણાવતા પોલીસે કહ્યું હતું કે હાલ તેઓએ એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે.