Mon Apr 27 2026

Logo

ગોપાલ ઇટાલિયાના વિવાદાસ્પદ શબ્દ પર IPS એસોસિએશન લાલચોળ: ચૂંટણી પંચને કરી ફરિયાદ

1 hour ago
Author: Devayat Khatana
Article Image

ગાંધીનગર: વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા સોશિયલ મીડિયા લાઈવ દરમિયાન પોલીસ તંત્ર અને ચૂંટણી પ્રક્રિયા પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાત IPS ઓફિસર એસોસિએશને આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે અને રાજ્ય ચૂંટણી કમિશનરને લેખિતમાં રજૂઆત કરી ઇટાલિયા વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

ગોપાલ ઇટાલિયાએ પોતાના ફેસબુક લાઈવમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે 'દલ્લા' અને 'લફંગા' જેવા અત્યંત અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પોલીસ તંત્રએ તટસ્થ રહેવાને બદલે રાજકીય પક્ષના એજન્ટ કે ઉમેદવારની જેમ કામ કર્યું છે. વધુમાં, તેમણે મીડિયા અને પોલીસ પર લોકશાહીને ખતમ કરવાના ભાગીદાર હોવાનો અને 'હદથી નીચે ઉતરવાની સ્પર્ધા'માં હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.

IPS એસોસિએશને આ મામલે રજૂઆત કરતા જણાવ્યું છે કે, ઇટાલિયા દ્વારા વપરાયેલી ભાષા માત્ર વ્યક્તિગત આક્ષેપ નથી, પરંતુ સમગ્ર કાયદા અમલીકરણ સંસ્થાની ગરિમા પર પ્રહાર છે. 26 એપ્રિલના રોજ કરવામાં આવેલા આ વીડિયોમાં જે પ્રકારની વાણીનો ઉપયોગ થયો છે, તે ચૂંટણી ફરજ પર તૈનાત અંદાજે 1 લાખ જેટલા સુરક્ષાકર્મીઓ, જેમાં હોમગાર્ડથી લઈને અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી છે. એસોસિએશનના મતે આ પ્રકારના નિવેદનો જનતામાં પોલીસ પ્રત્યે અવિશ્વાસ પેદા કરવા અને દળોના મનોબળને તોડવાનો પ્રયાસ છે.

અંતમાં, એસોસિએશને ચૂંટણી પંચને વિનંતી કરી છે કે આ મામલે આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ત્વરિત પગલાં લેવામાં આવે. પોલીસ તંત્રનું કહેવું છે કે લોકશાહીમાં ટીકા કરવાનું સ્વાતંત્ર્ય છે, પરંતુ ચરિત્રહનન અને અભદ્ર ભાષા અસ્વીકાર્ય છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ આ ગંભીર રજૂઆત બાદ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં લે છે, કારણ કે આ વિવાદને કારણે રાજ્યના રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી ગયો છે.

ગોપાલ ઇટાલિયાએ ફેસબુક લાઈવ દરમિયાન આક્ષેપ કર્યો હતો કે આખી ચૂંટણીમાં ભાજપના નેતાઓ, સમાજના આગેવાનો, પોલીસ, ગુંડાઓ અને ગોદી મીડિયાએ ભેગા મળીને ચૂંટણીને અનૈતિક અને હિંસાના પર્વ તરીકે ઉજવ્યું. જેમાં સૌપ્રથમ 700 જેટલા ઉમેદવારોને બિનહરિફ કરવામાં આવ્યા. તેમણે આક્ષેપ કર્યો હતો કે હર્ષ સંઘવી અને ટીવી ચેનલોએ હિન્દુ-મુસ્લિમ કરીને આખો માહોલ ઊભો કરવામાં આવ્યો અને દેશની અંદર લોકશાહી ખતમ કરવાના ભાગીદાર બન્યા. આગળ તેમણે તમામ જિલ્લાના એસપી અને આઈજીઓ પર દલાલીનો આક્ષેપ કર્યો હતો. તેમણે પોલીસ પર ચૂંટણીના ઉમેદવારની જેમ જ દલાલી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં તેમણે લફંગા, દલ્લા જેવા શબ્દો વાપર્યા હતા જેનો ખૂબ જ વિરોધ થયો હતો. તેમણે મીડિયા અને પોલીસ પર હદથી નીચે ઉતરવાની સ્પર્ધામાં હોવાનો આક્ષેપ કર્યો હતો.