જેતપુર: ગઈકાલે જ્યારે ગુજરાતમાં એકતરફ ચૂંટણીનો માહોલ હતો, તો બિજી તરફ રાજકોટ જિલ્લાના જેતપુરમાં પોલીસ સ્ટેશનના 500 મિટરના જ અંતરે આવેલી હોટલમાં પૈસાની લેતી-દેતીના વિવાદમાં બે શખ્સોએ આતંક મચાવી તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી હતી. આરોપીઓએ હોટલમાં રહેલી ટેબલ-ખુરશીઓ જાહેર રોડ પર ફેંકી દીધી હતી અને હોટલના કાઉન્ટરને ધક્કો મારી નીચે પાડી દીધો હતો.
રાજકોટ ગ્રામ્યના જેતપુર સીટી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, શહેરના એમ.જી. રોડ પર આવેલી 'રજવાડું હોટલ'માં પૈસાની લેતી-દેતીના વિવાદમાં બે શખ્સોએ આતંક મચાવી તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે હોટલ સંચાલક સલમાબેન ઉર્ફે શીલાબેન હર્ષભાઇ ગાલોરીયાએ સાવરકુંડલાના જયદેવભાઇ દેવમુરારી અને મંડલીકપુરના મયુરભાઇ લસ્કરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગતો અનુસાર, રવિવારે સાંજના સમયે જ્યારે ફરિયાદી અને તેમની પુત્રી હોટલ પર હાજર હતા, ત્યારે આરોપીઓ ઓટો રિક્ષા લઈને ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના પતિ હર્ષભાઇ વિશે પૂછપરછ કરી પૈસાની માંગણી સાથે હોટલમાં રાડા-રાડી શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા આરોપીઓએ હોટલમાં રહેલી ટેબલ-ખુરશીઓ જાહેર રોડ પર ફેંકી દીધી હતી અને હોટલના કાઉન્ટરને ધક્કો મારી નીચે પાડી દીધો હતો. આ તોડફોડમાં કાઉન્ટરનો કાચ તૂટી જતા અને ફર્નિચરને નુકસાન થતા અંદાજે રૂ. 22,000/- નું આર્થિક નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
તોડફોડ કર્યા બાદ બંને આરોપીઓએ જાહેર રોડ પર ઉભા રહીને ફરિયાદીને બિભત્સ ગાળો આપી હતી અને લોકો એકઠા થઈ જતાં પોતાની રિક્ષા લઈને નાસી છૂટ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમના પતિ અને આરોપી જયદેવભાઇ વચ્ચે પૈસાની લેતી-દેતી ચાલતી હોવાથી આ હુમલો કરવામાં આવ્યો હતો. જેતપુર સીટી પોલીસે આ મામલે BNS ની કલમ 296(ખ), 324(4) અને 54 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ઘરી હતી.