Thu Apr 23 2026

Logo

ગુજરાતની ઉમરેઠ વિધાનસભાની પેટા-ચૂંટણી માટે ગુરુવારે મતદાન, 306 મતદાન મથકો સજ્જ

19 hours ago
Author: Chandrakant Kanoja
Article Image

આણંદ: ગુજરાતની આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા-ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાશે. જેની માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમજ શહેર અને ગ્રામીણ મળીને કુલ 306 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. આ બેઠક પર  સવારે 7-00 કલાકથી સાંજના 06 -00 કલાક સુધી મતદાન યોજાશે. જ્યારે પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. 

પેટાચૂંટણીમાં કુલ 06  હરીફ ઉમેદવારો મેદાને

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમરેઠ તાલુકો અને આણંદ ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ 46  ગામોનો સમાવેશ થાય છે અને 03  નગરપાલિકાઓ ઓડ, ઉમરેઠ અને બોરીયાવીનો પણ સમાવેશ થાય છે. આ પેટાચૂંટણીમાં કુલ 06  હરીફ ઉમેદવારો મેદાને છે. જ્યારે  18 થી 19  વર્ષની વય ધરાવતા 4174  યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. 

 

કુલ 2,45,623 મતદારો

જ્યારે 85 વર્ષ કરતા વધુ વયના સુપર સિનિયર સિટીઝન 1556 મતદારો પણ પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે.ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં 1,26,545  પુરુષ મતદારો,   1,19,072 મહિલા મતદારો અને અન્ય 06  મતદારો મળીને કુલ 2,45,623 મતદારો નોંધાયા છે,  જે ચૂંટણીમાં મતદાન કરી શકશે. ECI દ્વારા માન્ય 12 પૈકી કોઈપણ એક દસ્તાવેજને આધારે મતદાન કરી શકાશે

શહેરી ગ્રામીણ વિસ્તારમાં કુલ 306 મતદાન મથકો 

ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં 68  મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં 238 મતદાન મથકો મળી કુલ 306  મતદાન મથકો સજ્જ કરવામાં આવ્યા છે. જ્યાં થતી તમામ ગતિવિધીઓ પર નજર રાખવા માટે વેબકાસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ મતદાનો પૈકી 01  મતદાન મથક દિવ્યાંગો દ્વારા સંચાલિત, 02  યુવાઓ દ્વારા સંચાલિત તથા  02  મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથકો રહેશે. જ્યારે 05  આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા છે. મતદાનની સમગ્ર પ્રક્રિયામાં કુલ 1348  મતદાન સ્ટાફ, 22 માઇક્રો ઓબ્ઝર્વર અને 19  જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સહિત અંદાજે 1500  જેટલો મોટો કર્મચારીગણ કાર્યરત છે. જેમને ત્રણ તબક્કામાં સઘન તાલીમ પણ આપવામાં આવી છે. 

212 જેટલા અધિકારી –કર્મચારીઓ બેલેટ મતદાન કર્યું 

આ ઉપરાંત  મતદાન કેન્દ્ર પર મતદારોને જરૂરી તમામ માહિતી પૂરી પાડવા માટે વોટર આસિસ્ટન્સ બૂથ પણ તૈયાર કરાયા છે. જ્યાં મતદારોના મોબાઈલની જાળવણી માટે પણ સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પેટા ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ચૂંટણી ફરજ પરના કુલ 212 જેટલા અધિકારી –કર્મચારીઓ માટે  ઓડ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 

શાંતિ અને સલામતી માટે સુરક્ષાદળો ખડેપગે

મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે. જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીની આગેવાનીમાં 02  ડીવાયએસપી, 04 પોલીસ ઇન્સ્પેક્ટર, 500  જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત સીઆરપીએફની 03 કંપની મતદાન મથકો ખાતે ફરજ બજાવશે. 

કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો 

આ ચૂંટણીમાં કોઈપણ વ્યક્તિને ચૂંટણીલક્ષી ફરિયાદ કે રજૂઆત કરવી હોય તો જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી નંબર 1950  ઉપર અથવા  ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે ઓડ ખાતે કંટ્રોલરૂમ નંબર 02692- 298071 શરૂ કરવામાં આવ્યો છે.