Thu Apr 23 2026

Logo

મૅન્ચેસ્ટર સિટીને હાલૅન્ડે 1-0થી અપાવ્યો વિજયઃ પ્રીમિયર લીગમાં આર્સેનલનો 200 દિવસના શાસનનો અંત

London   1 hour ago
Author: Ajay Motiwala
Article Image

લંડનઃ મૅન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ટીમે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (IPL)ના પર્ફોર્મન્સમાં છેલ્લા 40 દિવસમાં જબરદસ્ત પ્રગતિ કરીને પૉઇન્ટ્સ-ટેબલમાં બુધવારે મોખરાનું સ્થાન મેળવી લીધું અને એવું બર્ન્લી (BURNLEY) સામેની 1-0ની જીત બદલ શક્ય બન્યું છે. એર્લિંગ હાલૅન્ડ (HAALAND) આ સફળતાનો કર્ણધાર છે અને તેના એકમાત્ર ગોલથી મૅન્ચેસ્ટર સિટીએ આર્સેનલને મોખરાના સ્થાનેથી હટાવી દીધું છે. આર્સેનલની ટીમ છેલ્લા 200 દિવસથી ઇપીએલના પૉઇન્ટ્સ-ટેબલમાં અવ્વલ હતી, પણ મૅન્ચેસ્ટર સિટીએ એને સિંહાસન પરથી ઉથલાવી દીધી છે.

મૅન્ચેસ્ટર સિટી છેલ્લે 2023-'24માં પ્રીમિયર લીગનું ટાઇટલ જીતી હતી. કુલ 10 ટાઇટલ જીતી ચૂકેલી આ ટીમ વતી હાલૅન્ડે મૅચ શરૂ થયા બાદ પાંચમી જ મિનિટમાં ગોલ કર્યો હતો અને ત્યાર પછી મૅન્ચેસ્ટર સિટીએ સંરક્ષણની દીવાલ એટલી બધી મજબૂત કરી રાખી હતી કે બર્ન્લીના ફૉરવર્ડ ખેલાડીઓમાંથી એક પણ પ્લેયરને એકેય ગોલ કરવાની તક નહોતી મળી.

પૉઇન્ટ્સ-ટેબલમાં મૅન્ચેસ્ટર સિટી અને આર્સેનલ 70-70 પૉઇન્ટ સાથે સમાન છે. બન્નેના ગોલ-ફરક પણ એકસરખા (+37) છે, પરંતુ સિટીએ જે 66 ગોલ કર્યા એની તુલનામાં આર્સેનલના ત્રણ ઓછા (63 ગોલ) હોવાથી સિટીને અવ્વલ સ્થાને આવવા મળ્યું છે.

હજી 14મી માર્ચે આર્સેનલ કરતાં સિટીની ટીમ નવ પૉઇન્ટ પાછળ હતી, પણ બુધવારે એણે આર્સેનલના 70 પૉઇન્ટની બરાબરી કરી લીધી છે. આનું કારણ એ છે કે સિટીની ટીમ સતત ત્રણ મૅચ જીતી, જ્યારે આર્સેનલની ટીમ લાગલગાટ બે મૅચ હારી હતી. 19મી એપ્રિલે સિટીનો આર્સેનલ સામે 2-1થી વિજય થયો હતો.