Wed Apr 22 2026

Logo

ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના સસરા સહિત ત્રણ જણની કારચાલક પર હુમલો કરવા બદલ ધરપકડ

5 hours ago
Author: Yogesh D Patel
Article Image

મુંબઈ: દક્ષિણ મુંબઈના રોડ રેજની ઘટનામાં ભૂતપૂર્વ ક્રિકેટર અને તૃણમુલ કૉંગ્રેસના સાંસદ યુસુફ પઠાણના સસરા સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. કારનું ટાયર ખાડા પરથી પસાર થતાં ખાડામાં ભરાયેલું પાણી ઉડવાને મુદ્દે ઉડવાને મુદ્દે વિવાદ થતાં કારચાલક પર તેમણે હુમલો કર્યો હતો, એવો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.

મઝગાંવ વિસ્તારમાં હીરાબાઇ કંપાઉન્ડ નજીક રવિવારે રાતે આ ઘટના બની હતી, જેમાં ઘવાયેલા ફરિયાદીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે રસ્તા પર પાણી ભરાયું હતું અને યુસુફ ખાન ત્યાંથી કારમાં જઇ રહ્યો હતો ત્યારે ટાયર ખાડા પરથી પસાર થયું હતું, જેને કારણે ખાડામાંનું પાણી ભૂતપૂર્વ ક્રિકેટરના સગા શોએબ ખાન પર ઊડ્યું હતું. યુસુફ ખાને તરત જ કાર રોકી હતી અને આ ઘટના અંગે માફી માગી હતી. જોકે શોએબ ખાને તેને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. શોએબ બાદમાં લાઠીથી કારને નુકસાન પહોંચાડ્યું હતું અને યુસુફ પર હુમલો કર્યો હતો.

યુસુફ પોતાના ઘરે પહોંચ્યા બાદ પરિવારજનોએ તેને પોલીસમાં ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી. આથી તે પોલીસ સ્ટેશન જઇ રહ્યો હતો ત્યારે ભૂતપૂર્વ ક્રિકેટરના સસરા ખાલીદ ખાન સહિત અન્યો અધવચ્ચે તેને મળ્યા હતા અને લાઠી તથા બેઝબોલ બેટથી યુસુફ અને તેના સંબંધીઓ પર હુમલો કર્યો હતો. 

દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ખાલીદ ખાન સહિત ત્રણને તાબામાં લીધા હતા. ભાયખલા પોલીસ સ્ટેશનમાં ખાલીલ ખાન, શોએબ ખાન અને અન્યો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા અને સાક્ષીદારોનાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં. આ પ્રકરણે તપાસ ચાલી રહી છે.