હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (20 ઓવરમાં 2/242)ની ટીમ અહીં મંગળવારે દિલ્હી કૅપિટલ્સ (20 ઓવરમાં 9/195)ને 47 રનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ-ઑર્ડરમાં પ્રગતિ કરવાની સાથે હવે પંજાબ, રાજસ્થાન, બેંગ્લૂરુ માટે પડકારરૂપ થઈ રહી છે. દિલ્હીના નીતીશ રાણા (57 રન, 30 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) અને કે. એલ. રાહુલ (37 રન, 23 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) વચ્ચે 86 રનની ભાગીદારી થઈ હતી અને બન્ને પ્લેયર 107 રનના ટોટલ પર વિકેટ ગુમાવી બેઠા હતા. બન્નેના કૅચ અભિષેક શર્માએ ઝીલ્યા હતા. એશાન મલિન્ગાએ નીતીશ રાણા, ટ્રિસ્ટેન સ્ટબ્સ, મિલર અને આશુતોષ શર્માની મહત્ત્વની વિકેટ લીધી હતી, જ્યારે હૈદરાબાદ (Hyderabad)ના હર્ષ દુબેએ 20મી ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી.
અભિષેકને 86મા રને જીવતદાન
એ પહેલાં, હૈદરાબાદે પ્રથમ બૅટિંગ મળતાં ફાયદો ઉઠાવીને શરૂઆતથી ફટકાબાજી કરી હતી અને દિલ્હીને 243 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. અભિષેક શર્મા (135 રન, 68 બૉલ, 10 સિક્સર, 10 ફોર) અણનમ રહ્યો હતો. તેણે પચીસ બૉલમાં 50 રન અને 47મા બૉલ પર 100 રન પૂરા કર્યા હતા. આઇપીએલના ઇતિહાસમાં અભિષેક (Abhishek)ની આ બીજી સેન્ચુરી હતી. તે ઇનિંગ્સના અંતે પાછો આવતો હતો ત્યારે હોમ-ક્રાઉડમાંથી તેને શાનદાર વેલકમ મળ્યું હતું અને ત્યારે રૉબો કૅમેરા તેની પાછળ હતો. અભિષેકને 86મા રન પર નીતીશ રાણાના હાથે જીવતદાન મળ્યું હતું. હૈદરાબાદના 242 રનમાં ટ્રૅવિસ હેડના 37 રન અને કૅપ્ટન ઇશાન કિશનનું પચીસ રનનું યોગદાન હતું. કિશન રનઆઉટ થયો હતો અને એકમાત્ર અક્ષર પટેલને એક વિકેટ મળી હતી.

છ દિવસમાં ત્રીજી સેન્ચુરી
છ દિવસમાં આ વખતની આ ત્રીજી અને કુલ ચોથી સેન્ચુરી હતી. 16મી એપ્રિલે મુંબઈના ક્વિન્ટન ડિકૉકે પંજાબ સામે અણનમ 112 રન, 20મી એપ્રિલે મુંબઈના જ તિલક વર્માએ ગુજરાત સામે અણનમ 101 રન કર્યા હતા અને મંગળવારે હૈદરાબાદના અભિષેક શર્મા પણ સેન્ચુરિયન બન્યો. ચેન્નઈના સંજુ સૅમસને 11મી એપ્રિલે દિલ્હી સામે અણનમ 115 રન કર્યા હતા.
અભિષેકના કબજામાં ઑરેન્જ કૅપ
અભિષેકનો છેવટનો જોડીદાર હિન્રિક ક્લાસેન 285.00ના સ્ટ્રાઇક રેટ સાથે 37 રન બનાવીને અણનમ રહ્યો હતો. મુકેશકુમારની 20મી ઓવરમાં ક્લાસેન-અભિષેકે ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા, પણ ટીમના ટોટલને 250 રન સુધી નહોતા પહોંચાડી શક્યા. જોકે ઑરેન્જ કૅપ અભિષેક (323 રન) પાસે આવી ગઈ છે અને ક્લાસેન (320 રન) નંબર-ટૂ છે. સૌથી વધુ વિકેટ લેવા બદલ પર્પલ કૅપ ચેન્નઈના અંશુલ કમ્બોજ (13 વિકેટ) પાસે છે.